Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોટી ટાંકી ચોક જન ઔષધી કેન્દ્રમાં આઝાદીના ૭પ વર્ષના ઉજવણી નિમિતે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ દવા વિતરણ

રાજકોટઃ ભારત સરકારની ભારતીય જનઔષધી પરી યોજના દ્વારા  સમગ્ર ભારતમાં સીલેકટેડ જનઔષધી કેન્દ્રો પર ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણી અંતર્ગત રાજકોટના મોટી ટાંકી ચોક ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર પર  ઉજવણી કરાઇ હતી. ફારૂકભાઇ બાવાણી (રાજકોટ મ્યુ. કોર્પોરેશન શિક્ષણ સમીતીના ચેરમેન) ડો. રૂકમુદીન કડીવાર (કડીવાર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ), ડો.વિરલ જીવરાજાની (એમ.ડી.ફિઝીશીયન), ડો. બંસરી જીવરાજાની (ડેન્ટીસ્ટ) જીવરાજાની હોસ્પીટલ, ડો.ધવલ રાઠોડ (પીએચસી ઢુવા) તેમજ વિવિધ સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી.

આ તકે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર, મોટી ટાંકી ચોક દ્વારા મેડીકલ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંતના રોગો, ડાયાબીટીસ, બી.પી., હ્ય્દયરોગ, થાઇરોઇડ જેવા અનેક રોગોનું વિનામુલ્યે નિદાન કરી આપવામાં આવ્યું હતું. તેમજ લેડીઝ માટે સેનેટરી પેડનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. રબ્બાની એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને ફ્રી દવા વિતરણ કરવામાં આવી હતી. કડીવાર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના ડો.રૂકમુદીન તેમજ તેમની ટીમ દ્વારા સફળ બનાવવા નિઃશુલ્ક સેવા બજાવી હતી. તથા ૭પ વર્ષથી વધુ વયના ૭પ સીનીયર સીટીઝન લોકોને પી.એમ.બી.વાય. દ્વારા આપવામાં આવેલ કીટનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. જે બદલ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્રના ઓનર એ.એ. સેરશીયા દ્વારા તમામ આવનાર લોકો અને મહેમાનો તેમજ આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનારા તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો. તેમ (એ.એ.શેરસીયા-૬૩પપ૮ પ૦૭૮૯) એ જણાવ્યું હતું.

(3:47 pm IST)