Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વેક્‍સીનેશનને કારણે રાજકોટ પોલીસ સ્‍ટાફ સુરક્ષીતઃ નિયમોનું કડક પાલન કરવું જરૂરીઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

તમામ પોલીસ અધિકારીઓ-સ્‍ટાફને માસ્‍ક-સેનેટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરવોઃ પોલીસ સ્‍ટેશનોમાં સેનેટાઇઝર મશીન ફરી ચાલુ કરવા સુચનાઃ અરજદારો-ફરિયાદીઓએ બને ત્‍યાં સુધી રૂબરૂ આવવા કરતાં ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરવા અનુરોધ

રાજકોટ તા. ૧૨: શહેરમાં કોરોના મહામારી ફરીથી વકરી છે અને સંક્રમિતોની સંખ્‍યામાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોના મૃત્‍યુ પણ થઇ રહ્યા છે. હોસ્‍પિટલો સતત કોરોના સંક્રમિતોથી ઉભરાઇ રહી છે ત્‍યારે આવા સમયે લોકોને નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ સ્‍ટાફ વધુ ગંભીર બને અને સમગ્ર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ કોરોનાના નિયમોનું પોતે પણ કડક પાલન કરી માસ્‍ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્‍ટન્‍સ સહિતનો ઉપયોગ વધારે તેવો અનુરોધ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે કર્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે શહેર પોલીસના તમામ અધિકારીઓ, કર્મચારીઓ કોરોના વેક્‍સીન લઇ ચુક્‍યા હોઇ તેના કારણે તમામ સુરક્ષીત છે. આમ છતાં અમુક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમિત થયા છે તે બધાની હાલત સામાન્‍ય છે અને હોમક્‍વોરન્‍ટાઇન છે. શ્રી અગ્રવાલે જણાવ્‍યું છે કે શહેર પોલીસ કોરોના વેક્‍સીન લઇને સુરક્ષીત બની છે અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શહેરીજનો નિયમોનું પાલન કરે તે માટે પોલીસ સતત સક્રિય છે. શહેર પોલીસ સ્‍ટેશનોમાં સેનેટાઇઝર મશીનો જ્‍યાં બંધ થઇ ગયા હોઇ ત્‍યાં ફરી ચાલુ કરી દેવાની સુચના અપાઇ છે. માસ્‍ક, સેનેટાઇઝર ફરજીયાત ઉપયોગ કરવા જણાવાયું છે. વેક્‍સીનેશન બાદ પણ અમુક પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા હોઇ તમામને વધુ ગંભીરતાથી નિયમોનું પાલન કરવું જરૂરી છે. અરજદારો-ફરિયાદીઓએ પણ બહુ જરૂર ન હોય તો પોલીસ સ્‍ટેશનોમા, કચેરીઓમાં રૂબરૂ ન આવી ઓનલાઇન અથવા ૧૦૦ નંબર પર સંપર્ક કરી તેમજ શહેર પોલીસના ફેસબૂક, ટ્‍વિટર, ઇ-મેઇલ પર સંપર્ક કરી પોતાની રજૂઆત કરવા જણાવાયું છે.

 

(1:59 pm IST)