Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

રંગભૂમિનું મેઘધનુષી વ્‍યકિતત્‍વ

પ્રો. સોમેશ્વર ગોહેલ

પરિચય આપે છે પુસ્‍તક સ્‍વરૂપે

માર્ચ મહિનાની પહેલી તારીખે ગુજરાત સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સાંસ્‍કૃતિ વારસા જાળવણી અંતર્ગતની યોજના અનુસંધાને સેવાઓ આપવા અંગેની કમીટીના સભ્‍ય તરીકે આમંત્રણ મળેલ. ત્‍યારે એ કમીટીમાં અમદાવદના આજીવન રંગકર્મી મુ.શ્રી. સોમેશ્વરભાઇ પણ હતા. અકાદમીની ઓફિસમાં કમીટી મિટીંગ બાદ, તેઓએ પોતાના મેઘધનુષી નાટય કર્મનો પરિચય કરાવતું ૨૦૧૯માં પ્રસ્‍તુત કરેલ પુસ્‍તક વાંચવા મોકલ્‍યું.

આ એક એવું ચિત્તાકર્ષક પુસ્‍તક છે જેમા ૮૨ વર્ષના ગોહેલ સાહેબ પોતાના ૬૦ વર્ષના રંગકર્મની સુક્ષ્માતિત વિગતો લગભગ બસોએક ફોટોગ્રાફ સાથે આપી છે. તેઓના દીર્ધકાલિન રંગકર્મના સાક્ષાત્‍કારનું દર્શન કરાવતા આ પુસ્‍તકને જોવા અને વાંચવાથી સમજાય કે એક વ્‍યકિત કોઇપણ ક્ષેત્રમાં પ્રવૃત રહી એક લગન, પરિશ્રમ, શ્રધ્‍ધા અને ધ્‍યેયનિષ્‍ઠાથી પોતાના જીવનને ચોક્કસ સાર્થક કરી શકે.

પુસ્‍તક વાંચતા એ પણ જણાય છે કે રંગકર્મના મુડી ઉચેરા મહિમાવંતો ઉપેન્‍દ્ર ત્રિવેદી, મૃણાલિની સારાભાઇ પ્રા. જ્‍યોતિ વૈદ્ય, યેઝદી કરંજીયા, વિહંગ મહેતા, ડો. મહેશ ચંપકલાલ, ભરત યાજ્ઞિક, કપિલદેવ શુકલ, પી. ખરસાણી, દામીની મહેતા, કૈલાશ પંડયા, પ્રો. જનક દવે અને જયશ્રી પરીખ વિ. જેવા અનેક કલાધરોએ તેઓ માટે પુસ્‍તકમાં વ્‍યકત કરેલ આદર દર્શાવી જાય છે કે નાટય તપસ્‍વીએ રંગભૂમિની સેવા કેટલી હદ સુધી કરતાં રહ્યા હશે.

એક નાટય કર્મી સાથોસાથ તેઓ વર્ષો સુધી ગુજરાત કોલેજના નાટય. વિભાગના પ્રધ્‍યાપક પણ હતા. તે કારણે તેઓએ ભીમ વાંકાણી જેવા અનેક સમર્થ નાટયકર્મીઓ સર્જયા. તેઓ દિગ્‍દર્શિત અભિનિત અને આપણાં રાજકોટના સ્‍વ. કિશોરસિંહ જાડેજાએ જેમાં સરદાર પટેલની ભૂમિકા ભજવી હતી. તે ૪૦ કલાકારોના કાફલા સાથેનું નાટક ‘‘લોંખડી પુરૂષ સરદાર પટેલ'' રાજકોટમાં ૧૫ વર્ષ પુર્વે રજુ થયુ હતુ ત્‍યારે તે જોતા જ ખ્‍યાલ આવી ગયો કે આ રંગકર્મીએ નાટય કર્મ કેટલી દીર્ધકાલિતા સાથે આર્ષદ્રષ્‍ટ પણ રહ્યા હોય જ પુસ્‍તકમાં તેના સંખ્‍યાબધ્‍ધ નાટકો, તે માહેના પારીતોષિક વિજયી નાટકોની ઘણીખરી વિગતો કલાકાર એન કસબીઓના નામ સાથે આપવામાં આવી છે.

તેઓ પુર્વે નાટય મહારથીઓ જશવંત ઠાકર, માર્કન્‍ડ ભટ્ટ, સી.સી. મહેતા વિ. જેવાઓ સાથે કામ કર્યાનો હર્ષભેર અહીં ઉલ્લેખ કર્યો છે. શૈલેષ દેવાણીએ (નાંદી નાટય મેગેઝીનના તંત્રી) પોતાી લાગણીસભર પ્રસ્‍તાવનાથી ગોહેલ સાહેબનું નાટય વ્‍યકિતત્‍વ હૂબહુ ઉપસાવ્‍યુ છે. આ પુસ્‍તક પ્રસ્‍તુસ્‍તિ કરવામાં ગોહેલ સાહેબે મુખપૃષ્‍ટ, પ્રિન્‍ટ માટેના કાળની પસંદગી અને તેના કલર ફૂલ પ્રિન્‍ટીંગ માટે ઉઠાવેલ જહેમત દાદને પાત્ર છે. અને હા, તેઓને અનેક સન્‍માનો સાથોસાથ ગુજરાત રાજ્‍યોનો સર્વોચ્‍ચ ‘‘ગૌરવ પુરસ્‍કાર'' શા માટે મળ્‍યો છે તે તેઓના પુસ્‍તકને જોતાં અને વાંચતા તુરત સમજાઇ જશે.

સુરતના નાટય ભિષ્‍મપિતામહ શ્રી યેઝદી કરંજીયાએ પુસ્‍તકમાં સોમેશ્વરભાઇ માટે આપેલ વિધાન તેઓ માટે બિલકુલ યોગ્‍ય જણાય છે કે ‘‘રંગભૂમિને સમર્પિત રંગભૂમિનું અણમોલ રતન એટલે પ્રો. સોમેશ્વર ગોહેલ'' હું તેમાં થોડું ઉમેરણ કરી મને જ પૂછીશ કે પોતાના સંઘર્ષ અને સુકર્મથી ઊંચા ડુંગરની ટોચે બિરાજેલ માનવી આટલો સરળ અને સહજ હોઇ શકે? લો ત્‍યારે હું જ તેનો જવાબ આપીશ. ‘‘હા આ રહ્યા મુ.શ્રી. સોમેશ્વરભાઇ...''

આલેખન

કૌશિક સિંધવ

મો.૭૩૫૯૩૨૬૦૫૧

(4:42 pm IST)