Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કે.કે.વી ચોક બ્રિજના કામ દરમિયાન લાઇન તુટીઃ રસ્તાઓ પર પાણીની રેલમછેલ

સેન્ટમેરીઝ સ્કુલ સામે સર્વિસ રોડ પર પાણી વિતરણ લાઇનમાં ભંગાણ થતા કાલાવડ રોડ આસપાસનાં વિસ્તારોમાં ડોહાળા પાણી વિતરણની લોકોની ફરીયાદઃ તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરાઇ

શહેરનાં કાલાવડ રોડ પર કે.કે.વી ચોક વિસ્તારમાં ચાલતા બ્રિજનાં કામે આજે સવારે સર્વિસ રોડ પર પાણી વિતરણની પાઇપ લાઇન તુટતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તે વખતની તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૨: શહેરનાં કાલાવડ રોડ પર કે.કે.વી ચોક વિસ્તારમાં ચાલતા બ્રિજનાં કામ દરમિયાન આજે સવારે સેન્ટમેરિઝ સ્કુલ સામેના ભાગે સર્વિસ રોડ પર પાણી વિતરણની પાઇપ લાઇન તુટતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તેમજ આસપાસનાં વિસ્તારોમાં ડોહળુ પાણી વિતરણ થયાની લોકોમાં ફરીયાદ ઉઠવા પામી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતીમુજબ શહેરનાં કાલાવડ રોડ પર મ.ન.પા. દ્વારા કે.કે.વી ચોકમાં ડેબલ ડેકર ફલાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ છે.આ કામ દરમિયાન પાણી, ડ્રેનેજ સહિતની લાઇનનું શીફટીંગ કરવવામાં આવી રહ્યુ છે ત્યારે સેન્ટ મેરીઝ સ્કુલ સામેનાં ભાગે સર્વિસ રોડ પરની આસપાસનાં વિસ્તારમાં પાણી વિતરણની લાઇનમાં આજે સવારે તુટી જવા પામી હતી. જેના કારણે રસ્તાઓ પર પાણીની રેલમ છેલ થવા પામી છે તેમજ કાલાવડ રોડ પર રામઘણ સહિતની સોસાયટીમાં ડોહળા પાણી વિતરણ થતા લતાવાસીઓમાં દેકારો બોલી ગયો હતો.

 કાલાવડ રોડ પર આ લાઇન તુટવાની મ.ન.પા.નાં વોટર વર્કસ વિભાગને જાણ થતા યુધ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી હતી. સતાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે પાણીની લાઇનમાં ભંગાણનાં કારણે આસપાસનાં વિસ્તારમાં પાણી વિતરણ રાબેતા મુજબ કરવામાં આવ્યુ હતુ.

(4:29 pm IST)