Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કાલે વિશ્વ સિલાઇ મશીન દિવસ

વિદેશી ટેકનોલોજી સામે આજે પણ આપણા એસેમ્બલીંગ સિલાઇ મશીનોની બોલબાલા

સમગ્ર વિશ્વમાં કાલે ૧૩ જુનના સિલાઇ મશીન દિવસની ઉજવણી કરવામાં આવશે. હાથેથી સિલાઇ કામ કરવાની કળા આશરે વીશ હજાર કરતા વધારે વર્ષોથી જુની હોવાનું મનાય છે. સૌપ્રથમ મશીન દ્વારા સિલાઇ કરવાનું કાર્ય એક ફ્રેંચ ટેઇલરે કર્યાનું કહેવાય છે. પરંતુ ૧૮૪૬ મં સિલાઇ મશીનની પેટન્ટ ધરાવનાર ઇલ્યાસ હોવેનો જન્મ ૧૩ જુન ૧૮૧૯ ના થયેલ. તેની યાદમાં આ દિવસ વિશ્વ સિલાઇ મશીન દિવસ તરીકે ઉજવાય છે.  ભારતમાં સૌ પ્રથમ ગ્રેટ બ્રિટન, જર્મની અને જાપાનથી આયાત થયેલા મશીનો ઉપર સિલાઇ કામ થતુ હતુ. વર્ષો અગાઉ એક દોરાથી સિલાઇ કામ કરતા વિલર મશીન હતા. ત્યાર બાદ અર્ધા આંટાના અને આખા આંટાના સિલાઇ મશીનનો વપરાશ મોટા પ્રમાણમાં થવા લાગ્યો.

સમયની સાથે નવી ટેકનોલોજીના લોક સ્ટીક હાઇસ્પીડ ઓટો ઓઇલ તથા બિલ્ટ ઇન મોટરવાળા ડાઇરેકટ ડ્રાઇવ મશીન ઉપરાંત વજનનાં હળવા પ્લાસ્ટીક બોડીના મલ્ટી પર્પઝ મશીનો મોટા પ્રમાણમાં વિદેશથી આવે છે. જેના કારણે સ્વદેશી ઉદ્યોગોને હરીફાઇનો સામનો કરવો પડે છે અને સરકારને વિદેશી હુંડીયામણ વાપરવું પડે છે. સિલાઇ મશીન ઉત્પાદન એસેમ્બલીંગ અંગે શિક્ષણ આપતી એક પણ સંસ્થા નહી હોવા છતા આપણા કારીગરો પોતાની આગવી કોઠાસુઝથી સિલાઇ મશીનનું એસેમ્બલીંગ કામ સારી રીતે કરી રહ્યા છે. સિલાઇ મશીન તથા તેના પાર્ટસના મોટા ઉદ્યોગગૃહો પંજાબના લુધીયાણા ખાતે આવેલા છે. ત્યાંથી આખા ભારતમાં તથા વિશ્વના અમૂક દેશોમાં પાર્ટસ તથા મશીનો પુરા પાડવામાં આવે છે.

સિલાઇ મશીનમાં વપરાતા બેવલ ગિયર અને હુકસેર (શટલ) નું મેન્યુફેકચરીંગ હબ રાજકોટ છે. સમગ્ર ભારતમાં હુકસેટ (શટલ) તથા બેયલ ગિયરનું સૌથી વધુ ઉત્પાદન કરતી ફેકટરીઓ રાજકોટમાં આવેલી છે. જે આપણા માટે ગૌરવ સમાન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી યાંત્રિકકરણના વિરોધી હતા. છતા પણ તેઓ સિલાઇ મશીનની તરફેણ કરતા હતા. આજે વિશ્વ સિલાઇ મશીન દિવસે આ મશીનના ઉત્પાદકો, વેપારીઓ, કારીગરો બધાને શુભેચ્છા

- મહેશભાઇ કોટક

પ્રમુખ : રાજકોટ સોઇંગ મશીન ડીલર્સ એસો., વાઇસ ચેરમેન : અપના બજાર, રાજકોટ

(12:54 pm IST)