Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજ્યના ફિઝીયોથેરાપી તબીબોના પ્રશ્નો ઉકેલવા 'વોઇસ ઓફ ફિઝીયો' સંગઠનની રચનાઃ સરકારને રજૂઆત

લાંબા સમયથી પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા માંગણીઃ સંગઠન સતત રજૂઆતો કરશે

રાજકોટ તા. ૧૨: રાજ્યના ફિઝીયોથેરાપીસ્ટ તબીબો દ્વારા  ફિઝીયોથેરાપી શાખાના પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે વિવિધ સ્તરે માંગ થઈ રહી છે. આ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા વિવિધ જિલ્લાના જાગૃત તબીબોએ 'વોઇસ ઓફ ફિઝીયો' સંગઠન બનાવ્યું છે, આ સંગઠનના  પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર આ સંગઠન ફિઝીયોથેરાપીસ્ટ તબીબોના પડતર પ્રશ્નો, સૈદ્ધાંતિક હક અને ફિઝીયોથેરાપી શાખા સંપુર્ણ વિકાસ કરે એ ધ્યેયથી બનાવવામાં આવ્યું છે.

વોઇસ ઓફ ફિઝીયો દ્વારા એક ઓનલાઇન પિટિશન , જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલા ૪ મુદ્દાનો વિસ્તૃત રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પિટિશનને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને આશરે ૭ હજારથી પણ વધુ તબીબો અને વિદ્યાર્થીઓએ આ પિટિશનને સમર્થન આપ્યું છે. તેમજ આ બાબતે રાજ્ય સરકારમાં પણ લેખીત અરજી કરવામાં આવી છે અને ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ઓફ ફિઝીયોથેરાપીસ્ટના રજીસ્ટારને પણ આ અંગે લેખિત અરજી કરી નોંધ લેવા વિનંતિ કરાઇ છે.

એક દાયકાથી સરકારી કોલેજમાં ખાલી પડેલી સીનયર લેકચરર, લેકચરર અને કિલનિકલ થેરાપિસ્ટની પોસ્ટ પર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને , ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે, આંતરિક વિસ્તારોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ માનવબળના અભાવને કારણે ખાલી રહેલી જગ્યાઓ જનહિતમાં ભરવામાં આવે, જેનો સીધો લાભ ત્યાંના દિવ્યાંગ લોકોને થાય તેમ છે. બીજા રાજ્યો અને કેન્દ્ર સરકારે જેમ ફિઝિયોથેરાપીસ્ટ વર્ગને કલાસ-૨માં સમાવ્યા છે તેમ ગુજરાત રાજ્યમાં પણ સમાવવામાં આવે અને ફિઝીયોથેરાપીને પેરામેડીકલમાંથી  ગુજરાત કાઉન્સિલના બંધારણ મુજબ મેડિકલ શ્રેણીમાં મુકવી જોઈએ તેવી પણ માંગણી છે.

રજૂઆતમાં આગળ જણાવાયું છે કે હવે ફિઝીયોથેરાપીનો કોર્ષ ૪.૫ વર્ષનો હોવાથી કાઉન્સિલના નિયમ મુજબ મેડિકલ શ્રેણીમાં મુકી શકાય. સમગ્ર ગુજરાતમાં કાઉન્સિલ દ્વારા તૈયાર કરાયેલા એક જ સિલેબસનું પાલન કરાવાય અને ગુજરાતમાં અલગ અલગ યુનિવર્સિટી દ્વારા લેવાતી પ્રવેશ પ્રક્રિયાનું કેન્દ્રીકરણ કરી ફકત એક જ MPT પ્રવેશ પરીક્ષા લેવાય જેથી વિદ્યાર્થીનું થતું આર્થિક અને માનસિક નુકશાન અટકે.

આ બધા પ્રશ્નોનું નિરાકરણ રાજ્યમાં આરોગ્ય સ્તર સુધારવા તેમજ વિદ્યાર્થીઓના હિતમાં હલ કરવું જરૂરી છે. જેની ફિઝીયોથેરાપીસ્ટ તબીબો દ્વારા વારંવાર રજુઆત થઇ છે પરંતુ હજુ સુધી આ મુદ્દાઓનો ઉકેલ આવ્યો નથી. જ્યાં સુધી આ મુદ્દાનો કોઈ હકારાત્મક ઉકેલ સરકાર તરફથી નહીં આવે ત્યાં સુધી વોઇસ ઓફ ફિઝીયો સંગઠન સરકારમાં અલગ અલગ સ્તરે પોતાની રજુઆત કરતું રહશે એવું સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હોવાનું રાજકોટના ડો. શિવાંગી માંડવીયા- (૮૪૬૦૮૫૫૬૫૨), ડો. હર્ષદ મોરાસીયા (૭૬૨૨૮૬૬૫૫૯) અને ડૉ.ઋષીક ધામેચા (૯૪૨૮૨૭૮૨૫૩)એ એક યાદીમાં જણાવ્યું છે.

(12:54 pm IST)