Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વોર્ડ નં. ૧૧નો પાણી પ્રશ્ન ઉકેલતા દેવાંગ માંકડ વાવડીમાં આજથી વધુ 2 MLD વિતરણનો પ્રારંભ

પાણીની કટોકટી અંગે વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટરશ્રીએ ધ્યાન દોર્યા બાદ મેયર ડો. પ્રદિપ ડવ - સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી બેડી - જયુબેલી ફિલ્ટરથી વાવડી સુધી વધારે પાણી પહોચાડવાનું શરૂ કરાવતા વોટર વર્કસ ચેરમેન

રાજકોટ તા. ૧૨ : શહેરની હદમાં બે વર્ષ અગાઉ ભેળવાયેલ વાવડી ગામમાં ઓછું પાણી મળતું હોવાની રજૂઆત સ્થાનિક કોર્પોરેટર મારફત મળતા વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગ માંકડે આ બાબતે ગંભીરતા દાખવી વોર્ડ નં. ૧૧ના આ વિસ્તારમાં પુરા ફોર્સથી અને પુરતા પ્રમાણમાં પાણી વિતરણ થાય તે માટે બેડીથી જયુબેલી ફીલ્ટર પ્લાન્ટ થઇ વાવડી સુધી વધારાનું ૨ એમ.એલ.ડી. પાણી આપવાનો પ્રારંભ કરતા આ વિસ્તારનો પાણી પ્રશ્ન હલ થયો છે.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર દ્વારા વાવડી વિસ્તારનાં પાણીનાં પ્રશ્નો અંગે કરવામાં આવેલ રજુઆત અન્વયે આજથી વાવડી વિસ્તારમાં ૨-એમ.એલ.ડી. વધુ આપવાનું આયોજન કરેલ છે. આ અંગે માહિતી આપતા વોટર વર્કસ કમિટીનાં ચેરમેન દેવાંગભાઈ માંકડ જણાવે છે કે શહેરમાં નવા ભળેલ વાવડી વિસ્તારમાં ૪-એમ.એલ.ડી. પાણીનું વિતરણ કરવામાં આવતું હતું. જેના કારણે લોકોને થોડીક મુશ્કેલી પડતી હતી.

આ બાબતે વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરશ્રીએ પાણી પુરવઠાની પરિસ્થિતિથી વાકેફ કરેલ. કોર્પોરેટરશ્રીઓની રજુઆત ધ્યાને લઈ, તાત્કાલિક ધોરણે મેયર ડો.પ્રદિપ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ સાથે પરામર્શ કરી, વાવડી વિસ્તારના લોકોને ૨-એમ.એલ.ડી. વધુ પાણી મળી શકે તે માટે વ્યવસ્થા ગોઠવી, કુલ ૬-એમ.એલ.ડી. પાણી મળી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે.

આ માટે હડાળાથી બેડી ફિલ્ટર પ્લાન્ટ થઈ જયુબેલી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૨-એમ.એલ.ડી. પાણી વધારે ઉપાડવા અને તેના કારણે ભાદર ખાતેથી ઉપાડવામાં આવતા પાણી પુરવઠામાં જે ૨-એમ.એલ.ડી. બચત થાય તે વોર્ડ નં.૧૧ના વિસ્તારના લોકોને સપ્લાઈ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી યુધ્ધના ધોરણે અમલવારી કરવામાં આવેલ છે.

(2:57 pm IST)