Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પડધરીની સગીરાની જાતિય સતામણીના કેસમાં રેલ્વે પોલીસ કર્મચારીની જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટ તા. ૧રઃ પડધરીની સગીર વયની પુત્રી સાથે જાતીય સતામણી કરનાર પોલીસ કર્મચારીની રેગ્યુલર જામીન અરજીને પોકસો અદાલતે રદ કરી હતી.

આ ગુન્હા અંગેના બનાવની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી રહે. :- પડધરી રેલ્વે સ્ટેશન સામે, પડધરીનાઓએ તેઓની સગીર વયની પુત્રી ઉ.વ. ૧૧ સાથે જાતીય સતામણી કરવા બાબત રાજકોટ રેલ્વે પો. સ્ટે.માં આરોપી ટીંકુકુમાર રામપાલ સીંગ વિરૂધ્ધ ફરીયાદ આપેલ હતી. જેથી આરોપી કે જે રેલ્વે પોલીસમાં પડધરી ખાતે ફરજ બજાવતા હતા. તેઓ વિરૂધ્ધ રાજકોટ રેલવે પો. સ્ટે.માં આઇ.પી.સી. કલમ ૩પ૪ (એ), પ૦૬ (ર), ૪૪૮ તથા પોકસો એકટની કલમ ૭ અને ૮ મુજબ ગુનો દાખલ થયેલ હતો. પોલીસ દ્વારા તેઓની ધરપકડ થયેલ હતી. ત્યારબાદ આરોપીએ સ્પે. પોકસો કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

આરોપી વિરૂધ્ધ પ્રાઇમાફેસી કેસ છે. તેમજ આરોપીની વર્તુણુંક પણ જોવામાં આવે તો તેઓએ બનાવ બાદ ફરીયાદી તથા ભોગ બનનારને ધમકી પણ આપેલ છે અને આરોપી પોલીસ કર્મચારી હોય અને કાયદાના જાણકાર હોવા છતાં તેઓએ આવો ગંભીર ગુનો કરેલ છે. તેમજ સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલ જજમેન્ટ ફરીયાદી તરફે રજુ કરેલ હતું તથા સરકાર તરફે સરકારી વકીલશ્રી દ્વારા જામીન અરજી રદ કરવા માટે વિગતવાર પણ દલીલો કરવામાં આવેલ હતી. જે દલીલો તથા મુળ ફરીયાદી તરફે આપેલ વાંધાઓ ધ્યાને લઇ સ્પે. પોકસો કોર્ટના જજશ્રી ડી. એ. વોરાએ આરોપી ટીકુકુમાર રામપાલ સીંગની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ જીતેન્દ્રસિંહ પરમાર, બાલાભાઇ સેફાતર, કિશનભાઇ વાલ્વા, ચિરાગ મહેતા, વિજય જોષી તથા સરકાર તરફે સરકારી વકીલશ્રી સમીરભાઇ ખીરા રોકાયેલ હતા.

(2:59 pm IST)