Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

હૃદયરોગને લગતી બિમારીઓ માટે 'કાર્ડિયાક ઈમેજીંગ' મહત્વનો ભાગ ભજવી શકે

આજના સમયમાં હૃદયરોગથી ભાગ્યે જ કોઈ વ્યકિત અજાણ હશે. સામાન્ય રીતે હૃદયરોગને હૃદયની ધમનીઓના બ્લોકેજની બિમારી તરીકે સમજવામાં આવે છે, જે સૌથી વધુ વ્યાપક છે, પરંતુ એ ઉપરાંત હૃદયના સ્નાયુઓ, વાલ્વ, પડદા અને મહાધમનીને લગતાં રોગો પણ હૃદયરોગના પ્રકાર છે. જો હૃદયરોગની સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. એજ રીતે, જો સમયસર નિદાન ન થાય તો સૂક્ષ્મ રીતે હૃદયરોગ વધી શકે છે, ઈમરજન્સી થઈ શકે છે અને આગળ જતાં જીવનક્ષમતા પણ મર્યાદિત કરી શકે છે. ડો. કેયુર વોરાનાં મંતવ્ય પ્રમાણે હૃદયરોગને લગતી તમામ બિમારીઓના સચોટ નિદાન માટે આજનાં સમયમાં 'કાર્ડિયાક ઈમેજીંગ' સૌથી અગત્યનો ભાગ ભજવી શકે છે.

કાર્ડિયાક ઈમેજીંગ શું છે?કાર્ડિયાક ઈમેજીંગ એ મેડિકલ ક્ષેત્રની અતિઆધુનિક ટેકનોલોજી છે, જેમાં CT Scan અને MRI દ્વારા હદયની નસો, વાલ્વ, પડદા, હદયની પમ્પીંગ અને સ્નાયુઓને લગતાં રોગો વિવિધ પ્રકારના જન્મજાત હૃદયરોગ ઉપરાંત હૃદયને લગતાં કેન્સર અને લોહીની ગાંઠ જેવા જટીલ રોગોનું એડવાન્સ ટેક્નોલોજીથી અભ્યાસ કરી સચોટ નિદાન કરવામાં આવે છે.

આપણા ઘણા મિત્રોએ CT Coronary Angiography વિષે સાંભળ્યું હશે. આ એક એવી આધુનિક ટેકિનક છે, જેમાં હાથની નાની શિરામાં ઇન્જેકશન આપી CT Scan કરીને હૃદયની તમામ નાની-મોટી ધમનીઓની એન્જીઓગ્રાફી કરી, અત્યંત સૂક્ષ્મ નોન-કેલ્શિફાઈડ અને જટીલ કૅલ્શિફાઈડ બ્લોકેજનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ સચોટ માહિતીના આધારે યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી શકે છે. ખાસ કરીને જે લોકોને હૃદયરોગની Family History હોય, કોલેસ્ટ્રોલ ખૂબ વધુ રહેતુહોય અને ઈમરજન્સી લક્ષણો જેવા કે છાતીમાં દુખાવો કે શ્વાસની તકલીફ હજુ સુધી ન થઈ હોય, તેમણે કાર્ડિયોલોજીસ્ટની સલાહ પ્રમાણે કેલ્શિયમ સ્કોર અને CT કોરોનરી એન્જીયોગ્રાફી વિશે માર્ગદર્શન લેવું જોઈએ.

આ ઉપરાંત ઘણાં દર્દીઓને હૃદયરોગની તકલીફ થયા પછી હૃદયનું પમ્પીંગ ઘટવાથી વારંવાર ઈમરજન્સી સારવારની જરૂર પડે છે. જો નસોમાં બ્લોકેજ વધુ હોય તો સ્નાયુઓને ઈજા થવાથી પમ્પીંગ ઓછું થાય છે, પરંતુ નસો સંપૂર્ણ સામાન્ય હોય તો પણ હૃદયના સ્નાયુઓને લગતા ઘણા રોગોમાં પમ્પીંગ ઓછુ થાય છે. આ તમામ રોગોને કાડિયોમાયોપની (Cardiomyopathy) ગણવામાં આવે છે, જેનું સચોટ નિદાન કરવા માટે એડવાન્સ ઈમેજીંગ ટેકિનક છે કાર્ડિયાક MRI. આ તપાસથી ઘણા જટીલ એન્જીઓપ્લાસ્ટી અને બાયપાસને લગતા નિર્ણયો પણ સરળ થઈ શકે છે.

ડો. કેયુર વોરા કાર્ડિયાક ઈમેજીંગ નિષ્ણાંત અને રિસર્ચ ઈન્વેસ્ટીગેટર છે. ડોૅ. કેયુર વોરા અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC USA), સોસાયટી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (SCCT USA) અને કાર્ડિયોવાસ્ક્યુલર MRના વિષયમાં રિસર્ચ ક્ષેત્રે પશ્ચિમ ભારતના સૌપ્રથમ Fellow છે.

હાલમાં વિશ્વમાં પુખ્ત વયના લોકોમાં હૃદયના પમ્પીંગને લગતી તકલીફ, જેને Heart Failure કહેવાય છે, તેનો દર એક થી બે ટકા સુધી છે. ડો. કેયુર વોરા Heart Failure  અને Cardiomyopathy ના ક્ષેત્રમાં ઈમેજીંગ રિસર્ચ દ્વારા સચોટ નિદાન અને સારવારના વિકલ્પો માટે કાર્યરત છે.

જે.ડી. ત્રિવેદી

પૂર્વ સહાયક, માહિતી નિયામક, રાજકોટ મો.૯૯૨૫૩ ૫૭૬૫૭

(4:24 pm IST)