Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

બાપુ મજબૂત મનોબળના હતાં આત્મહત્યા કરે જ નહિ, હત્યાની શંકાઃ મનિષાબા વાળા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પોલીસ કમિશનરને આવેદન આપી અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા : પોલીસ ઝડપથી આરોપીઓને પકડે એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશેઃ ન્યાયીક તપાસ કરવા માંગણી : કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત ૧૦૦૮ જયરામદાસબાપુના હાથ પર મૃત્યુના દિવસે લીલા નિશાન હતાં: બાપુ પાસે જોળીમાં જ ચાર-પાંચ લાખની રોકડ રહેતીઃ તેઓ બહેન દિકરીઓ, મહિલાઓને એકલા નહિ પરિવાર સાથે જ આવવાનું કહેતાં: સમાધીને બદલે અગ્નિસંસ્કાર અપાયા, પોસ્ટ મોર્ટમ ન થયું...આ બધું શંકાસ્પદ જ છેઃ મનિષાબા વાળા

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ આજે પોલીસ કમિશનરને આવેદન પાઠવી મહંતના મૃત્યુમાં ઝડપી તપાસ કરી સત્ય સામે લાવવા માંગણી કરી હતી (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૨: કાગદડીના શ્રી ખોડિયાર માતાજી ધુના આશ્રમના મહંતશ્રી ૧૦૦૮ સાધુ જયરામદાસ બાપુના મૃત્યુના બનાવમાં ઝડપથી ન્યાયી તપાસ કરવાની માંગણી સાથે આજે શ્રા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. આ સેનાના  સોૈરાષ્ટ્ર અધ્યક્ષ મનિષાબા વાળાએ ચોંકાનવારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આ બનાવ આત્મહત્યાનો નહિ પણ હત્યાનો હોવાની દ્રઢ શકયતા છે. પોલીસ ન્યાયી તપાસ કરી સત્ય બહાર લાવે. બાપુ મનોબળના મજબૂત હતાં એ આત્મહત્યા ન કરે. તેના પર દબાણ કરવામાં આવતું હતું. બે કરોડથી ઉપરની રકમ તેમની પાસે હતી. એ લોકો પાસે કંઇ નહોતું ત્યારે બાપુ તેને આશ્રમે લાવ્યા હતાં. બાપુને કાયમી પ્રેશરમાં રાખી આશ્રમ ગોૈશાળા કબ્જે કરવા ઇચ્છતા હતાં, બાપુને માર્યા છે, ગાડીમાં નાખીને લઇ ગ્યા છે, ખુન કર્યુ હોય એવું જ લાગે છે.

મનિષાબા વાળાએ આગળ કહ્યું હતું કે અમે નિયમીત આશ્રમે આવનારા છીએ, બાપુશ્રી રામચરણ પામ્યાનું મેં ફેસબૂક મારફત જાણતાં જ હું ત્યાં પહોંચી હતી. પણ મને ઉપરના રૂમમાં જવા દેવાઇ નહોતી. છતાં હું ત્યાં પહોંચી હતી ત્યારે  બાપુ પલોઠી વાળેલી સ્થિતિમાં હતાં. હું બેભાન થઇ ગઇ હતી. એ પછી એમ્બ્યુલન્સ આવી અને બાપુને લઇ જતાં હતાં ત્યારે મેં તેમના માથે હાથ ફેરવ્યો હતો. ત્યારે તેમના હાથ પર મેં લીલા નીશાન જોયા હતાં. મનિષાબાએ વધુમાં કહ્યું હતું કે એક વકિલનું નામ સંભળાય છે, એ દબાવવા માંગે છે. તપાસ નબળી પાડવામાં આવે તેવી સો ટકા શંકા છે. ટ્રસ્ટીમાં વકિલ છે, સ્યુસાઇડ નોટ એના હાથમાં છે. વિહિપના બાપુ અધ્યક્ષ હતાં. તો વિહિપના કોઇ કેમ આગળ નથી આવતાં. જન્માષ્ટમી વખતે બાપુ સોૈથી પહેલા રથમાં હોય છે.

 બાપુને પ્રેશરમાં લેવાયા છે. વિક્રમ બાપુને સખત દબાવતો હતો. બાપુ કોઇને કંઇ શકયા નથી. બાપુ કોઇ ફોલ્ટમાં નથી એ અમારો વિશ્વાસ છે. અમે દિકરીયું આશ્રમે જાય તો બાપુ કહેતાં કે દિકરીઓ-મહિલાઓને એકલા ન આવવું પરિવારની સાથે જ આવવું. અમારી પાસે વાહનની વ્યવસ્થા ન હોય તો ઘર સુધી ગાડી મુકવા આવતી. મોટા મોટા નેતાઓ પણ બાપુના આશ્રમે આવે છે. પંદર વર્ષથી અમે આશ્રમ જઇએ છીએ, અમે તેની દિકરીઓ હતાં. તેઓ ગુજરાત-રાજસ્થાન સુધી છવાયેલા હતાં.

જે વિડીયો ફરતો થયો છે એમાં બાપુ ઉપર કાવત્રુ છે, આરોપીઓ પકડાશે ત્યારે દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે. બાપુ પાસે ખુબ મોટી રકમ હતી. તેઓ જોળીમાં જ ચાર પાંચ લાખ રાખતાં. દવા પીધી છે એ દવા કયાંથી આવી? તેની પણ તપાસ થવી જોઇએ. બાપુને સમાધી અપાય...કોના કહેવાથી અગ્નિસંસ્કાર થયા? મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કેમ ન થયું? સમાધીને બદલે શા માટે અગ્નિસંસ્કાર આપી દેવાયા? ચિઠ્ઠી વકિલ પાસે હતી, એ બધુ જાણે છે. તેમ પણ મનિષાબા વાળાએ જણાવી તટસ્થ અને ઝડપી તપાસની માંગણી કરી છે.

(4:27 pm IST)