Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વીરડા વાજડી પુલ પાસે વોંકળામાંથી બે લાખનો વિદેશી દારૂ યુનિવર્સિટી પોલીસને રેઢો મળ્યો

જથ્થો કોણે ઉતાર્યો એ સહિતની વિગતો મેળવવા ફૂટેજ ચેક કરવા કવાયત : પીઆઇ એ. એસ. ચાવડા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, જયંતિગીરી ગોસ્વામી સહિતની ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૨: કાલાવડ રોડ પર વિરડા વાજડીના પુલ પાસે મીરા નર્સરીવાળા રોડ પર વોંકળામાંથી યુનિવર્સિટી પોલીસની ટીમને રૂ. ૨,૦૬,૬૦૦નો વિદેશી દારૂ રેઢો મળી આવતાં આ દારૂ કોણે ઉતાર્યો? કોણ કટીંગ કરવાનું હતું? એ સહિતની વિગતો મેળવવા સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ હાથ ધરી છે.

પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મીરા નર્સરીવાળા રોડ પર વોંકળામાં ખાખી બોકસ રેઢા પડ્યા છે તેવી બાતમી મળતાં તપાસ કરતાં બોકસમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. પીઆઇ એ. એસ. ચાવડા, હેડકોન્સ. રાજશેભાઇ એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, યુવરાજસિંહ આર. ઝાલા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, રાવતભાઇ ડાંગર, બલભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી. કે. દિયોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.

(11:56 am IST)