Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અષાઢી બીજના ઓવારણા : રાજકોટમાં જગન્નાથજીની શુકનરૂપ શોભાયાત્રા

જય રણછોડ માખણચોરના નાદ ગુંજયા : કોરોના સંક્રમણ ધ્‍યાને લઇ આ વર્ષે સિમિત રૂટ પર ફરીને મંદિરમાં વિરામ : ભાવિકો માટે આખો દિવસ દર્શન ખુલ્લા

રાજકોટ તા. ૧૨ : આજે અષાઢી બીજ છે. કચ્‍છીઓનું નવુ વર્ષ. લોકોએ આ પર્વ પણ સોશ્‍યલ મીડિયા પર મનભરીને મનાવી રહ્યા છે. અષાઢી બીજના રામ રામના સંદેશાઓની આપ લે તેમજ ભગવાન જગન્નાથજીની વંદના કરવામાં આવી રહી છે.દર વર્ષે રાજકોટમાં પણ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા ધામધુમથી યોજવામાં આવે છે. પરંતુ કોરોના સંક્રમણ ધ્‍યાને લઇ આ વર્ષે સીમીત રૂટ પર સરકારી ગાઇડ લાઇનને અનુસરીને ટુંકી શુકનરૂપ રથયાત્રા યોજવામાં આવી હતી. બાદમાં મંદિર ખાતે આખો દિવસ માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્‍યા હતા.શ્રી જગન્નાથજી ભગવાન મંદિર કૈલાસધામ આશ્રમ નાનામૌવા ખાતે સવારે ૭.૩૦ વાગ્‍યે મંગળા આરતી સાથે મહોત્‍સવનો આરંભ કરાયો હતો.જય રણછોડ માખણચોરના નાદથી ચોગાન ગજાવી દેવાયુ હતુ. સવારે ૮.૩૦ વાગ્‍યે સંતો મહંતો અને આમંત્રિતોની ઉપસ્‍થિતિમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બળભદ્રના રથના દોરડા ખેંચીને પ્રસ્‍થાન કરાવાયુ હતુ. આ રથયાત્રા નીજ મંદિરેથી આગળ વધી મોકાજી સર્કલ, સયાજી સર્કલ, રાજહંસ પાર્ટી પ્‍લોટ ખાતે થઇ નીજ મંદિરે પરત ફરી હતી. જયાં આખા દિવસ માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્‍યા હતા. ભાવિકોએ કોવિડ ગાઇડ લાઇનને અનુસરીને દર્શનનો લ્‍હાવો લેવા કૈલાસધામ આશ્રમ દ્વારા અનુરોધ કરાયો છે.

(11:41 am IST)