Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

નાના મવા વિસ્તારમાં રથયાત્રા પૂર્વે કર્ફયુઃ પોલીસે અગાઉથી જ જાણ કરી હતી, આમ છતાં અનેક ઠેકાણે લોકો અટવાયા

રસ્તાઓ ઉપર માત્ર પોલીસ અને પોલીસની ગાડીઓઃ શાસ્ત્રીનગરમાંથી નોકરી-ધંધે જવા નીકળેલા લોકો ફસાતાં પોલીસ સાથે ચડભડ

રાજકોટઃ શહેરમાં દર વર્ષની જેમ અષાઢી બીજે નાના મવામાં આવેલા શ્રીખોડિયાર મંદિર  કૈલાસધામથી આજે સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જો કે કોરોનાને કારણે રથયાત્રાનો રૂટ માત્ર નાના મવા વિસ્તાર પુરતો જ સિમિત રખાયો હતો. તેમજ સવારે આઠથી અગિયાર સુધીમાં રથયાત્રાનું સમાપન કરી લેવાનું પોલીસ અધિકારીઓએ મહંત અને આયોજકો સાથે બેઠક કરીને નક્કી કર્યુ હતું. રથયાત્રાના રૂટ પર કર્ફયુ લાગુ રહેશે તેવી જાહેરાત પણ પોલીસે અગાઉથી જ કરી દીધી હતી. આમ છતાં આજે રથયાત્રાના રૂટ પર રહેતાં લોકો કર્ફયુ ચાલુ થઇ ગયા બાદ કામ-ધંધે-નોકરીએ જવા માટે નીકળતાં તેમને અટકાવી દેવામાં આવતાં ઠેક ઠેકાણે પોલીસ સાથે લોકોને ચડભડ થઇ હતી. જો કે બાદમાં લોકોને જવા દેવામાં આવ્યા હતાં. નાના મવા અજમેરા શાસ્ત્રીનગરમાં પણ મુખ્ય ગેઇટ જ બંધ કરી દેવામાં આવતાં નોકરી-ધંધે જવા માટે નીકળનારા અનેક લોકો ફસાઇ જતાં દેકારો મચી ગયો હતો. એ પછી પોલીસે બધાને જવા દીધા હતાં. રસ્તા પર કર્ફયુને લીધે માત્ર પોલીસ અને પોલીસની ગાડીઓ જ નજરે પડતી હતી. રથયાત્રા ખોડિયાર મંદિરથી નીકળી મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદીર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, સયાજી હોટલ પહેલા રાજહંસ પર્ટપ્લોટ બોર્ડ મારેલી શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટી પ્લોટ ચોકથી, દિપવન પાર્ક ચોકથી, સાયબાબા પાર્ક મેઇન રોડ થી નાનામવા રોડ તરફ સાગર મકાનથી શિવાગ્ના મકાનથી આગળ નાનામવા મેઇન રોડથી શાસ્ત્રીનગર ગેઇટ પાસેથી અલય ટવીન ટાવર થઇ ત્યાંથી એકયુરેટ મોટરથી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી નં-૧ હરીદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં-૨થી ગોવિંદપાર્ક શેરી નં. ૩થી આગળ શ્રી ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ ખાતે પહોંચી હતી. તસ્વીરમાં સુમસામ રસ્તાઓ, બંધ દૂકાનો, શાસ્ત્રીનગર ગેઇટમાં એકઠા થયેલા લોકો અને રથયાત્રાના રૂટ પર ફલેગ માર્ચ કરી રહેલા ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા સ્ટાફ જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:12 pm IST)