Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

આબુથી પકડાયેલો મુખ્ય બુટલેગર માધોસિંહનો સાગ્રીત વિજય કશ્યપ ત્રણ દિવસના રિમાન્ડ પર

૧૮ાા લાખના દારૂ સાથે પકડાયેલા હરિયાણા અંબાલાના સુખવેન્દ્રસિંઘની મુલાકાત વિજયએ માધોસિંહ અને મોની ઉર્ફ બોબી સાથે કરાવી હતી

રાજકોટ તા. ૧૨: એરપોર્ટ પોલીસે મુળ હરિયાણાના અંબાલાના સુખવેન્દ્રસિંઘને રૂ. ૧૮ાા લાખના દારૂ સાથે ઝડપી લીધા બાદ તેના રિમાન્ડ મળતાં તેને સાથે લઇ મુખ્ય સપ્લાયરની શોધખોળ માટે એક ટીમ આબુરોડ ગઇ હતી. જ્યાં મુખ્ય સપ્લાયર માધોસિંહ રાજકોટના હેડકોન્સ્ટેબલને કચડી મારવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો. તેના પર પીએસઆઇને ફાયરીંગ પણ કરવું પડ્યું હતું. સુખવેન્દ્રસિંઘની મુલાકાત મુખ્ય સપ્લાયર માધોસિંહ અને મોની ઉર્ફ બોબી સાથે કરાવનાર વિજય ધરમપાલ કશ્યમ (ઉ.વ.૨૭) આબુ રોડથી પકડાઇ જતાં તેને રાજકોટ લાવી કોર્ટમાં રજૂ કરાતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

સુખવેન્દ્રસિંઘે રિમાન્ડ દરમિયાન પોતે આબુ રોડથી દારૂનો ટ્રક લાવ્યાનું અને અંબાલાના મોનીએ આ ટ્રક આપ્યાનું કબુલતાં તેને સાથે લઇ ટીમ આબુ રોડ તપાસ માટે ગઇ હતી. જ્યાંથી પહેલા તો સુખવેન્દ્રસિંઘની મોની સાથે ઓળખ કરાવનારા વિજયને પકડી લીધો હતો. એ પછી મોનીના ગોડાઉન તરફ જતી વખતે રસ્તામાં મોનીની કારમાં માધોસિંહ મળી જતાં તેને પકડવાનો પ્રયાસ થતાં તે હેડકોન્સ. અશોકભાઇ કલાલને કચડવાનો પ્રયાસ કરી ભાગવા જતાં પીએસઆઇ સાકરીયાએ બચાવ માટે કાર પર ફાયરીંગ કર્યુ હતું.

જો કે માધોસિંહ ભાગી જવામાં સફળ રહ્યો હતો. વિજય અને પોલીસને ત્યાં મળેલા અન્ય એક વચેટીયાના કહેવા મુજબ માધોસિંહ અને મોની ઉર્ફ બોબી જ સાથે મળી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં મુખ્ય સુત્રધાર તરીકે કામ કરે છે. વિજયને પોલીસ રાજકોટ લાવી હોઇ અને ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હોઇ વધુ વિગતો ઓકાવવા તપાસ થઇ રહી છે. પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ સાકરીયા, અશોકભાઇ, યોગેન્દ્રભાઇ અને ટીમ વધુ તપાસ કરે છે.

(1:13 pm IST)