Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

આજે વૃક્ષ મંદિર દિન, માધવ વૃંદ દિન અને યુવા દિન

સ્વાધ્યાય પરિવાર દ્વારા 'માધવ વૃંદ' પ્રયોગતળે પ વર્ષમાં ૨૧ લાખ વૃક્ષોનું વાવેતર

અત્યારના કાળમાં પર્યાવરણ બાબતે, વૃક્ષારોપણ અને વૃક્ષ સંવર્ધનની બાબતમાં બધાં જ લોકો અતિશય ચિંતાથી બોલતાં દેખાય છે. એમાં કશું ખોટું પણ નથી. કારણ કે, કોઈપણ સુજ્ઞ માણસને પર્યાવરણની સાચવણીનું મહત્ત્વ સમજાય છે. પણ પ્રશ્ન એમ છે કે પર્યાવરણ કે વૃક્ષ સંવર્ધન તરફ આપણે કઈ દૃષ્ટિથી જોઈએ છીએ? ઝાડો કાપવાથી જમીનનું ધોવાણ થાય છે અને વાતાવરણમાં ઓકિસજનનું પ્રમાણ ઘટી જાય છે. અથવા ઝાડ વધુ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. ગરમી ઓછી કરવામાં સહાયક થાય છે. આ સામાન્યજ્ઞાન તો બધાને જ છે. પરંતુ, 'પરોપકારાય ફલન્તિ વૃક્ષાઃ' એ રીતે નિરપેક્ષપણે બીજાને ફૂલ, ફળ મળે તે માટે સતત તડકા - વરસાદની પરવા ન કરતાં અડગ ઉભેલા વૃક્ષો પ્રત્યે આપણે શું માત્ર ઉપયોગની દૃષ્ટિથી જ જોવાનું કે? કિન્ડર ગાર્ડન (કે.જી.) માં નાના બાળકો જાય તે માટે તેમને એકાદ બિસ્કીટનું કે ચોકલેટનું આકર્ષણ દેખાડવામાં આવે છે. તેમને પૂછીએ કે સ્કૂલમાં શું મળે છે? તો તેઓ કહેશે બિસ્કીટ મળે છે. તે જ સૂરમાં વર્ષાનુવર્ષ જયારે આપણે બોલીએ છીએ કે વૃક્ષ સંવર્ધન કેમ કરવાનું? પર્યાવરણને કેમ સંભાળવાનું? તો કહે કે, વરસાદ પડે તે માટે, ઓકિસજન મળે તે માટે. ત્યારે શું એવું લાગતું નથી કે આપણે એકદમ મોટા હોશિયાર લોકો છતાં હજી પણ કે.જી. માં જ છીએ કે શું? જે એકાદ બિસ્કીટ મળે છે, માટે સ્કૂલમાં જાય છે? એક વિચારશીલ માણસ તરીકે, એક સુસંસ્કૃત માણસ તરીકે, શું એવું નથી લાગતું કે નિસર્ગ તરફ આનાથી આગળ વધીને એક અનોખી દૃષ્ટિથી જોવાની જરૂર છે? માત્ર ઉપયોગિતા કે ઉપભોગ આ સ્વાર્થી દૃષ્ટિથી ન જોતાં તેના કરતાં ઉચ્ચ એવી એક ભદ્ર દૃષ્ટિથી જોવાની જરૂર છે.

વૈશ્વિક સ્વાધ્યાય પરિવારના પ્રવર્તક પદ્મવિભૂષણ પાંડુરંગશાસ્ત્રી આઠવલે (દાદાજી) એમણે પ્રતિપાદિત કર્યું કે નિસર્ગમાં, વૃક્ષમાં એક ઈશ્વરી તત્ત્વ વસે છે. નિસર્ગ તરફ ઉપયોગ કે ઉપભોગ એવી સામાન્ય દૃષ્ટિથી ન જોતાં તેમાં દૈવી તત્ત્વ છે, દિવ્યતા (divinity) છે, એમ જોવું જોઈએ. દાદાજી હંમેશા કહે કે પાણી નૈસર્ગિક રીતે ઉપરથી નીચે પડે, અને પાણીને ઉપર ચડાવવા માટે મોટર લગાવવી પડે; તો પછી ઝાડના મૂળિયામાં પાયેલું પાણી તેની ડાળખીઓ સુધી, થડ સુધી કેવી રીતે પહોંચે છે? ત્યાં કઈ મોટર લાગેલી છે? એ જે મોટર છે તે જ દિવ્યતાની છે, તે જ તેમાંનું દિવ્યત્વ છે, divinity છે.

આ જ રીતે, આવી જ ઉપાસના ભાવનામાંથી લાખો સ્વાધ્યાયીઓ ૧૨ જુલાઈના દિવસે એક બાલતરુની પોતાના ઘરે ભાવપ્રતિષ્ઠા કરે છે, અને રોજ તેના પર 'નારાયણોપનિષદ'ના મંત્રોચ્ચાર સાથે જલાભિષેક કરે છે. દરેક વર્ષે અક્ષરશ લાખો છોડનું વાવેતર થાય છે, અને મહત્ત્વનું એ કે તેનું જતન થાય છે. આ શિરસ્તો છેલ્લા ૨૯ વર્ષોથી એટલેકે ઇ.સ. ૧૯૯૨થી નિરંતર ચાલે છે. એ પ્રયોગને દાદાજીએ નામ આપ્યું છે 'માધવ વૃંદ'. છેલ્લાં પાંચ વર્ષમાં ૨૧,૦૦,૦૦૦ વૃક્ષો આ પ્રયોગના માધ્યમથી ઘરેઘરે વવાયા છે. તેમ જ, સાર્વજનિક સ્થળો પર, ત્યાંના પ્રશાસનની પરવાનગી લઈને છેલ્લા પાંચ વર્ષમાં વડ અને પીપળાનાં બધું મળીને લગભગ ૪૦,૦૦૦ થી વધુ વૃક્ષારોપણ થયાં છે. આ વર્ષે પણ ૧૨ જુલાઈના દિવસે આ પ્રયોગ અંતિમ સુધી લઈ જવામાં આવશે. અલબત્ત્।, કેવળ ભગવાન અને નિસર્ગ એમના પ્રત્યેની કૃતજ્ઞતા તરીકે જ આ બધા પ્રયોગ થઈ રહ્યા  છે કે જે સ્વાધ્યાય પરિવારનું વૈશિષ્ટય  છે!

તે જ પ્રમાણે, દાદાજીની સુપુત્રી અને સ્વાધ્યાય પરિવારના સાંપ્રત પ્રમુખ એવા શ્રીમતી જયશ્રી તળવલકર (દીદીજી) એમનો પણ ૧૨ જુલાઈ એ જ જન્મદિવસ! 'સ્વાધ્યાય પરિવાર' આ દિવસે 'વૃક્ષમંદિર દિનઃ' અને 'માધવ-વૃંદ દિન' તો ઉજવે જ છે, સાથે દીદીજીના જન્મ દિવસને પણ તેટલા જ ઉત્સાહથી ઉજવે છે. દાદાજીના દેશ વિદેશના લગભગ ૨૫,૦૦૦ યુવા કેન્દ્રોના યુવક-યુવતી જેમના સુયોગ્ય માર્ગદર્શન નીચે સતત રચનાત્મક  કામ કરી રહ્યા છે, તેવા દીદીજીનો જન્મ દિવસ એ 'યુવા દિન' તરીકે સાર્થ ઉજવે છે. આમ, 'વૃક્ષમંદિર દિન', 'માધવ-વૃંદ દિન' અને 'યુવા દિન' આ ઉત્સવોની ત્રિવેણી ૧૨ જુલાઈના રોજ ઉજવાય છે. નિસર્ગ તરફ જોવાનો એક અનોખો અને તર્કબદ્ઘ દૈવી દૃષ્ટિકોણ આપનારા મહાન તત્ત્વ ચિંતક પાંડુરંગશાસ્ત્રી આઠવલે તેમ જ યુવાશકિતને રચનાત્મકતા તરફ વાળનારા દીદીજીને આજના દિવસે ભાવપૂર્ણ વંદન !

- સ્વાધ્યાય પરિવાર, રાજકોટ

(3:24 pm IST)