Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજકોટમાં ગત સાંજે દોઢથી બે ઈંચઃ મોસમનો ૮ ઈંચ વરસી ગયો

સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં આ સપ્તાહ દરમ્યાન વરસાદની ઘટ પૂરી થઈ જશેઃ હવામાન ખાતુ : શહેરમાં ગઈ સાંજે હવામાન ખાતામાં ૩૧.૩ મી.મી.: કોર્પોરેશનના ફલડ કંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોન ૪૮ મી.મી., વેસ્ટ ઝોન ૩૪ મી.મી. અને ઈસ્ટ ઝોનમાં ૨૯ મી.મી.નોંધાયોઃ આજે પણ મેઘરાજા જમાવટ કરશે

રાજકોટઃ મેઘરાજાએ રીસામણા દૂર કર્યા છે. ધીમે- ધીમે વરસાદી માહોલ બનતો જાય છે. સમગ્ર રાજયમાં આ અઠવાડીયા દરમ્યાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન ખાતાએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં આ સપ્તાહમાં ગત જુન માસની વરસાદની ઘટ પૂર્ણ થઈ જશે. ૧૮મી સુધીમાં વરસાદનો સારો રાઉન્ડ છે.

રાજકોટ શહેરમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી ધીમે- ધીમે મેઘાવી માહોલ જામી રહયો છે. ગઈકાલે દિવસ દરમ્યાન ધુપ છાંવ માહોલ જોવા મળેલ. સાંજના સમયે વાદળો છવાઈ ગયા હતા. સાતેક વાગ્યાની આસપાસ આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. ધીમી ધારે ચાલુ થયા બાદ એકરસ બની ગયો હતો. થોડીવારમાં તો રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. દિવસ દરમ્યાન અસહય બફારો અનુભવતા શહેરીજનોને રાહત થઈ હતી.

ગઈસાંજે દોઢથી બે ઈંચ પાણી પડયું હતું. હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ ૩૧.૩ મી.મી. પાણી પડયું હતું. તો મોસમનો કુલ ૮ ઈંચ થઈ ગયો છે. જયારે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલમાં નોંધાયેલ આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૪૮ મી.મી., વેસ્ટ ઝોનમાં ૩૪ મી.મી. અને ઈસ્ટ ઝોનમાં ૨૯ મી.મી. વરસાદ નોંધાયેલ.

હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે આ આખું સપ્તાહ મેઘાવી માહોલ જળવાઈ રહેશે. રાજકોટ શહેરમાં ગઈકાલની જેમ આજે પણ મેઘરાજા જમાવટ કરશે.

(3:25 pm IST)