Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કાં તો તંત્રની બેદરકારી અથવા લોકોની આળસ કારણભૂત

શહેરના ૨.૫૨ લાખ લોકોએ રસીનો એકે'ય ડોઝ નથી લીધો

તંત્રના અંદાજ મુજબ ૧૮થી વધુ ઉંમરના ૯.૯૩ લાખ લોકોને વેકસીનેશન કરવાનું છે : આજ સુધીમાં ૭.૪૦ લાખે પ્રથમ અને ૨.૧૭ લાખને બીજો ડોઝ અપાઇ ગયો : તંત્રના અંદાજ મુજબ ૭૪% યુવાઓને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે : ૨૧% લોકો હજુ બીજા ડોઝની રાહ જોવે છે

રાજકોટ તા. ૧૨ : શહેરના ૨.૫૨ લાખ લોકોએ હજુ સુધી કોરોના સામે રક્ષણ આપતી રસીનો એક પણ ડોઝ નહી લીધાનું ચોંકાવનારૂ તારણ બહાર આવ્યું છે.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ રસીકરણ બાબતે નોંધેલા સત્તાવાર આંકડાઓ મુજબ તંત્રના અંદાજ મુજબ શહેરમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના અંદાજે ૯,૯૩,૪૨૮ લોકોના વેકસીનેશનનો ટાર્ગેટ છે. તેમાંથી ગઇકાલ સુધીમાં ૭,૪૦,૬૧૮ લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે. એટલે કે ટાર્ગેટ મુજબ ૭૪ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

જ્યારે ૨,૧૭,૬૯૩ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે એ હીસાબે હજુ ૫,૨૨,૯૨૫ લોકોને એટલે કે ટાર્ગેટના ૨૧ ટકા લોકોને હજુ બીજો ડોઝ આપવાનો બાકી છે.

ઉપરોકત તમામ આંકડાઓ અનુ રસીકરણના ટાર્ગેટનો તાળો મેળવતા એવું ખુલ્યું હતું કે, શહેરમાં હજુ ૨,૫૨,૮૧૦ એવા લોકો ફરે છે કે તેઓને રસીનો એક પણ ડોઝ આપી નથી શકાયો.

આમ કાં તો તંત્ર કયાંક ને કયાંક બેદરકાર રહ્યું છે અથવા તો જે લોકોએ રસી નથી લીધી તેવા લોકોની આળસ સહિતની બાબતો કારણભૂત હોવાનું તારણ નિકળી રહ્યું છે.(૨૧.૪૩)

રાજકોટમાં બપોર સુધીમાં કુલ ૩૪૭૭ લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ : શહેરમાં આજે તા. ૧૨/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૧૪૫૫ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૨૦૨૨ સહિત કુલ ૩૪૭૭ નાગરિકોએ રસી લીધી હતી.

(4:24 pm IST)