Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભૂપેન હઝારિકા : વિસ્તાર કે અપાર...

આસામની એક ફિલ્મ 'પ્રતિધ્વનિ'નાં દૃશ્યો તો શું, આપણે તેનો અવાજ પણ કદાચ ન સાંભળ્યો હોય પરંતુ તેના નિર્માણ પાછળ એક રસપ્રદ વાત છે. તે ફિલ્મની રજૂઆતમાં થોડો વિલંબ થયો ત્યારે નિર્માતા મૂંઝવણમાં હતા. તે જ વિસ્તારના કેટલાક લોકોએ ફિલ્મ મોડી થવાનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે ડીસ્ટ્રીબ્યુટરની મુશ્કેલી છે. ઘરના પૈસા નાખવા પડશે. લોકોએ કહ્યું, પ્રત્યેક ખેડૂત તમને એક એક રૂપિયો આપશે. અને તે નિર્માતા પણ એમ મુફત સેવા લે તેવા નહોતા. જયાં જયાં નિમંત્રણ મળે ત્યાં તેમણે સંગીતના કાર્યક્રમો શરૂ કર્યા. જે પૈસા મળે તે ફિલ્મમાં વપરાતા હતા.

આ ફિલ્મ હવે ફ્રાન્સના ફિલ્મ આર્કાઇવ્ઝમાં સ્થાન પામે છે અને ભારતની જૂજ ફિલ્મો ત્યાં પહોંચી શકી છે. હવે તો જો કે યુ ટ્યુબ પર ' પ્રતિધ્વનિ ' ફિલ્મના ગીત છે. તલત મહેમુદનો એમાં અવાજ પણ છે. પ્રતિધ્વનિનું નર્દેશન કરનાર એ વ્યકિતને મકબૂલ ફિદા હુસેને 'ગજગામિની'ફિલ્મમાં સંગીત આપવાની ઓફર કરી અને તેમણે પૂછ્યું, પંડિત રવિશંકર, અલી અકબર ખાં વગેરે છે, તો હું કેમ ? હુસેને જવાબ આપ્યો, તમે ગળાથી ચિત્રો દોરો છો. તમે જયારે ગાઓ છો ત્યારે તમે ચિત્ર દોરતા હો તેવું લાગે છે. પરંતુ મારી પીંછી ગાઈ શકતી નથી. માટે તમે સંગીત આપો ! આ નિર્માતા, સંગીતકાર, ગાયક, કવિ, ચિત્રકાર, ભૂતપૂર્વ ધારાસભ્ય, અકાદમીના પૂર્વપ્રમુખ જેવી સ્થૂળ ઓળખ ધરાવતી વ્યકિતનું નામ ભૂપેન હઝારિકા છે. તેઓ ભારતીય સંગીતનું એક વિશેષણ છે. કળાની યાત્રામાં સિદ્ઘિ એક પડાવ છે, પ્રસિદ્ઘિ કદાચ રુકાવટ છે, પરંતુ કળા નિરંતર સાધના છે અને ભૂપેન હઝારિકા સિદ્ઘ-પ્રસિદ્ઘ હોવા છતાં એક સાધક છે !

સન્માન, ખિતાબો તો અનેક મળ્યાં છે પરંતુ તેમને પોતાને પણ જેનું ગૌરવ આજ સુધી છે તેવી ઘટના વર્ષો પહેલાં બની હતી. ભૂપેન ફ્રાંસ ગયા હતા. ચિત્રકાર પાબ્લો પિકાસોને મળવાની તેમને તીવ્ર ઈચ્છા હતી. કોઈએ તેમણે કહ્યું, સવારે ચાર વાગ્યે ઊઠી શકો તો મેળ પડે. પિકાસો ત્યારે મોર્નિંગ વોકમાં નીકળે છે. 'રાત જયાહરે રહે પાછલી ખટઘડી સાધુ પુરૂષને સૂઈ ન રહેવું.' તે ભૂપેન હઝારિકા પરોઢે પિકાસોના વોકિંગ રૂટ પર પહોંચી ગયા. તેમણે કહ્યું, આજે મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. પિકાસો સાથે તેમના બ્લૂ પિરીયડ ચિત્રોની પણ વાત કરી.

આવી સંખ્યાબંધ ઘટનાઓ તેમના ૮૨ વર્ષના જીવનકાલ દરમિયાન બની હોય તે સ્વાભાવિક છે. એટલે જ ભૂપેન સ્વયં એક ઘટના બની ગયા છે. આપણે તેમને ઓળખીએ, 'દિલ હુમ હુમ કરે'કે ; ઢોલા ઢોલા'ગીતોથી. ટીવીના રિયાલીટી શોને બદલે લેવલવાળું લિસનિંગ હોય તો 'વિસ્તાર હૈ અપાર, પ્રજા દોનો પાર ઓ ગંગા બહેતી હો કયોં'ગીત કાને પડ્યું હોય, બાકી આસામની વાદીઓમાંથી ઊઠેલો એ અલાયદો અવાજ, એ ગ્રામ પરિવેશની બંદિશો, આદિવાસીઓનાં ગીતોનો લય હવે તો વિશ્વસ્તરે વિસ્તરી ગયો છે.

આપણને યાદ આવે સિરિયલ 'લોહિત કિનારે'નું ટાઈટલ સોંગ – 'હે હૈયા કી રામ રામ, તું પલ પલ બહતી જાયે પલટ કભી ન ખાયે.' લોહિત એટલે બ્રહ્મપુત્રા નદી. રૂદાલી, પપીહા, એક પલ, ગજગામિની, દમન, કયોં વગેરે તેમના સંગીતવાળી ફિલ્મો છે. પણ ફિલ્મ સંગીત તો તેમની આ વિરાટ યાત્રાનો એક નાનો હિસ્સો છે. ભૂપેન હઝારિકા તો ઘણું મોટું નામ છે. આમી ઓકસોમિયા નાહો દુખિયા, આસોમ અમાર રૂપાહી, આકાક્ષી ગંગા, મોઈ એટી જાજબાર વગેરે તેમની જાણીતી અસમી ગીતરચનાઓ છે. ૧૯૫૬માં 'એરા બટોર સૂર'નામનો અસમી ફિલ્મમાં પ્રથમવાર સંગીત આપ્યું, પરંતુ દેશમાં જાણીતાં થયા એક પલ, રૂદાલી, પપીહા અને પ્રતિમૂર્તિ દ્વારા. ઘેઘૂર, ઘૂંટાયેલો, પશ્ચિમી પહાડીની હવાનો જેને પડઘો કહી શકાય તેવો અવાજ તો તેમની અલાયદી ઓળખ છે જ. પરંતુ ભૂપેન હઝારિકાએ આસામી ભાષામાં એક હજારથી વધારે ગીતો લખ્યા છે. હિન્દુસ્તાની અને પશ્ચિમી એમ બંને વાદ્યો પર તેમનું સૂરીલું પ્રભુત્વ છે. સંગીત નાટ્ય અકાદમીની ચેરમેનશિપ શોભાવી હોય તેવા નોર્થ ઈસ્ટમાંથી તેઓ એકમાત્ર કલાકાર છે. અસમી ભાષામાં તેમના ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે. અમર પ્રતિનિધિ અને પ્રતિધ્વનિ નામનાં સામયિકોના તેઓ સંપાદક રહ્યા છે અને ૧૯૬૨ની લડાઈ વખતે તેમણે રિપોર્ટીંગ કર્યું હતું. ફૂલ ટાઈમ જર્નાલીસ્ટ તરીકે.

આસામ વિધાનસભાના નાઓ બોઈસા મતક્ષેત્રમાંથી અપક્ષ ચૂંટાઈને તેઓ લોક પ્રતિનિધિ પણ રહ્યા છે. મોતી સાગરમાં કયાંય પણ મળે, તેના સરનામાં ન હોય. તેનો સીધો દાખલો એ છે કે ભૂપેન હઝારિકા ભારતનાં આસામની સાદિયા નામના એવા ઊંચેરા અને અંતરિયાળ વિસ્તારના વાતની છે કે ત્યાંથી ભારતનું મુંબઈ અને દિલ્હી કરતાં યાનગોગ અને બેંગકોક નજીક પડે. એવા દુર્ગમ વિસ્તારમાંથી તેઓ આવ્યા છે. તેમનો જન્મ ૮ મી સપ્ટેમ્બર ૧૯૨૮. પિતા નિલકંઠ હઝારિકા સ્કૂલ ટીચર હતાં, માતા શાંતિપ્રિયા હાઉસ વાઈફ. ૧૯૫૦માં થયેલા ભૂકંપમાં સાદિયા વસાહત સદંતર નાશ પામી અને બધા ગૌહાતી શિફટ થયા. અઢી વર્ષની વયે ભૂપેન ખોવાઈ ગયા હતાં. બે દિવસ પછી એક પછાત છોકરીએ માતા-પિતાને તેનો લાડકો પરત આપ્યો હતો. જે ગામડે તે છોકરી તેને લઇ ગઈ હતી તે ગામમાં અજાણી  સ્ત્રીઓએ તેને સ્તનપાન પણ કરાવ્યું હતું.

ગૌહાતીમાં ભૂપેનદાનાં પિતાને કોટન કોલેજીયેટ સ્કૂલમાં નોકરી મળી હતી, પહેલું પરફોર્મન્સ પાંચ વર્ષની વયે હતું અને એ જ અરસામાં પિતાની બદલી ધૂબરી થઇ. ત્યાં ૧૯૩૫માં ફરીવાર તેજપુર ગયા અને ત્યાંથી શરુ થઇ ભૂપેનની ભવ્ય કલાયાત્રા. સ્કૂલ ફંકશનમાં ભૂપેને એક ગીત ગાયું. જે જયોતિપ્રસાદ અને વિષ્ણુપ્રસાદે સાંભળ્યું. ગ્રામોફોન રેકર્ડ માટે ભૂપેન પાસે તે ગવરાવવા માગતા હતા. આસામમાં તો સ્ટુડિયો નહોતો. ૧૯૩૬માં કલકત્ત્।ામાં ઔરોરા સ્ટુડિયોમાં લાકડાની બે પેટી પર ઊભા રહીને માસ્તર ભૂપેને ગીત રેકોર્ડ કર્યું.

છ ભાઈઓ અને ચાર બહેનો પૈકી જયંત અને ભૂપેનનો સંગીત પ્રેમ ગામમાં જાણીતો હતો. ગાંધીજી કે નેહરુ જયારે પણ ગામમાં આવે ત્યારે હઝારિકા બંધુઓને ગીત ગાવા બોલાવાતા.

આર્ટસમાં ઇન્ટરમિડીયેટ પાસ કરીને તેઓ બનારસ હિંદુ યુનિવર્સીટી ભણવા ગયા. ત્યાં પેઇન્ટિંગ શીખ્યા. જીવ સંગીતનો, પરંતુ પરિવારની જવાબદારી હોવાથી કોલેજ ટીચરની નોકરી સ્વીકારી. પરંતુ એ વિયોગ થોડો સમય હતો.

૧૯૪૮માં શરૂ થયેલા ગૌહતી રેડિયો સ્ટેશનમાં તેઓ જોડાયા. ત્યારબાદ યુએસએની કોલંબિયા યુનિવર્સિટીની સ્કોલરશિપથી પોલિટીકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. બનારસ યુનિ.માં તેમના એક જુનિયર હતાં-ચંદ્રશેખર, જેઓ પછી ભારતના વડાપ્રધાન બન્યા હતા !

એક તરફ અભ્યાસ અને સંગીત હતા અને બીજી તરફ આર્થિક સંઘર્ષ. પાર્ટટાઈમ ગાઈને પણ તેમણે ગુજરાન ચલાવ્યું હોય તેવા દિવસો પણ તેમના જીવનમાં હતાં. માતા-પિતા પાસે રહેવાનું મકાન પણ નહોતું. શિક્ષણ વિભાગમાં ભૂપેને નોકરી પણ કરવી પડી અને ભાડાના મકાનમાં તેઓ રહ્યા. ૧૯૫૦ થી ૬૦ નો દાયકો તેમના માટે અત્યંત સંઘર્ષનો સમય હતો અને ભૂપેનનાં સૌથી મહાન ગીતો તે અરસામાં લખાયાં. ભૂપેન હઝારિકાની કરિયર તો આસામી ભાષાની બીજી બોલતી ફિલ્મ 'ઇન્દ્રમાલતી'થી શરુ થઇ ચૂકી હતી.

આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મન્સ, પદ્મશ્રી, શંકરદેવ જેવા એવોર્ડ ઉપરાંત જાપાન એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ એવોર્ડ, પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે સહિતનાં સંખ્યાબંધ પુરસ્કારો એવા છે જે ભૂપેનના નામ સાથે જોડાઈને વધુ મુકમ્મલ બન્યા છે. ઇસ્ટર્ન રિજિયન બોર્ડ ઓફ ફિલ્મ્સના ડીરેકટર રહી ચુકેલા આ બહુમુખી પ્રતિભા સંપન્ન કલાકાર હિન્દી, આસામી, ઇંગ્લિશ અને બંગાળી ચારેય ભાષામાં ગાઈ શકે છે અને તેમની આ સફર ન્યૂયોર્ક, બર્લિન, પેરિસ, મોસ્કો, લેનિનગ્રાદ, ટોકિયો સુધી જઈ આવી છે. (તાજેતરમાં ૫ નવેમ્બરે ભૂપેન હઝારીકાની પૂણ્યતિથી હતી.)

આમ તો ભૂપેન હઝારિકા વિશેની વાત લંબાય તો પણ અધૂરી જ રહે. છતાં છેલ્લે બે ન્યૂઝી ઇન્ફર્મેશન – ૧૯૮૫માં ન્યૂજર્સીનાં મેયરે તેમને માનદ્ નાગરિકત્વ આપ્યું હતું અને ૧૯૫૦માં ભૂપેન હઝારિકાનાં લગ્ન પ્રિયમબાળા નામની છોકરી સાથે થયા હતાં, તેની જ્ઞાતિ પટેલ હતી અને તે ગુજરાતી હતી. જો કે એમની સાથે રહેવાનું ઓછું થયું. બન્ને ઘણા વર્ષો અલગ રહ્યાં. દરમિયાન જાણીતા ફિલ્મ સર્જક કલ્પના લાઝમી સાથેનો પરિચય પ્રણયમાં પરિણમ્યો. બન્ને સાથે રહ્યા એટલે સાથે કામ કર્યું કે સાથે રહેવા માટે સાથે કામ કર્યું. જે કહો તે. ભૂપેન હઝારિકાને વિવિધ પુરસ્કારો મળ્યા છે. ન મળ્યા હોત તો ય ભૂપેન એ જ રહેત. નક્કર કામ કરી ગયા. આસામમાં એક મોટા પુલને એમનું નામ અપાયું છે. ભૂપેન હઝારિકા પોતે પણ સાંસ્કૃતિક સેતુ હતા. બ્રિજ બન્યો છે એનો આનંદ છે. ભૂપેન દા તો બ્રહ્મપુત્રાની જેમ જ વહે છે,બન્ને કાંઠે. ભૂપેન હઝારિકા એવી પ્રતિભા જેમના માટે કહી શકાય- વિસ્તાર હૈ અપાર..

( આ લેખ લખ્યો ત્યારે ભૂપેન હઝરિકા સદેહે પૃથ્વી પર હતા. કોઈ મોટા ફેરફાર વગર અહી એમને સ્મરણાંજલિ આપવા મૂકયો છે.)

- લીમીટેડ ટેનપોસ્ટ, મહેન્દ્ર મેરવાણા

: આલેખન :

જ્વલંત છાયા

ચિત્રલેખા

મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭

(ચિત્રલેખા : સોશ્યલ મિડીયામાંથી સાભાર)

(10:54 am IST)