Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પુર્ણિમા સોસાયટીમાં વેપારી મોહનભાઇ સાગઠીયાના ઘરમાં સોડા બોટલના ઘાઃ કારમાં તલવારથી તોડફોડ

પાડાસણના અજય રાઠોડ અને કિશન ઉર્ફ કાંચાના કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરીઃ જુની માથાકુટનું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૧૨: નાના મવા રોડ પર પુર્ણિમા સોસાયટીમાં રહેતાં અને રામપરમાં સ્ટોન ક્રશર ચલાવતાં વેપારીના ઘર પર ચાર દિવસ પહેલા પાડાસણ અને રાજકોટના બે શખ્સોએ ફળીયામાં સોડો બોટલના ઘા કરી તેમજ બહાર પાર્ક કરેલી એન્ડેવર કારમાં તલવારના ઘા ફટકારી તોડફોડ કરી નુકસાન કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. જુના મનદુઃખમાં આ ડખ્ખો કરવામાં આવ્યાનું સામે આવ્યું છે.

માલવીયાનગર પોલીસે આ બારામાં નાના મવા રોડ રાજનગર પુર્ણિમા સોસાયટી-૧માં રહેતાં મોહનભાઇ કલાભાઇ સાગઠીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધની ફરિયાદ પરથી પાડાસણ ગામના અજય જયંતિભાઇ રાઠોડ અને કિશન ઉર્ફ કાંચો સામે આઇપીસી ૪૨૭, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

મોહનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રાજકોટના રામપર બેટી ગામે કૈલાસ સ્ટોન ક્રશર નામે સ્ટોનનો વેપાર કરુ છું. ૮/૧૧/૨૦ના સવારે સાતેક વાગ્યે મારા દિકરાના પત્નિ સોનલબેને કહેલ કે ફળીયામાં સોડા બાટલીના કાચ ફુટેલા છે, દરવાજા બહાર એન્ડેવર કરા જીજે૦૩કેએચ-૦૦૮૧ પાર્ક કરી હોઇ તેનો આગળનો કાચ પણ ફુટેલો છે. આથી મેં ફળીયામાં તપાસ કરી હતી અને કાર પણ જોઇ હતી. એ પછી સીસીટીવી કેમેરા ચેક કરતાં એકસેસ પર બે શખ્સો આવેલા દેખાયા હતાં.

જેમાં ચાલક કિશન ઉર્ફ કાળીયો હતો. તેણે બે સોડા બોટલના ઘા કર્યાનું અને પાછળ બેઠેલા અજય રાઠોડે એકસેસમાંથી નીચે ઉતરી તલવારથી કારના આગળના કાચમાં ઘા ફટકારી તોડફોડ કર્યાનું દેખાયું હતું. કારમાં તોડફોડથી ૨૫ હજારનું નુકસાન થયું હતું. અગાઉ અજય સાથે ઝઘડો થયો હોઇ જે તે વખતે મેં ગભરાઇને ફરિયાદ કરી નહોતી. આ વખતે ફરીથી અજય અને કિશન ઉર્ફ કાંચાએ સોડા બોટલો ફેંકી કારમાં તોડફોડ કરતાં ફરિયાદ કરવી પડી છે. એએસઆઇ ગીતાબેન વાય. પંડ્યાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:31 am IST)