Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દિવાળી પર્વનો ઉત્સાહ : બજારોમાં ઘરાકી અને ઘરે ઘરે ખુશીની લહેર

''ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પુછે કે કેમ છે? તો આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે''

રાજકોટ : બજારનો નજારો જોઇએ તો ધ્રુવ ભટ્ટની પંકિતઓ ચોકકસ તાજી થઇ આવે કે ''ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પુછે કે કેમ છે? તો આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે''! બસ આવુ જ ચિત્ર રાજકોટની બજારોમાં જોવા મળી રહ્યુ છે.  એક તરફ કોરોના સંક્રમણનો ભય હજુએ લબકારા મારી રહ્યો છે, ને બીજી તરફ શુભ દિવાળીનો તહેવાર માથે છે. ઉત્સાહના પર્વને એમ કોરો કેમ જવા દેવો? બધુ ભગવાન ઉપર છોડીને જાણે કે લોકો કંઇને કંઇ ખરીદી કરવા નિકળી પડયા છે. તસ્વીરમાં માસ્કનું પાલન તો અકબંધ જળવાયેલુ જોવા મળે છે. હા જરાક સોશ્યલ ડીસ્ટન્સ વિસરાયુ હોય તેવુ લાગે છે. લોકો કદાચ એવુ વિચારતા હશે કે બે દિવસ બજારો ધમરોળીને ફરી ઘરમાં પુરાઇ જઇશુ. જે કહો તે પરંતુ બજારનું ચિત્ર જોતા સર્વત્ર રોનક આવી ગઇ છે. વેપારીઓના મુખ મલકાઇ રહ્યા છે. રાજકોટના હાર્દસમા ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાજડી, લાખાજીરાજ રોડ, પરાબજાર સહીતના માર્ગો ઉપર છેલ્લા કેટલાક દિવસોથી સારી એવી ગીર્દી જામવા લાગી છે. આ ગીર્દી બારેમાસ જોવા મળતી હોય એવી નહીં પણ તહેવારના ઉત્સાહની છે. કપડા, બુટ-ચંપલ, કલર, રાચ રચીલુ અને સુશોભન આર્ટીકલોની ખરીદી નિકળી પડી છે. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(11:33 am IST)