Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કારતક સુદ-૪ : ચતુર્થી એટલે સદ્ગુરૂદેવ પૂ. રણછોડદાસજી મહારાજનું અવતરણ પર્વ

આપણા ભકતજન, શિષ્યજન પરિવારો આ સદ્ગુરૂ અવતરણ પર્વને જીવન ઘડતર, વિકાસ માટે શુભ અવસર માનીએ છીએ. સદ્ગુરૂ સદન આશ્રમે દર્શન હેતુ આંતરિક બાહ્ય શુધ્ધિકરણ માટે જઇએ છીએ.

ગુરૂદેવ તત્વ

સદ્ગુરૂશ્રી આગે ચલે, પીછે દેવહરિ

પીછે કયોં, હરિ બોલે, ગુરૂ કહે તે ખરી

આગળ સદ્ગુરૂ અને પાછળ ભગવાન. જ્યાં જેવી જેટલી જરૂર હોય તે સદ્ગુરૂદેવ કહે તે મુજબ ભગવાન વ્યવસ્થા કરી આપે. આને આપણે 'ગુરૂ ભગવાન' કહીએ છીએ.

બ્રહ્મા હરિહર ગુરૂ કો માને,

સભી દેવ, ઇનકો હી જાને

બહુ જાણીતું ઉદાહરણ છે. ગુરૂવર્ય મંતગઋષિ મહાપ્રયાણ માટે આશ્રમ છોડીને જાય છે ત્યારે શબરીબાઇને સુચના આપે છે કે આશ્રમ બાગ બગીચાનું સફાઇ કરી ધ્યાન રાખજે અને તારા પર કૃપા કરવા ભગવાન શ્રી રામ આ આશ્રમે તારી ઝુંપડીએ પધારશે તેનો કૃપાલાભ લેજો. ભગવાન રામ પધારે છે. નવધા ભકિતની શબરી સાથે ચર્ચા થાય છે અને શબરીનો કલ્યાણ મોક્ષ થાય છે. સદ્ગુરૂના વચને ખુદ પ્રભુ બંધાયા હોય છે. ભગવાનરી રામને ગુરૂદેવ હતા. શ્રી કૃષ્ણને પણ ગુરૂદેવ હતા. સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજે શબરીબાઇ જેવી કૃપા કરીને આપણા જૂના અનેક વડિલો પર, તેમના પરિવાર પર કૃપા કરી છે તે જાણીતી ઘટના છે. ગુરૂકૃપા મેળવવી એ ભકત માટે દુષ્કર નથી પણ તે માટે આંતરિક જબરૂ મોટું પરિવર્તન કરી નિખાલસ નિર્દોષ પવિત્ર સેવક થવું પડે.

રણછોડદાસજી બાપુશ્રીને ગમતા કાર્યો

ભજન : મહારાજશ્રીનું નામ 'બનાદાસ' છે. પદ્ય-ગદ્ય રચનાઓમાં તેનો નામકરણ માટે ઉપયોગ કરે છે.

દેનેકુ અન્ન દાન હૈ

લેનેકુ હરિ નામ

ઇતને સે હરિ ના મિલે

તો દાસ બનાસે લે

અભય અને આત્મવિશ્વાસ કેવો મજબૂત ! પ્રભુ સાક્ષાત્કારની જેવી અનુભૂતિ સંતોષ લેવો હોય તો માત્ર બે જ વાત હરિનામ સંકિર્તન ને ભૂખ્યાને ભોજન. આપણા સદ્ગુરૂ આશ્રમમાં આ બંને બાબતો પૂર્ણ આદર સાથે સ્વીકારી છે. 'લેનેકે હરિનામ' માટે સદ્ગુરૂ આશ્રમમાં છેલ્લા ચાલીસ વર્ષથી અખંડ, રામનામ સંકિર્તન - ધૂન 'શ્રી રામ જય રામ - જય જય રામ' ચાલી રહી છે. એવી જ રીતે સદ્ગુરૂદેવ જે બે ઓરડામાં રહેતા હતા ત્યાં 'રામ રામ રામ - રામ રામ રામ' નામ સંકિર્તન ઘણા વર્ષો થયા ચાલુ છે.

ભોજન સેવા : એ જ રીતે 'દેનેકુ અન્નદાન' માટે અહીંયા સદ્ગુરૂ સદન આશ્રમે સાધુ ભોજન, દીન દુખિયા માટે ભોજન, રાજકોટની સિવિલ અને બાળકોની હોસ્પિટલમાં પહોંચી શકતા ન હોય તેવા દર્દીઓ સાથેના 'કેર ટેકર' માટે દરરોજની 'ટિફિન સેવા' પણ નિયમિત ચાલે છે. આશ્રમની નેત્રરક્ષા હોસ્પિટલમાં દર્દીઓને પણ ભોજન સેવા અપાઇ છે. શ્રી રણછોડદાસજી બાપુશ્રી કહેતા કે 'ઇંટ પે ઇંટ મત લગાઓ પર રોટી પે રોટી લગાઓ' અન્નના આશિર્વાદ તો અમૂલ્ય છે. અન્ન દાનની સેવા તો ભાગ્યશાળીને જ મળે છે. આમ સદ્ગુરૂ સદન આશ્રમે ભૂખ્યાને ભોજન અને હરિનામ બંને યજ્ઞો અવિરત ચાલે છે.

નેત્ર સેવા કેન્દ્ર : બિહારના દારૂણ દુષ્કાળ વખતે ભૂખમરો અને આંખોની, દ્રષ્ટિની તકલીફના અસંખ્ય કિસ્સાઓ જોતા મહારાજશ્રી અતિ દ્રવિત થઇ ગયેલા. તાબડતોબ અમદાવાદ, મુંબઇ અને રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છમાંથી મોટા ધનવાનોને બોલાવીને સ્વયં સેવકોની ટીમોને બોલાવીને, નેત્રયજ્ઞો, સામૂહિક રસોડા દ્વારા ભોજન સેવા ઘણા લાંબા સમય સુધી સંભાળેલી. આ સેવા યજ્ઞની એવી તો અસર થયેલી કે સદ્ગુરૂ કૃપાથી નેત્રયજ્ઞો અને દીનદુખિયાની સેવા પ્રવૃત્તિ આજ સુધી ચાલી રહી છે.

ગુરૂદેવની ભકત કૃપા : રણછોડદાસ બાપુશ્રીનું સૌથી ઉચ્ચતમ, શ્રેષ્ઠતમ, આધ્યાત્મિક કાર્ય હોય 'ભકિત માર્ગથી જીવન સુધારણા'નું ભકિત કાર્ય.

ગુરૂ સે અધિક તત્વ નહિ દુજા

જો શ્રધ્ધા જાને મન પુજા

એકાદ ખાસ અપવાદ સિવાય કોઇને શિષ્યો બનાવતા નથી. શિષ્ય બનવું અને શિષ્ય બનાવવા બંને માટે અતિ દુષ્કર છે. તેઓ ભકત તરીકે, સેવક રૂપે સંબંધ જાળવતાં, પોતાનું તપ - જપ - સાધના, કાષ્ટમૌન, અષ્ટસિધ્ધિ વગેરે બાબતો કયારેય ખુલીને ન કહેતા કારણ કે આ સમજવાની સાંભળવાની સમજાવાની આચરણમાં મુકવાની કોઇ શિષ્ય, ભકતની કેપેસીટી બહારની વાત હોય છે. પોતે અષ્ટસિધ્ધિ બાબતે પૂર્ણ સમર્થ હોઇ, તો પણ ખાસ જરૂર પડે ત્યારે જ આ રહસ્ય વિદ્યા, ગુપ્ત સિધ્ધિનો ઉપયોગ કરતા. આવા કિસ્સાઓ જૂના વડિલો પાસેથી પુસ્તકમાંથી જાણવા મળે છે. પોતે ભકતો પાસેથી શ્રધ્ધાવાળી ભકિત અને સેવા વ્યવહારની અપેક્ષા રાખતા હતા.

શ્રધ્ધા દેવી દેતહે

સબ સાધન પરિણામ

યાકી કૃપા કટાક્ષ બીન,

બના ન મિલતે રામ

ભકતોના જીવન સુધારવા, નિર્દોષ નિખાલસ પવિત્ર બનાવવા, આપત્તિ - સંકટ - મુશ્કેલીમાં ભકતોને શ્રધ્ધાબળ આપવું. હરિનામ ભકિત તરફ વાળવા એ તેઓનું મુખ્ય અને પ્રમુખ કાર્ય હતું. એવું પણ બનતું કે કોઇ ભકત, વ્યકિત, અજાણ, અશ્રધ્ધાળુ અર્ધ શ્રધ્ધાળુ, ન માનનારો નાસ્તિક વિગેરે પરિક્ષા કસોટી, વટ પાડવા આવે અને નિરર્થક ચર્ચા પુરૂષાર્થ કરે ત્યારે સદ્ગુરૂ દેવશ્રી સામેનાને માત્ર આંતરિક અનુભૂતિ કરાવી સામેવાળો માફી માગી પગે લાગી જતા રહેતા. આ કિસ્સા જુના વડિલોએ જોયા, અનુભવ્યા છે.

આપણી જવાબદારી શું?

મહારાજશ્રીના ભકત તરીકે આપણે વ્યકિતગત શું કરીએ તો આપણે આપણી જાત વફાદાર અનુયાયી ભકત ગણાય.

.   થાય તેટલું કરવું ખોટા વટ પાડવા નહીં.

.   ચોવીસ કલાક દરમિયાન થાય તેટલો સમય હરિ ભજન ગુરૂ સેવા કાર્યમાં કાઢવો.

.   આપણું વ્યકિતત્વ - જીવન નિખાલસ નિર્દોષ વ્યસન રહિત સાદગીપૂર્ણ બનાવવું.

.   શકય હોય ત્યારે રવિવાર રજાના દિવસે ગુરૂ આશ્રમે દર્શન ધ્યાન સત્સંગ માટે એકલા કે પરિવાર સાથે જવું.

.   છેલ્લે અન્ય બિનજરૂરી વિચારોને છોડી શકય એટલું વધુ પ્રભુ ચિંતનમાં રહેવું.

: આલેખન :

ડો. રતુભાઇ શીંગાળા

એમ.કોમ., પી.એચડી. રાજકોટ

પૂર્વ પ્રિન્સીપાલ : માલવીયા કોલેજ

(ફોન : ૦૨૮૧ - ૨૪૭૯૭૦૦)

(12:37 pm IST)