Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે સૌ પ્રથમ સંપર્કમાં આવતા

સિવિલ હોસ્પિટલના સિકયુરીટી ગાર્ડ જોમ-જુસ્સા સાથે નિભાવી રહ્યા છે ફરજ

૯૦ના સ્ટાફમાંથી ૧૫ કોરોના સંક્રમિત પણ થઇ ચુકયા છેઃ સાજા થઇ ફરી હાજર થયા : કોરોના કાળમાં સમગ્ર ટીમે જબરદસ્ત ફરજ બજાવી છેઃ પ્ર.નગર પીઆઇ એલ.એલ. ચાવડાનું પણ પ્રોત્સાહન મળ્યું: સિકયુરિટી ઇન્ચાર્જ ગિરીરાજસિંહ રાઠોડ

રાજકોટ તા. ૧૨ : બોલો સાહેબ,હું તમારી શુ મદદ કરી શકું?કયાં વોર્ડમાં જવું છે તમારે?તમારું વાહન આ બાજુ પાર્ક કરી દો. સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તુરંત જ આ મીઠાં સંવાદ સાથે આવકાર આપતાં સીકયુરિટી ગાર્ડઝનાં હસમુખા ચહેરા જોઈને દર્દી જાણે તેનું દુઃખ ભૂલી જતાં. કોરોનાના મુશ્કેલ સમયમાં પણ ચહેરા પર સ્મિત સાથે લોકો માટે સતત હાજર સિવિલ હોસ્પિટલના સીકયુરિટી ગાર્ડઝ પોતાની અહર્નિશ સેવા થકી અનેક લોકોને મદદરૂપ બન્યા છે.

સિવિલ હોસ્પિટલમાં સીકયુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ગિરિરાજ સિંહ રાઠોડ જણાવ્યું હતું કે, 'ત્રણ મહિના જયારે કોરોનાનો ખૂબ કપરો કાળ હતો ત્યારે ૯૦ જેટલા કર્મચારીઓએ રાત દિવસ જોયા વિના અને જરૂર પડે ત્યારે ઓવરટાઈમ કરીને પણ દર્દીઓનું ધ્યાન રાખ્યું છે. અને તેમના માર્ગદર્શક તરીકે સતત ઉપયોગી બની રહ્યા છે. આ કાર્ય દરમ્યાન અમારા ૧૩ થી વધુ સીકયુરિટી ગાર્ડ અને બેથી વધુ સીકયુરિટી સુપરવાઇઝર કોરોના પોઝિટિવ આવ્યા હતા. અને હોસ્પિટલાઈઝેશન અને આઇસોલેશનનો સમય પૂર્ણ કરી તેઓ તુરંત જ ફરજ પર હાજર થઇ ગયા હતા. સિકયુરીટી સ્ટાફ માટે સૌથી મુશ્કેલ મુદ્દો એ હતો કે જયારે કોઇ દર્દી કોરોનામાં મૃત્યુ પામે ત્યારે તેમના સ્વજનોને સંભાળવા,તેમને પ્રેમથી સમજાવી સધિયારો પૂરો પાડવો અને જો તેઓ રોષે ભરાયા હોય તો પણ કર્મચારીએ શાંત ચિત્તે પોતાની આંતરિક સૂઝબૂઝ વડે તેમને અને નર્સિંગ સ્ટાફની મદદથી તેમને સમજાવી અને કાબૂમાં લેવા.'

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'કોરોના કાળમાં દરેક પગલે અમને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો ખૂબ સારો સહકાર સાંપડ્યો છે. અહીં કાર્યરત પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ.એલ. ચાવડા અને તેમની ટીમ દ્વારા અમને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું અને જયારે પણ અમને પોલીસ ફોર્સની જરૂર જણાય ત્યારે તેમણે બધી જ વ્યવસ્થા પુરી પાડી હતી. સિવિલ ખાતે બંદોબસ્તમાં ૧૨ થી વધુ પોલીસ સ્ટાફ અને ૧૨થી વધુ એકસ આર્મીમેન સતત ફરજ પર હાજર રહ્યા છે. દર્દી જયારે હોસ્પિટલમા પ્રવેશે ત્યારે તેના સંપર્કમાં સૌથી પહેલા કોઈ આવે તે હોય છે સીકયુરિટી ગાર્ડ. દર્દીને કયાં વોર્ડમાં જવાનું છે,પાર્કિંગ કયાં કરવું,દાખલ કયા થવું,કેસ કયાંથી કઢાવવો વગેરેથી માંડીને નાની મોટી દરેક સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં સીકયુરિટી ગાર્ડે કોઈ કચાશ રાખી નથી. સારવારમાં વ્યસ્ત કર્મચારીઓના મોબાઈલ ફોન, તેમના વાહનની જવાબદારી અને વ્યવસ્થિત પાર્કિંગ થાય તેની પણ જવાબદારી સીકયુરિટી સ્ટાફે નિભાવી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ગુમ થયેલી કિંમતી વસ્તુને પરત આપવામાં પણ સિવિલ હોસ્પિટલના સિકયુરીટી સ્ટાફનો ખૂબ મોટો ફાળો રહયો છે.'

સિવિલ હોસ્પિટલ ખાતે સીકયુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા જગદીશ ચાંડેગરાએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, 'અમારું મુખ્ય કાર્ય હોસ્પિટલમાં સુરક્ષા જાળવવાનું અને વ્હીલ ચેર કે એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓને મદદ પૂરી પાડવાનું હોય છે. આ કાર્ય દરમ્યાન તારીખ ૧૪ ઓકટોબરના રોજ હું કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તારીખ ૨૮ તારીખે કોરોના નેગેટીવ આવતા ફરી ફરજ પર હાજર થઈ ગયો છું.રાજકોટવાસીઓને મારી એક જ વિનંતી છે કે જો લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવો જેથી તમારો પરિવાર કોરોનાના સંક્રમણથી બચી શકે.'

સિવિલ હોસ્પિટલમાં એકસ આર્મીમેન તરીકે ફરજપરસ્તબાબુભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે,લોકડાઉનદરમિયાન મેં હોસ્પિટલ ચોક ખાતે અઢી મહિના ફરજ બજાવી હતી અને ત્યાર બાદ હું સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ નિભાવી રહ્યો છું.

સિવિલ હોસ્પિટલ ખાતે બે વર્ષથી સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ કાલાણી પણ આઠ મહિનાથી કોવિડ ડ્યુટી સાથે સંકળાયેલા છે. પી.પી.ઇ. કીટ પહેરી અવિરત સેવારત વિશાલભાઈ પણ કોરોના પોઝિટિવ આવતા ૧૭ દિવસની સારવાર બાદ તેઓ ફરીથી ડ્યુટી પર હાજર થઈ ચૂકયા છે. કોરોનાને નાબૂદ કરવા જંગે ચડેલા આરોગ્યકર્મીઓની સાથોસાથ સીકયુરિટી ફોર્સની કામગીરી પણ બિરદાવવા યોગ્ય છે.

(12:45 pm IST)