Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પદ્દમકુંવરબા હિમોડાયાલિસિસ સેન્ટરમાં ડાયાલાઇઝર ચાલુ થયું

આરોગ્ય સેવા માટે તત્પર રૂપાણી સરકારનું ડેશબોર્ડ : દર્દી લીનાબેન કહે છે-અમારા સુચનને તુરત ધ્યાને લઇ સુવિધા વધારાઇ

રાજકોટ તા. ૧૨ : ગુંદાવાડી પદ્મ કુવરબા હોસ્પિટલ ખાતે હિમોડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. જેમાં દર્દીઓની ડાયાલિસીસ પ્રક્રિયા કરવામાં આવે છે.

દર્દી લીનાબેન દીપકભાઈ યશવંતે આજ સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષથી ડાયાલીસીસ કરાવે છે. ગત માસે તેમના પતિ દીપકભાઈ યશવંતેને ગાંધીનગર સ્થિત સી.એમ. ડેશ બોર્ડમાંથી સારવાર સુવિધા અંગે પૂછવામાં આવતા એ સમય દરમ્યાન અહીં ટેકનિકલ કારણોસર એસી તેમજ ડાયાલાઈઝર બંધ થઈ જતા હોવાનું હકારાત્મક સૂચન કરવામાં આવ્યું. પછી ગાંધીનગર ખાતેથી તવરિત રિસ્પોન્સ મળતા અહીં બંધ પડેલ એ.સી. તેમજ ડાયાલાઈઝર મશીન શરૂ કરી આપવામાં આવતા દીપકભાઈએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર આરોગ્યલક્ષી સેવા માં કોઈ કસર છોડી નથી. ખાનગી સ્થળે મળતી મોંઘી સુવિધા સામે અમને અહીં નિશુલ્ક ડાયાલિસિસ કરી આપવામાં આવે છે.

અન્ય એક દર્દી જૈન સાધ્વી અરુણાજી મહાસતી પહેલા ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા હતા, જેવો હવે અહીં નિયમિત આવે છે. તેઓ જણાવે છે કે તેમનો સ્ટાફ સરળ હૃદયનો છે. જે રીતે યોગદાન આપી રહ્યા છે તે લેખે લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ દર્દીઓને રૂપિયા ૩૦૦ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને હિમોગ્લોબીનના એરીથ્રોકોએટીન  ઈન્જેકશન નિઃશુલ્ક આપવામાં આવતું હોવાનું હેડ ટેકનિશિયન નયન શીશાંગીયા જણાવે છે. અમારા માટે ક્રેડિટ એ છે કે અહીં રાજકોટની ખ્યાતનામ ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ ટ્રાન્સફર થઇ ડાયાલિસીસ માટે આવતા હોવાનું આર.એમ.ઓ. ડો. નૂતન જણાવે છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્યલક્ષી સેવાઓ વધુને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે.

(12:45 pm IST)