Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સુરક્ષીત રીતે ફટાકડા ફોડવા માટેની ટીપ્સ

* ફટાકડાથી દાઝી જવાની શકયતા મુખ્ય હોય છે તથા અવાજ અને ધુમાડાને કારણે પણ તકલીફ થવાની શકયતા હોય છે તેથી ખુલ્લી જગ્યા શોધી કાઢો અને એ બાબતે ખાત્રી કરી લેવી કે ત્યાં આસપાસ સળગી ઉઠે અને નાશ પામે તેવી કોઇ ચીજ નથી. જો હોય તો તુરત જ તેને ત્યાંથી હટાવો. હંમેશા સકરાર માન્ય દુકાનમાંથી જ ફટાકડા ખરીદવાનો આગ્રહ રાખો.

* નાના બાળકો ફટાકડા મોઢામાં ન નાખે તેનું ધ્યાન રાખો. ફટાકડા ફૂટતા હોય તેવા વિસ્તારમાંથી નાનકડા બાળકોને તો દૂર જ રાખો. ઘરમાં ફટાકડા એવી જગ્યાએ રાખવા કે નાના બાળકોના હાથમાં ન આવે. બાળકની સાથે મોટા વ્યકિતની દેખરેખ રાખવી જરૂરી છે.

*ફટાકડા ફોડવા માટે અગરબત્તી, તણખાદાર વસ્તુ કે લાંબી લાકડાની દીવાસળીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તમારૂ અને સળગતા ફટાકડા વચ્ચેનું અતર જળવાઇ રહેશે અને તેમાં ખુલ્લી જવાળા હોતી નથી.

* ફટાકડા બોકસની અંદર દબાય નહીં તેવી રીતે ગોઠવવા.

* વીજળીના પ્લગ, સ્ટવ, ગેસ કે દીવાની નજીક ફટાકડા રાખવા નહીં.

* ફટાકડા ફોડતી વખતે બીજો ફટાકડાનો જથ્થો દૂર રાખો.  ફટાકડા ફોડો ત્યારે પગમાં જરૂર ચપ્પલ પહેરો.

* તાકીદની પરિસ્થિતિ માટે હંમેશા તૈયાર રહો. પ્રાથમીક સારવાર સુવિધા અને બે બાલ્દી ભરીને પાણી તૈયાર રાખો.

* એક સમયે એક જ વ્યકિત ફટાકડા ફોડો.

ફટાકડા ફોડવાની જગ્યા :- ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા, રસ્તા પર ટ્રાફીક હોય તેવી જગ્યાએ, પેટ્રોલ પંપ કે વાહનની અવરજવર હોય ત્યાં ફટાકડા ફોડવા નહીં. વીજળીના થાંભલા, વાયર કે જવલનશીલ વસ્તુ હોય ત્યાંથી ફટાકડા દૂર ફોડવા.

વ્યકિતગત સુરક્ષા : -પાણીની બાલદી, ધુસો, ધાબળા નજીકમાં રાખવા. ફટાકડા ફોડતી વખતે માસ્ક અને ચશ્માનો ઉપયોગ કરવો. નાઇલોનના વસ્ત્રો પરિધાન ન કરવા. મોટા ભાગે સુતરાઉ કપડા જ પહેરવા જોઇએ. ઢીલા-મોટા લટકતા હોય તેવા કપડા પણ ન પહેરવા, તમામ કપડા યોગ્ય રીતે પહેરીને સલામત બનો.

કયા કટાકડામાં શું ધ્યાન રાખવું :- અવાજ થાય તેવા ફટાકડા દૂરથી ફોડવા, ફટાકડાની વાટ લાંબી રાખવી. ઉડે તેવા ફટાકડા કોઇની બારી કે ઘરમાં ન જાય તેનું ધ્યાન રાખવું. ફુલઝર, દોરી કે વાયર જેવા ફટાકડા શરીરથી દૂર રાખી ફોડવા જેથી હાથમાં દાઝી ન જવાય. ફટાકડા સળગાવ્યા પછી બાકી રહી ગયેલ હોય તો તેની પાસે જવું નહીં અને થોડી વાર પછી પાણી નાખી નકામો કરી દેવો. ફટાકડા ફોડવા બાદ સાબુથી હાથ ધોઇ નાખવા. વધુ પ્રકાશ કે ચમકદાર ફટાકડા હોય તો ચશ્મા પહેરીને ફોડવા. ફટાકડાના તણખા ઉડતા હોય તેવા ફટાકડા કપડામાં ઉડે નહીં તેનું ધ્યાન રાખવું.

અકસ્માતની પ્રાથમીક સારવાર :- દાઝયા હોય તો તુરંત જ સાફ, ઠંડુ પાણી દાઝેલા ભાગ પર રેડવું. અકસ્માતની જગ્યાથી તરત જ દૂર થઇ જવું. ધાબળો કે કોથળો ઓઢાળીને આગ બુઝાવાની કોશિશ કરવી. કંઇ વાગી ગયું હોય તો તુરંત જ સાફ પાણીથી સાફ કરી, જંતુનશાક દવા લગાડવી. નજીકની હોસ્પિટલ કે ડોકટર પાસે જઇ સારવાર લેવી. નાના બાળક ભુલથી ફટાકડાનો ભાગ ખાઇ ગયેલ હોય તો તુરંત જ ઉલટી કરાવી નજીકના દવાખાને લઇ જવું. બની શકે તો પ્રાથમિક સારવારની કીટ બનાવી ઘરમાં તૈયાર રાખવી.ો જેમાં સર્જીકલ કોટન પાટા, ગ્લોઝ, જંતુનાશક દવા, મલમ વિગેરે તૈયાર રાખવું. આસપાસની હોસ્પિટલ અને ડોકટરના ફોન નંબર હાથવગા રાખવા, આગ લાગી હોય તો તુરંત પોલીસ કે ફાયર બ્રિગેડને જાણ કરવી. આ માટે પોલીસ કે ફાયર બ્રિગેડના ફોન નંબર હાથવગા રાખવા.

ડો. મેહુલ એમ. મિત્રા

એમ.ડી.(પેડ) યુનિ., પ્રથમ

નવજાત શીશુ, બાળરોગ નિષ્ણાત અને ઇન્ટેન્સીવિસ્ટ, 

રાજકોટ . ફોન : ૦ર૮૧-ર૪૪૭૧ર૭

(2:46 pm IST)