Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભિક્ષાવૃત્તિ મુકત રાજકોટ અભિયાન

ભિક્ષાવૃત્તિ છોડાવી 'ભિક્ષુકો'ને આત્મનિર્ભર બનાવવા ટીમો દોડાવતા ઉદિત અગ્રવાલ

૪ ઝોન બનાવાયા : અધિકારીઓ ભિક્ષુકોને રાઉન્ડ અપ કરી સમજાવટથી ભિક્ષા વૃત્તિ છોડાવી રહ્યા છે

રાજકોટ તા. ૧૧ : શહેરને ભિક્ષાવૃત્તિ મુકત બનાવવા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે ખાસ અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાન હેઠળ અધિકારીઓની ૪ ટીમો બનાવીને ભિક્ષુકોને ભિક્ષાવૃત્તિ છોડી આત્મનિર્ભર બનવા સમજાવવામાં આવી રહ્યા છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ (શહેર) ખાતેથી ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને દુર કરવા 'ભિક્ષાવૃતિ મુકત રાજકોટ' અભિયાન સમાજ સુરક્ષા ખાતુ-રાજકોટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-રાજકોટના લીડ રોલ સાથે રાજકોટ પોલીસ તથા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સ્ટાફ દ્વારા સયુંકત પણે તા. ૪/૧૧/૨૦૨૦ થી ચલાવવામાં આવે છે. આ અભિયાનમાં રાજકોટ શહેરમા કુલ-૦૪ ઝોન બનાવી ભિક્ષુકો જે જગ્યા પર ભિક્ષાવૃતિ કરે છે તે તથા તેઓનાં રહેણાંકનાં વિસ્તાર ખાતે કુલ ૦૪ ટીમો દ્વારા ભિક્ષાવૃતિ કરતા મહિલા - પુરૂષો તથા બાળકોનું રૂબરૂ કાઉન્સેલીંગ કરી ભિક્ષાવૃતિ બંધ કરવા સમજાવવાની કામગીરી ચાલુ છે. આ કાર્યવાહીમાં ખુબ જ સારૂ પરિણામ મળી રહેલ છે. આ કામગીરીને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહેલ છે.

આ કામગીરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટ, મ્યુનિ. કમિશ્નર રાજકોટ, જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ, પોલીસ કમિશ્નરશ્રી રાજકોટના અધિકારી - કર્મચારીઓ દ્વારા સંયુકતપણે ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે કુલ-૪ ઝોન બનાવી તા.૪/૧૧/૨૦૨૦ થી ભિક્ષુકોની આઇડેન્ટીફાય જગ્યા પર જઇ તમામ ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને આ કામગીરી બંધ કરી પોતાના રહેણાંક ખાતે જતા રહે અને અન્ય ધંધો/રોજગાર કરી સ્વનિર્ભર જીવન જીવે તે માટે કાઉન્સેલીંગ કરવામાં આવેલ છે ત્યારબાદ આ કામગીરીમાં જોડાયેલ તમામ વિભાગો દ્વારા ભિક્ષુકો સામે રાઉન્ડઅપની કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહી મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન.ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન જે.વ્યાસ તથા આસી. પોલીસ કમિશ્નર શ્રી ચાવડાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિભાગના અધિકારી - કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

(3:24 pm IST)