Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સવા ચાર કિલોની કંકોત્રી, કોવિડ ગાઈડ લાઇનને લઈને મર્યાદિત આમંત્રણ

ઉદ્યોગપતિ મૌલેશભાઇ પટેલનાં પુત્ર જયનાં મોરબીનાં ઉદ્યોગપતિ અરવિંદભાઇ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરની વૈભવી હોટલમાં શાહી લગ્ન : વિશ્ચપ્રસિદ્ધ મેહરાનગઢ ફોર્ટમાં યોજાશે બોલિવૂડ નાઈટઃ કુલ ત્રણ દિવસનો રંગારંગ જલ્સોઃ લગ્ન સમારંભમાં પીરસાશે ૧૮ હજાર રૂપિયાની થાળીઃ હનીમૂન સ્યૂટનું એક રાત્રીનું ટેરિફ સાડા સાત લાખ રૂપિયાઃ લગ્નની ઈવેન્ટ સાથે કોર્પોરેટ ઈવેન્ટ પણ સાંકળી લેવાશેઃ ત્રણ પ્રોડકટ રેન્જનું લૉન્ચિંગ થશે

રાજકોટઃ તા.૧૨,  રાજકોટનાં કોઈ પરિવારે ક્યારેય ન યોજ્યા હોય તેવાં શાહી-શાનદાર-રજવાડી લગ્ન શહેરનાં એક સુવિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીનાં પુત્રરત્નનાં થવાનાં છે. આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે, એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને તેનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ 'ઉમેદભવન પેલેસ' ખાતે થવાનાં છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ 'તાજ હોટેલ્સ' દ્વારા સંચાલિત છે અને તેની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટેલ્સમાં થાય છે.

 તા. ૧૬ નવેમ્બરનાં જોધપુર ખાતે યોજાનાર આ લગ્ન માટે તા. ૧૩ નવેમ્બરથી જ આખી હોટલનાં તમામ ૭૦ રૂમ બૂક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંની એવી જ રજવાડી ગણાતી અજીતભવન પેલેસનાં તમામ ૬૭ રૂમ પણ ચાર દિવસ માટે બૂક કરી દેવામાં આવ્યા છે!

 લકઝરીથી લથબથ એવાં આ લગ્ન ઠેઠ રાજસ્થાનનાં જોધપુર ખાતે થઈ રહ્યું છે. તેથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે- લગ્નમાં કન્યા-વર પક્ષનાં મર્યાદિત લોકોને આમંત્રણ અપાયું છે. કારણ કે, રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. લગ્ન સમારંભનાં ત્રણેય દિવસ દરમિયાન બાન લેબ્સની એક-એક મળી ને ત્રણ પ્રોડકટ્સનું લોન્ચિંગ થવાનું છે.

 આવા શાહી લગ્ન જે ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીનાં પુત્રનાં થવાનાં છે- તેઓ સૌરાષ્ટ્રમાં અને ભારતભરમાં નામના ધરાવે છે અને તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પોઝિટિવ ઊર્જાથી ભરપૂર અને સદા સ્મીત વેરતા મૌલેશ પટેલ ભામાશા તરીકે પણ મશહૂર છે.

 ત્રણ દિવસ સુધી લગ્નમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો 

 રાજકોટનાં ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીનાં પુત્ર જયનાં આ લગ્નનાં ત્રણ દિવસનાં ફંકશન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાનાં છે. એક દિવસ ઐશ્ચર્યા મજમુદાર પરફોર્મ કરશે, એક રાત્રે સચિન-જીગરનો સંગીત જલ્સો છે તો બોલિવૂડ નાઈટ પણ છે આ મનોરંજક સમારંભ અહીંના વિખ્યાત કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે. જ્યારે મુખ્ય લગ્ન સમારંભ ઉમેદભવન પેલેસની 'બારાદરી લોન' ખાતે રાખવામાં આવ્યો છે.

 મહેમાનો માટે પીરસાશે ૧૮ હજાર રૂપિયાની થાળી

 ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેનો ચાર્જ ૧૮ હજાર રૂપિયા છે.

 મોંઘીદાટ હોટેલઃ હનીમૂન સ્યૂટનું એક રાતનું ભાડું સાડા સાત લાખ!

જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી માંહેની એક હોટેલ ગણવામાં આવે છે. અહીં ૫૦ હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે! ઉમેદભવન પેલેસ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ વિશ્વનું એક સૌથી મોટા નીજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે. આ પેલેસમાં ૩૪૭ ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ ૨૬ એકરની જમીનમાં પથરાયેલું છે જેમાં ૩.૫ એકર પર મહેલ બંધાયેલો છે અને ૧૫ એકર પર બગીચા છે. આ પેલેસ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો કેમકે ચિત્તર નામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઊંચું સ્થળ છે. આ પેલેસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે - આરામદાયક વૈભવી હોટેલ (૧૯૭૨થી) - તાજ, રાજ પરિવારનું નિવાસસ્થાન અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય જેમાં ચિત્રો, હથિયારો, તલવારો, અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત છે.

 મેરેજ ઈવેન્ટ સાથે કોર્પોરેટ ઈવેન્ટઃ અનોખો કોન્સેપ્ટ

 ઉકાણી પરિવારનાં આ શાનદાર લગ્ન પ્રસંગ દરમિયાન દરરોજ એક વિશિષ્ટ કોર્પોરેટ ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બાન લેબ્સ દ્વારા 'સિગ્નેચર'નાં નામથી ડિઓડરન્ટ અને પરફ્યુમ્સની આખી રેન્જ લૉન્ચ થશે. 'બૉટ' બ્રાન્ડ નેમથી સ્ટેશનરીની રેન્જ લૉન્ચ કરવામાં આવશે અને તેમની કેયર બ્રાન્ડની નવી વીસથી પચ્ચીસ પ્રકારની ગ્રીન-ટીનું પણ એ જ ઈવેન્ટમાં લૉન્ચિંગ રાખવામાં આવ્યું છે. તદ ઉપરાંત TSL ધ સિક્રેટ લૂમ બ્રાન્ડના ઇનર વેર અને એકિટવ વેરનીં રેન્જનું પણ લોન્ચિંગ છે. આમ, બાન પરિવાર માટે આ એક પારિવારિક ઉપરાંત બિઝનેસ ઈવેન્ટ પણ બની રહેશે. (૪૦.૭)

 માંગલિક પ્રસંગો

 તા.૧૪ બપોરે ૩.૨૫થી ૬.૧૫ સાંજે ૬.૧૫ વાગ્યાથી   પ્રસંગઃ મહેંદી + હાઈ ટી દ્વારકાધીશ આરતી અને રાસ ગરબા સ્થળ લાન્સર લૉન, ઉમેદભવન પેલેસ ફ્રન્ટ લૉન, ઉમેદભવન પેલેસ જોધપુર

         ...

 તા.૧૫  સવારે ૯.૨૭ વાગ્યે મંડપરોપણ ત્યારબાદ હલદી અને ભોજન સમારંભ સ્થળઃ ઉમેદભવન પેલેસ, સાંજે ૭ વાગ્યાથી

 . બોલિવૂડ ઈવનિંગ અને ડિનર, સ્થળઃ મેહરાનગઢ ફોર્ટ, જોધપુર

         ...

તા. ૧૬, જાન પ્રસ્થાનઃ ૩.૪૫ બપોરે હસ્તમેળાપઃ ૭.૨૯ સાંજે

 મુખ્ય લગ્ન સમારંભ અને ડિનર, સ્થળઃ બારાદરી લોન, ઉમેદભવન પેલેસ જોધપુર

રજવાડી લગ્નની કંકોત્રી પણ રજવાડીઃ સવા ચાર કિલો વજન, સાત હજારની કંકોત્રી

કંકોત્રી ખોલોએ પહેલા રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શનઃ ૭ પાનામાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી

 રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.૧૪-૧૫-૧૬ નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. ત્યારે આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન ૪ કિલો ૨૮૦ ગ્રામ છે. આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ ૭ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં ૭ પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રી ખોલો એ પહેલાં રજવાડી પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યા છે.

(11:45 am IST)