Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મેફેડ્રોન ડ્રગના કેસમાં પૂર્વ ક્રિકેટર આકાશ અને તેની પૂર્વ પત્નિ અમી કોર્ટ હવાલે થશેઃ ઇરફાનના રિમાન્ડની તજવીજ

રાજકોટ એસઓજીએ રેસકોર્ષ રીંગરોડની હોટેલના રૂમમાંથી ત્રણેયને ગયા મહિને માદક પદાર્થ સાથે પકડ્યા'તાઃ એ પદાર્થ મેફેડ્રોન હોવાનું ફલીત થતાં ગુનો નોંધાયો : ડ્રગ્સ અમદાવાદથી લાવ્યાનું ઇરફાનનું રટણ

રાજકોટ તા. ૧૨: શહેરના રેસકોર્સ રિંગરોડ પર શિવશકિત હોટેલના રૂમ નં. ૩૦૧માં એસઓજીએ ગત ૨૨મી ઓકટોબર ૨૦૨૧ના રોજ દરોડો પાડી પુર્વ ક્રિકેટર યુવાન, તેની પૂર્વ પત્નિ અને ઘાંચીવાડના મુસ્લિમ શખ્સને નશાકારક માદક પદાર્થ સાથે ત્રણને પકડયા હતા. આ ત્રણેય પાસેથી મળેલો પદાર્થ લેબ પરિક્ષણમાં મોકલાયો હતો. જેનો રીપોર્ટ આવી જતા અને એ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલતા તેમજ ત્રણેયએ તેનું સેવન કર્યાનું પણ બ્લડ સેમ્પલને આધારે ફલીત થતાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરાઇ છે. યુવાન-યુવતિને કોર્ટ હવાલે કરાશે. જ્યારે તેને ડ્રગ્સ આપનાર ઘાંચીવાડના શખ્સના રિમાન્ડ મંગાશે. તે અમદાવાદથી આ પદાર્થ લાવ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા તપાસ થશે.

એસઓજીએ હોટેલના રૂમમાંથી મળી આવેલ મુદામાલ માદક પદાર્થ મેફેડ્રોન ભરેલ ઇન્જેકશન નંગ-૨ તથા ખાલી ઇનજેકશન-૧ મળી માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૦.૮૦૦ એમ.એલ.ની કિંમત રૂ. ૮૦૦૦ ગણી ત્રણ આરોપી આકાશ મનોજભાઇ અંબાસણા-ગુર્જર સુથાર (ઉ.વ.૨૪ ધંધો સેલ્સમેન તરીકે નોકરી રહે ગોંડલ રોડ રાધે હાઇટસ બ્લોક નં ૯૦૫ ડી માર્ટ મોલ પાસે રાજકોટ), ઇરફાન અબ્બાસભાઇ પટ્ટણી વાઢેર મુસ્લીમ (ઉવ.૪૩ ધંધો વેપાર રહે. ઘાંચીવાડ શેરી નં ૨/૭ રાજકોટ) અને  અમી દીલીપભાઇ શીવલાલભાઇ ચોલેરા (ઉ.વ. ૨૨ ધંધો કાંઇ નહી, રહે કરણપરા શેરી નંબર-૧૧ રાજહંસ એપાર્ટમેન્ટ ત્રીજો માળ એ-૭ રાજકોટ ) ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા  તથા એસીપી ક્રાઇમ  ડી.વી.બસીયા અને પીઆઇ આર.વાય.રાવલની રાહબરીમાં એસઓજી પીએસઆઇ એમ.એસ.અંસારી, પીએસઆઇ ટી.બી.પંડયા તથા પેરોલ ફર્લો સ્કોડના એએસઆઇ ઝહીરભાઇ ખફીફ, એસઓજીના ભાનુભાઇ મિયાત્રા, કોન્સ. અનીલસિંહ ગોહીલ તથા તેમજ કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, મહમદઅઝરૂદીન બુખારી, શીરાજભાઇ ચાનીયા, મહીલા કોન્સ. શાંતુબેન મુળીયા દ્વારા આ કામગીરી કરવામા આવી હતી.

નોંધનીય છે કે આકાશ અંબાસણા પૂર્વ ક્રિકેટર છે અને સાથે પકડાયેલી અમી તેની પૂર્વ પત્નિ છે. આકાશ ચીઠ્ઠી લખીને ગૂમ થયાની અને ડ્રગ્સ પેડલર તેને હેરાન કરતા હોવાની રજુઆત આકાશના માતાએ કરતા પોલીસે ટીમો બનાવી તપાસ શરૂ કરતાં આકાશ, અમી અને ઈરફાન હોટેલના રૂમ માંથી ડ્રગ સેવન કરતા મળ્યા હતા. ત્યારે બ્લડ સેમ્પલ લેવાયા હોઈ તેમાં પણ મેફેડ્રોન ડ્રગ હોવાનું માલુમ પડ્યું છે. તેમજ ઇન્જેકશનમાં પણ મેફેડ્રોન ડ્રગ હોવાનો રિપોર્ટ આવતા ત્રણેય સામે કાર્યવાહી કરવામાં આવી છે. આકાશ અને અમીને કોર્ટ હવાલે કરાશે. જ્યારે ઇરફાને ડ્રગ્સ આપ્યું હોઇ તેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવાશે.

એ પણ ઉલ્લેખનિય છે કે યુવતી અમીએ પોતાને ડ્રગની લત્ત છોડી પોલીસ બનવું છે તેમ જણાવતા તેને પોલીસ કમિશનરની સુચના મુજબ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ ભરતીના પુસ્તકો વાંચવા અપાયા હતાં તેમજ પરીક્ષા માટેની તાલીમ પણ આપવાનું શરૂ કરાયું હતું. પરંતુ હવે એનડીપીએસનો ગુનો નોંધાતા તે પોતાની આ ઇચ્છા પુરી કરી શકશે નહિ. પીએસઆઇ ટી. બી. પંડ્યા વધુ તપાસ કરે છે.

(3:05 pm IST)