Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વોર્ડ નં.૯નાં હરિનગરમાં બે વૃધ્ધા અને એક વૃધ્ધ કોરોનાથી સંક્રમિત થયાઃ ૧૧ દર્દીઓ સારવારમાં

મુંબઇથી પરત ફરેલા એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ આવ્યોઃ આજ બપોર સુધીમાં શુન્ય કેસ

રાજકોટ તા. ૧૨: શહેરમાં કોરોનાં લગભગ કાબુમાં આવી ગયો હતો પરંતુ દિવાળીના તહેવારો બાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ કેસ સામે આવ્યા હતા ત્યારે મુંબઈથી પરત ફરેલા એક જ પરિવારના ૩ સભ્યોનો કોરોના રીપોર્ટ ગઈકાલે સાંજે પોઝીટીવ આવ્યો છે. શહેરના વોર્ડ નં. ૯માં આવેલા હરીનગરમાં રહેતા ૬૦ વર્ષીય બે વૃદ્ધા અને એક વૃદ્ધ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ ઉંધામાથે થયુ છે. તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે. ત્રણેય સંક્રમિતોએ વેકસીનના બન્ને ડોઝ લીધા છે. શહેરમાં હાલ ૧૧ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજ બપોર સુધીમાં શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી.

 આ અંગે મનપાની આરોગ્ય શાખાની સત્તાવાર માહિતી મુજબ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૫૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૮૮  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૬૩૬ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૩ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૫૬,૮૮૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૫૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૪  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે.

(3:17 pm IST)