Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

આવતા સપ્તાહથી દુકાનોના છાપરા- ઓટલા પર બુલડોઝર ફેરવાશે

મ.ન.પા.ની દબાણ હટાવ ઝુંબેશ વેગવંતી બનાવાઇ : માર્જીંન - પાર્કિંગની જગ્યામાં દુકાનદારોએ ગેરકાયદે ઉભા કરેલા છાપરા - ઓટલા સહિતના દબાણો દુર થશે : ટાઉન પ્લાનીંગ - જગ્યારોકાણ - રોશની શાખા અને ફુડ શાખા સંયુકત રીતે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકશે

રાજકોટ તા. ૧૨ : શહેરમાં ઇંડા - મટન સહિતની લારીઓના ગેરકાયદે દબાણો હટાવવામાં તંત્ર સફળ રહ્યા બાદ હવે આવતા સપ્તાહથી શહેરના મુખ્યમાર્ગો ઉપર પાર્કિંગની સમસ્યા દુર કરવા દુકાનો તેમજ વ્યાપારી સંકુલોના માર્જીન - પાર્કિંગમાંથી છાપરાઓ - ઓટલાઓ ઉપર બુલડોઝર ફેરવી દેવા તંત્રએ તૈયારી કર્યાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સદર, ભીલવાસ રોડ તેમજ શહેરના અન્ય માર્ગોમાં નોનવેજની દુકાનોની બહાર પાર્કિંગની જગ્યામાં છાપરા - ઓટલાના દબાણો થઇ ગયા છે એટલું જ નહી શહેરનાં અન્ય વિસ્તારોના મુખ્યમાર્ગો ઉપર પણ આજ સ્થિતિ છે. જેનાં કારણે દુકાનોમાં આવનાર ગ્રાહકો રોડ ઉપર વાહન પાર્કિંગ કરે છે અને આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકજામ થઇ જાય છે.

આ સમસ્યા ઉકેલવા આવતા અઠવાડિયાથી શહેરના બજાર વિસ્તારો જેવા કે ગુંદાવાડી, પરાબજાર, સદરબજાર, યાજ્ઞીક રોડ, રેસકોર્ષ રીંગ રોડ, ગોંડલ રોડ, કેનાલ રોડ વગેરે રસ્તાઓ ઉપર માર્જીન અને પાર્કિંગની જગ્યામાંથી છાપરાઓ તેમજ ઓટલાઓ અને વ્યાપારી દ્વારા ફુટપાથ કે પાર્કિંગની જગ્યામાં રખાયેલ ચીજવસ્તુઓના દબાણો દુર કરવા કડક ઝુંબેશ શરૂ થશે.

આ ઝુંબેશ ટાઉન પ્લાનીંગ શાખા, રોશની શાખા તેમજ ફુડ શાખા (ફુડ વિભાગ ખાણી-પીણીનું ચેકીંગ કરશે) સંયુકત રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરનાર હોવાનું જાણવા મળ્યું છે.

(3:56 pm IST)