Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

દર શુક્રવારે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે બિનચેપી રોગોનું નિદાન થશે : લેબોરેટરી - દવાની સુવિધા

નિરામય ગુજરાત અભિયાન : મનપા દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો : બહોળો પ્રતિસાદ : આજે નિરામય દિવસની ઉજવણી અંતર્ગત પૂ. રણછોડદાસજીબાપૂ કોમ્યુનીટી હોલ ખાતે યોજાયેલ કેમ્પનો પ્રારંભ રાજયના મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલીયાના હસ્તે કરાયો : આ કેમ્પમાં સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોએ સેવા આપી : દર શુક્રવારે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે બિનચેપી રોગોનું નિદાન, લેબોરેટરી, સારવાર તથા દવાઓ વિનામુલ્યે પુરી પાડવામાં આવશેઃ પ્રદિપ ડવ

રાજકોટ, તા. ૧ રઃ રાજ્ય સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાન અનુસંધાને આજરોજ નિરામય દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિરામય દિવસની ઉજવણીના ભાગરૂપે આજ તા.૧૨/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૦૯.૧૫ કલાકે પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, જુનો પારડી રોડ, આનંદનગર મેઈન રોડ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પનો શુભારંભ ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન  લીલાબેન અંકોલીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય કમિટી ચેરમેન ડૉ.રાજેબેન ડોડીયા, આરોગ્ય સમિતિ વાઈસ ચેરમેન દક્ષાબેન વસાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવેલ કે, પહેલું સુખ તે જાતે નર્યા એવું ખુબજ સમજદારીપૂર્વક કહેવામાં આવે છે. આજની ભાગદોડભરી જીંદગીમાં માનવી સતત તનાવગ્રસ્ત માહોલમાં રહે છે. આપણા સૌની લાઈફ સ્ટાઈલ જ એવી ઝડપી અને તણાવભરી થઇ ગઈ છે કે, તેના પરિણામે લોકો કોઈ ને કોઈ બીમારીનો ભોગ બને છે. જો માનવીનુ સ્વાસ્થ્ય જ સારું નહિ હોય તો ગમે તેટલી સુખ સુવિધાઓ પણ નિરર્થક બની રહે છે. એટલે જ લોકોને સર્વપ્રથમ તો સ્વસ્થ રહેવા જાગૃત કરવામાં આવે છે.

મુખ્યમંત્રીએ ૩૦ વર્ષથી વધુ વયના લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ. તેઓએ નિયમિત રીતે આરોગ્યની ચકાસણી કરાવી કોઈપણ બીમારી કે રોગને ઉગતા ડામી દેવાની કાળજી લેવા અંગે લોકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, આરોગ્યમય લોકો થકી નિરામય ગુજરાતનો સંકલ્પ સિદ્ધ કરવા રાજ્ય સરકારે નિરામય દિવસ અભિયાન શરૂ કર્યું છે. 

આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન  લીલાબેન અંકોલીયાએ જણાવેલ કે, કોરોનાના કપરા કાળમાંથી આપણે પસાર થયા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત જાગૃત રહ્યા છે અને આપણને જાગૃત કર્યા  છે અને તેથી જ આપણે કોરોના સામે આપણે સૌ લડી શક્યા છીએ.

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલએ નિરામય ગુજરાતના ઉમદા વિચારને અમલી બનાવી, તાત્કાલિક અસરથી લોકોના આરોગ્ય સંબંધિત યોજનાની અમલવારી શરૂ કરાવી. હવે રાજ્યમાં દર શુક્રવારે નિરામય દિવસ નિમિતે વિનામુલ્યે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેનો લાભ શહેરના લોકોને મળશે. આજરોજ રાજ્યમાં ૪૩ સ્થળોએ નિરામય દિવસની ઉજવણી નિમિતે આરોગ્યલક્ષી કેમ્પોનુ આયોજન કરવામાં આવ્યું છે.

 લીલાબેન અંકોલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી હજુ સંપૂર્ણપણે દુર નથી ગઈ. આપણે સૌએ સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. કોરોનાથી બચવા માટેના પ્રોટોકોલને અનુસરવામાં જ સૌનું હિત છે.     

આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમના કાર્યકાળમાં અને કોરોનાકાળમાં કરવામાં આવેલ આરોગ્યલક્ષી અને માનવતાવાદી કાર્યોને પણ તેમણે બિરદાવ્યા હતા. 

આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, આજરોજ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાના નિરામય દિવસ અભિયાનનો શુભારંભ ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલનપૂર ખાતેથી કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા જન જન સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોંચતી કરવા માટે સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

વધુમાં આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન  લીલાબેન અંકોલીયા તથા મેયર ડૉ. પ્રદિપ ડવ તથા મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થી ભાઈ-બહેનોને નિરામય કાર્ડ, ડીજીટલ હેલ્થ આઈડી કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવેલ હતા.

આ મેડીકલ કેમ્પમાં લોહીનું ઉંચુ દબાણ (હાઇ બ્લડ પ્રેસર), મઘુપ્રમેહ(ડાયાબિટીસ), મોંઢા/સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીના રોગો તથા પાંડુરોગ(એનીમીયા) અને કેલ્શીયમની ઉણ૫થી થતા રોગો માટે યોગ્ય નિદાન અને સારવાર વિનામુલ્યે આપવામાં આવી રહી છે.

આ કેમ્પમાં સુ૫ર સ્પેશ્યાલીસ્ટ તબીબો (કાર્ડીયોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ), સ્પેશ્યાલીસ્ટ(ફીજીશીયન, જનરલ સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાત(ગાયનેક.), ઓર્થોપેડીક સર્જન, ડેન્ટલ સર્જન તથા રેડીયોલોજીસ્ટની સેવાઓ વિનામુલ્યે ઉપલબ્ધ કરવામાં આવી છે.આ કેમ્પમાં હિમોગ્લોબીન, સુગર, ક્રિએટીન, કાર્ડીયોગ્રામ, લીપીડ પ્રોફાઇલ, પે૫ સ્મીયર, સોનો-મેમોગ્રાફી તબીબી ડોકટરની સલાહ મુજબ વિનામુલ્યે કરી આ૫વામાં આવી રહી છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન તથા પ્રાસંગિક ઉદબોધન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવેલ. જેમાં તેઓએ જણાવેલ હતું કે, આ રાજ્ય સરકારના  નિરામય ગુજરાતના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે દર શુકવારે બિનચેપી રોગો માટે વિનામુલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં સુપર સ્પેશીયાલીસ્ટ તબીબ સહિતના તજજ્ઞ તબીબો સેવા આપશેે તો આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારી, મ્યુનિસિપલ કમિશનર તથા શહેરના અગ્રણીઓ દ્વારા ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન  લીલાબેન અંકોલીયાનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા તથા વાઈસ ચેરમેન દક્ષાબેન વસાણી દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા આભારવિધિ કરવામાં આવેલ હતી.

(4:00 pm IST)