Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મકરસંક્રાંતિ બાદ ૫૦૦ કરોડના પ્રોજેકટને લીલીઝંડી આપશે વિજયભાઇ

આમ્રપાલી અંડરબ્રીજ, કોઠારીયા, વાવડી અને જિલ્લા ગાર્ડન હેડવર્કસના લોકાર્પણ તથા કેકેવી, જડ્ડુસ, નાનામવા તથા રામાપીર ચોકડીએ બ્રિજનું ખાતમુહૂર્ત તથા MIG, EWS, સ્માર્ટઘરના ૪૧૧ આવાસોના ડ્રો મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે : ૧૫થી ૨૦ જાન્યુઆરી વચ્ચે કાર્યક્રમો યોજવા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા તડામાર તૈયારીઓ

રાજકોટ તા.૧૨ : તાજેતરમાં જ મહાપાલિકા અને રૂડાના કરોડો રૂપિયાના વિકાસકામોના લોકાર્પણો અને ખાતમુહૂર્તો કર્યા બાદ મ.ન.પા.ની ચૂંટણી પહેલા વધુ એક વખત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ આવી રહ્યા છે અને શહેરને આમ્રપાલી અંડરબ્રીજ પાણીના બે હેડવર્કસ સહિતના વિકાસકામોની ભેટ આપનાર છે.

આ અંગે મ્યુ. કમિશનર શ્રી અગ્રવાલે પ્રાથમિક વિગતો આપતા જણાવેલ છે કે આમ્રપાલી ફાટકના સ્થળે અન્ડરબ્રીજનો પ્રોજેકટ પૂર્ણ થઇ ગયો છે. તેનું લોકાર્પણ વહેલી તકે એટલે કે ચાલુ મહીનાના બીજા પખવાડિયામાં જ થાય તે માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ મહત્વની યોજનાનું લોકાર્પણ ઉપરાંત અન્ય રસ્તા, પાણી અને નવા બ્રીજના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, આમ્રપાલી અંડરબ્રીજની સાથોસાથ જિલ્લા ગાર્ડનમાં નવનિર્મિત પાણીનો ટાંકો, પમ્પીંગ સ્ટેશન સહિતના હેડવર્કસનું તેમજ કોઠારીયા વાવડીમાં પાણી વિતરણ માટે બનાવાયેલ નવા હેડવર્કસનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રી હસ્તે જ થાય તે માટે તૈયારીઓ થઇ રહી છે. જયારે ૧૫૦ રીંગ રોડ પર નાનામૌવા સર્કલ, કેકેવી ચોકમાં ડબલ ડેકર ફલાયઓવર બ્રીજ અને જડુસ ચોકડીએ તથા રામાપીર ચોકડીએ ફલાય ઓવરબ્રીજ આ ચારેય બ્રીજના ખાતમુહૂર્તો તથા સ્માર્ટ સીટીના ૧૦ જેટલા રસ્તાઓ વગેરે વિકાસકામોના ખાતમુહુર્તો પણ આ સાથે જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. આ ઉપરાંત MIG, EWS તથા સ્માર્ટ ઘરના ખાલી ૪૧૧ આવાસોના ડ્રો કરવામાં આવશે.

આમ, મકરસંક્રાંતિ બાદ તુરંત જ સંભવતઃ ૧૫થી ૨૦ જાન્યુઆરી આસપાસ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંડરબ્રીજ સહિતના ૫૦૦ કરોડના વિકાસકામોની ભેટ આપવાના કાર્યક્રમ યોજવા તંત્રએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. તેવો નિર્દેશ મ્યુ. કમિશનરશ્રીએ આપ્યો હતો.

(4:19 pm IST)