Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મ્યુ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત બીજા હપ્તા માટે ૧૦૦ કરોડ ગ્રાન્ટની ચુકવણીઃ ભંડેરી

રાજકોટઃ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનામ નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે. ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલીકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને  તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૮ મહાનગરપાલીકા માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ, જે પૈકી પ્રથમ હપ્તા પેટે ૫૦ ટકા રકમ એટલે કે રૂ.૧૦૦.૦૦ કરોડની ગ્રાન્ટની ચુકવણી ગત ઓગષ્ટ માસમાં થઈ ગયેલ તેમજ બીજા હપ્તા પેટે રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવેલ હતી.

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા નગરપાલીકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને નાગરીકોના ઓરગ્ય, પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય  અને શહેરોમાં નવા માર્ગોનું નિર્માણ, ટ્રાફીક સમસ્યાઓ પહોંચી વળવા રસ્તાઓ પહોળા કરવા, ફૂટપાથ સહીત નવા માર્ગો બનાવવા સડકો નમુનારૂપ બને તેવા આશયથી રાજયની ૮ મહાનગરપાલીકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો અંતર્ગત બીજા હપ્તા પેટે રૂ.૧૦૦ કરોડ ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં ૮ મહાનગરપાલીકાઓ જેમાં અમદાવાદ મહાનગરપાલીકાને રૂ.૩૭.૦૬ કરોડ, સુરત મહાનગરપાલીકાને રૂ.૩૦.૨૫ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ.૧૧.૩૪ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૮.૯૭ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૪.૧૯ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ.૩.૯૭ કરોડ, જુનાગઢ મહાનગરપાલિકાને રૂ.૨.૦૮ કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.૨.૧૪ કરોડ, સહીત કુલ રૂ.૧૦૦ કરોડની ચુકવણી કરવામાં આવી હતી.

અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના માધ્યમથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિ કાસ માટે નાણાપંચ દ્વારા માતબર રકમમાં ગ્રાન્ટ ફાળવી રાજય સરકારે સ્વર્ણીમ સિધ્ધીઓ હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે. ત્યારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસકામો ઝડપથી પુર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે. ત્યારે ગુજરાતની નગરપાલિકાઓને સમૃધ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની ભાજપા સરકારની નેમ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(11:55 am IST)