Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

નિર્ણાયક સરકાર-નિર્ણાયક મુખ્યમંત્રીઃ રાજકોટને વધુ એક ભેટઃ માધાપર ચોકડી પાસે બનશે નવું બસ સ્ટેન્ડ

એઈમ્સ, બસ પોર્ટ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રાજકોટ-અમદાવાદ સિકસ-લેન હાઈવે બાદ રાજકોટને વધુ એક ભેટ આપતા આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : માધાપર ચોકડી ખાતે ૬૮૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવીઃ જામનગરથી આવતી બસો હવે માધાપર ચોકડીએ આવી અને ઉપડશેઃ બસ પોર્ટ ઉપરનું ભારણ ઘટશેઃ માધાપર ખાતે નવુ બસ સ્ટેન્ડ બનતા ટ્રાફીકની સમસ્યા પણ હળવી બનશે

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાતમાં સર્વપ્રથમ રાજકોટને એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અદ્યતન બસ પોર્ટ, રાજકોટ-અમદાવાદ સિકસ લેન હાઈવે બાદ નિર્ણાયક સરકારના નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટને વધુ એક ભેટ આપતા રાજકોટવાસીઓને મળતી સુવિધામાં વધારો થયો છે. મુખ્યમંત્રીએ રાજકોટમાં માધાપર ચોકડી ખાતે અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવાના પ્રોજેકટને મંજુરી આપી છે એટલુ જ નહિ આ માટે ૬૮૦૦ ચો.મી. જમીન પણ ફાળવી છે.

આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અકિલા સાથેની વાતચીતમાં માધાપર ચોકડી ખાતે મંજુર કરવામાં આવેલ નવા બસ સ્ટેન્ડ અને ફાળવવામાં આવેલ ૬૮૦૦ ચો.મી.ની વિગત આપી હતી અને જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં માધાપર ચોકડી ખાતે અદ્યતન નવુ બસ સ્ટેન્ડ આકાર પામશે.

તેમણે જણાવ્યુ હતુ કે આ નવા બસ સ્ટેન્ડની નવા સમયથી જરૂરીયાત ઉભી થઈ હતી જેને ધ્યાને રાખી રાજ્ય સરકારે આ બાબતે ત્વરીત નિર્ણય લઈ નવી સુવિધા ઉભી કરી છે.

મુખ્યમંત્રીએ અકિલા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ સૌરાષ્ટ્રનુ પાટનગર ગણાય છે અને અહીંથી દૈનિક સેંકડો બસો અવરજવર કરતી હોય છે જેના કારણે વર્તમાન બસ પોર્ટ નાનુ પડી રહ્યુ હોવાથી તેનુ ભારણ ઘટાડવાના હેતુથી આ નવુ બસ સ્ટેન્ડ મંજુર કરવામાં આવ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે જામનગર તરફથી આવતી તમામ બસો આ નવા બસ સ્ટેન્ડ ખાતે આવશે અને ત્યાંથી ઉપડશે. જેના કારણે રાજકોટમાં ટ્રાફીકની સમસ્યા પણ હળવી બનશે અને લોકોને સુવિધા મળશે એટલુ જ નહિ એસટીને ઈંધણના મામલામાં પણ ફાયદો થશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે અને રાજકોટ અને રાજકોટવાસીઓની તમામ સુખ-સુવિધાઓ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને સતત કાર્યરત છે. રાજકોટ માટે વિવિધ પ્રોજેકટોનુ અમલીકરણ થઈ રહ્યુ છે અને આગામી દિવસોમાં નવા નવા પ્રોજેકટો આવી રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ અન્ડરબ્રીજ અને ઓવરબ્રીજનું લોકાર્પણ અને ખાતમુહુર્ત પણ કરવામાં આવી રહ્યુ છે.

(2:41 pm IST)