Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

માતા કારખાનેથી કામ કરી ઘરે આવી ત્યાં ૧૪ વર્ષની દિકરી લટકતી મળી

નવાગામમાં બે ભાઇની એકની એક બહેનનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ પિતા પણ હયાત નથીઃ ઘરે એકલી હતી ત્યારે પગલુઃ કારણ જાણવા પોલીસની તપાસ

રાજકોટ તા. ૧૩: નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટી મેઇન રોડ પર રહેતી સંજના અજયભાઇ ઉદેશી (ઉ.વ.૧૪) નામની વાંજા પરિવારની દિકરીએ એંગલમાં મફલર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાત કરનાર સંજના બે ભાઇની એકની એક નાની બહેન હતી અને ધોરણ-૯માં ભણતી હતી. તેના પિતા હયાત નથી. ગઇકાલે બંને ભાઇઓ કામે ગયા હતાં અને માતા કારખાનામાં કામ કરવા ગઇ હતી. માતા હંસાબેન સાંજે ઘરે આવી ત્યારે દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં પડોશીઓને બોલાવી દરવાજો તોડીને જોતાં લાડકવાયી એકની એક દિકરી લટકતી જોવા મળી હતી.

લોકોએ તેણીને નીચે ઉતારી હતી અને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:58 pm IST)