Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રામેશ્વર શરાફી મંડળીના ૬૦ કરોડના ઉચાપત કેસમાં ત્રણ આરોપીઓને વધુ ૪ દિવસની રીમાન્ડ ઉપર સોંપવા હુકમ

રાજકોટ તા. ૧૩ : રાજકોટના સેશન્સ જજી શ્રી યુ.ટી.દેશાઇએ રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ વસોયા સામે નોંધાયેલછેતરપીંડી, વિશ્વાસઘાત અને ઉચાપત તથા જી.પી.આઇ.ડી.ની કલમ-૩ અને ૪ મુજબના ગુન્હા સબબ આરોપી વિરૂદ્ધ તપાસ અર્થે તપાસનીશ અમલદારને વધુ ૪ દિવસની  પોલીસ રીમાન્ડ ઉપર સોપવા હુકમ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે શ્રીમદ્દ ભવન ખાતે રામેશ્વર શરાફી સહકારી મંડળી ચલાવતા ત્રણેય આરોપીઓએ રોકાણકારો પાસેથી આશરે ૬૦ કરોડની રકમ ફીકસ ડીપોઝીટ તરીકે મેળવેલ હતી. આ રકમ આ ત્રણેય આરોપીઓએ પોતાના અંગત નામની મિલકતો વસાવી સગેવગે કરી નાખેલ હતી. મંડળીના જે  હિસાબી ચોપડાઓ રાખવામાં આવતા હતા તેમાં આ ત્રણેય આરોપીઓ ર-પ્રકારના હિસાબી ચોપડાઓ રાખતા હતા જેમાંથી એક ચોપડામાં મંડળીના રજીસ્ટાર સમક્ષ અને ઓડીટ માટે રજુ થતા હતા જેમાં ફકત ૧ર૦૦ થાપણદારોના નામ જણાવવામાં આવેલ હતા અને બીજા પ્રકારના હિસાબી ચોપડા તેઓ પોતાની પાસે રાખતા જેમાં ૩પ૦૦ થાપણદારોના ખરા નામ-સરનામા હતા જેઓને થાપણની રસીદો આપવામાં આવેલ હતી.

ભકિતનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.ડી.ઝાલાએ ૧૦-દિવસની પોલીસ તપાસમાં મેળવેલ વિગતોમાં આ પ્રકારની હકિકતોને સમર્થન મળેલ અને વધુ હિસાબી ચોપડાઓ લેપટોપ મળી આવેલ. આ હકિકતો ઉપર વધુ તપાસ કરવા માટે પોલીસ રીમાન્ડની માંગણી સાથે આરોપીઓને રજુ કરાતા સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે, આ ત્રણેય આરોપીઓએ પોતાના અને પોતાના કુટુંબીઓના નામથી અનેક મિલકતો વસાવેલ છે જેના અવેજની કિંમતો થાપણદારોની બાંધી મુદતની થાપણોમાંથી ચુકવવામાં આવેલ છે. મોટાભાગના થાપણદારો પાસેથી લાખો રૂપિયાની રકમ રોકડ નાણામાં મેળવવામાં આવેલ હતી જેથી મંડળીના હિસાબી ચોપડામાં અને બેંક ખાતામાં રકમ જાહેર ન થાય. આ રીતે મેળવવામાં આવેલ થાપણની રકમથી આરોપીઓએ નામી-બેનામી અનેક સંપતિઓ વસાવેલ છે, પરંતુ હાલના લોકડાઉનના-૯ માસ દરમ્યાન સ્થાવર મિલકતોની કિંમત ઘટી જતા આરોપીઓને પોતાની સ્થાવર મિલકતોમાંથી નફો મળવાનું બંધ થયેલ જેથી થાપણદારોને વ્યાજની રકમો ચુકવવા નાણાકીય ભીડ પડેલ. આ પરિસ્થિતિને પહોંચી વળવા આરોપીઓએ દૈનિક થાપણોની વ્યવસ્થા કરેલ જેમાંથી મળતા નાણામાંથી જુના થાપણદારોને વ્યાજ ચુકવવાનું શરૂ કરેલ.

આ રીતે આરોપીઓએ જુની થાપણોમાંથી પોતાના નામે મિલકતો વસાવી નવી થાપણો મેળવી જુના થાપણદારોને વ્યાજની રકમો ચુકવવાનું શરૂ કરેલ. આ મુજબની વ્યવસ્થા લાંબો સમય ન ચાલતા મંડળીની ઓફીસને તાળા મારી ત્રણેયક આરોપીઓ ભાગી ગયેલ હતા. આ રીતે અનેક થાપણદારોને પોતાના નાણા પરત ન મળતા ફરીયાદીએ આરોપીઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પ્રાથમીક તપાસ દરમ્યાન આરોપીઓએ કુલ ૪ર૦૦ થાપણદારોની રકમ ઓળવી ગયાનું જણાયેલ હતું. જે અંગે આ રકમ રીકવર કરવા તથા આરોપીઓની મિલકતોની વિગતો મેળવી આ મિલકતો જપ્ત કરવા આગળની કાર્યવાહી માટે પોલીસ રીમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી. સરકાર તરફેની આ તમામ રજુઆતો માન્ય રાખી સ્પેશ્યલ કોર્ટના જજ સાહેબે આરોપીઓને વધુ-૪ દિવસના પોલીસ રીમાન્ડ ઉપર સોપવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં સરકાર તરફે સ્પેશ્યલ પી.પી.તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.

(4:13 pm IST)