Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કારકિર્દી અને તેને લગતી સમસ્યાઓ અને એસ્ટ્રોલોજી

વર્ષોથી, લોકો જ્યોતિષવિદ્યાને સામાન્ય પ્રશ્ન પૂછે છે, 'મારી કુંડળી મુજબની સૌથી યોગ્ય કારકિર્દી અથવા કે કરીઅર કઇ છે અને તે મને જીવનમાં કાયમી સફળતા પ્રદાન કરશે કે કેમ ??' અથવા 'મને કયારે સરકારી નોકરી મળશે ?' અને બીજું ઘણું બધું.

દરેક વ્યકિત સફળ અને સમૃધ્ધ જીવન જીવવા માંગે છે. જ્યાં સુધી આપણે આપણી કારકિર્દીથી સંતુષ્ટ અને ખુશ છીએ ત્યાં સુધી આપણને ચિંતા કરવાની કંઇ જરૂર નથી. પરંતુ કાર્યસ્થળ પર જ્યારે આપણને અવરોધો અથવા નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે ત્યારે તે જ ક્ષણ આપણે તરત જ એવું માનીએ છીએ કે આપણા કુંડળીમાં રહેલા ગ્રહો સાથે કંઇક ઉતારચડાવ આવી રહ્યા છે અને યોગ્ય એસ્ટ્રોલોજર - જ્યોતિષી પાસે સલાહ લેવાનું વિચારીએ છીએ.

શું તમે એવું માનો છો કે આપણી કુંડળી આપણને યોગ્ય માર્ગદર્શન આપશે ?

મારૃં કહેવું એવું છે કે વ્યકિત એ સૂર્ય, ચંદ્ર અને ગ્રહો પાસેથી જ જ્ઞાન લેવું જોઇએ. આનો સીધો અર્થ એ છે કે, કુંડલી વાંચનના આધારે આપવામાં આવેલી કારકિર્દીની સલાહ સમજણ આપી શકે છે.

તો શું કારકિર્દી અને જ્યોતિષ વચ્ચે સીધો સંબંધ છે ?

કોઇની કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં વૈદિક જ્યોતિષવિદ્યા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  જ્યોતિષવિદ્યાની ગણતરીઓ અને આગાહીઓ ૯ ગ્રહો, ૧૨ રાશિ અને ૨૭ નક્ષત્ર પર આધારિત છે જે જીવનને લગતા કેટલાક પ્રસંગ જેમ કે લગ્ન જીવન, કારકિર્દી, આરોગ્ય જેવા મુખ્ય ખાસ લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈદિક જ્યોતિષ વિદ્યા મુજબ ચંદ્ર મન પર પ્રભુત્વ ધરાવે છે. મન વિચારો પર પ્રભુત્વ ધરાવે છે અને વિચારો માનવીની ક્રિયાઓ પર શાસન કરે છે. તેથી ચંદ્ર જીવનમાં કેરિઅર એટલે કે કારકિર્દી પર સંપૂર્ણ અસર કરે છે. ચંદ્ર સિવાય તમારા કુંડળીમાં ૧૦મું ભુવન તમારા માટે સૌથી યોગ્ય કારકિર્દી નક્કી કરવામાં પણ નોંધપાત્ર અસર કરે છે જો તમારો ચંદ્ર રાશિ અને ૧૦ મું ગૃહની સ્થિતિ તમારા જન્મકુંડળીમાં પૂરક છે, તો પછી તમારી સફળ કારકિર્દીની સંભાવનાઓ પ્રમાણમાં વધુ છે.

જ્યોતિષવિદ્યામાં કારકિર્દીને લઇને ધ્યાનમાં લેવાતા પરિબળો

કારકિર્દીને લાગતો પ્રશ્ન આવે છે ત્યારે જ્યોતિષીઓએ યોગ્ય કારકિર્દી માટેની સલાહ આપવા નીચેના પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે.

૧૦માં ભુવનના અધિપતિની

સ્થિતિ શું છે ?

૧૦માં ભુવનમાં ગ્રહની સ્થિતિ...

૩જા અને ૫માં ભુવનના અધિપિતની સ્થિતિ...

તમારી કુંડળીમાં સૂર્યનું સ્થાન...

તમારી કુંડળીમાં ચંદ્રનું સ્થાન...

તમારી કુંડળીમાં ૧૦માં ભુવન પર અન્ય ગ્રહોના પ્રભાવ

તમારી નવાંશ કુંડળીમાં ગ્રહોની પ્રતિષ્ઠા...

તમારો આત્મકારક ગ્રહ...

મહાદશા અને અંતર્દશા...

પારગમન થતા ગ્રહોની અસરો...

શાસ્ત્ર અનુસાર કોઇ વ્યકિતની જન્મ કુંડળી અથવા જન્માક્ષર તેના જીવનના જ્યોતિષીય આગાહીઓના દરેક ભાગની ચાવી છે તેથી લોકો વિશે તેમની જન્મ તારીખ જાણીને ઘણું બધું કહી શકાય છે જેને આપણે અંકશાસ્ત્ર કહીએ છીએ. તે પણ વ્યકિતની રાશિ માત્રથી તેમના વિશે ઘણું બોલી શકે છે. પરંતુ તેમની જન્મકુંડળીના આધારે તેમના વ્યકિતત્વ વિશેની સંપૂર્ણ વિગતો પણ આવી શકાતી હોય છે.

૧૦માં ભુવનમાં સ્થિત ગ્રહોનો પ્રભાવ

જ્યોતિષવિદ્યા અનુસાર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ધ્યાનમાં લઇ તેમના વ્યવસાયના ક્ષેત્રને જાણવાની આ એક સામાન્ય નીતિનિયમ છે. કુંડળીના વિવિધ ભુવનમાં દસમાં ભુવનના અધિપતિ એટલે કે સ્વામીનું સ્થાન કયાં ભુવનમાં ને કઇ સ્થિતિમાં છે એ પ્રમાણે કારકિર્દી દર્શાવે છે. જ્યોતિષવિદ્યા અનુસાર વિવિધ ગ્રહો અને દસમાં ભુવન પરના તેના પ્રભાવોને ટુંકમાં સમજાવવામાં આવ્યા છે. ૧૦માં ભુવનના ગ્રહો તમારી કારકિર્દીને આ રીતે દર્શાવતા હોય.

સૂર્ય : જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય એ અધિકાર દર્શાવે છે. તમારી કુંડળીમાં મજબૂત સૂર્ય હોવાથી તમારા માટે યોગ્ય હોદ્દાઓ, વહીવટ વિભાગ અથવા રાજકીય કારકીર્દિમાં પ્રતિષ્ઠિત કેરીઅર રહે છે. આ ગ્રહ સરકારી સેવાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અમલદારો, બેન્કરો, રાજ્ય - રાષ્ટ્રના વડાઓ રાજકારણીઓ મોટી સંસ્થાઓના સીઇઓ વગેરે માટે આ ઉપરથી કહી શકાય છે.

ચંદ્ર : એક મજબૂત ચંદ્રએ લાગણીઓ સાથે જોડાયેલી કારકિર્દીનું પ્રતિનિધિત્વ કરે છે. નર્સિંગ, મનોવૈજ્ઞાનિક ચિકિત્સક વગેરેએ સંભાળ રાખે છે. ચંદ્ર આ ઉપરાંત જાહેર સંબંધો, એડમિનિસ્ટ્રેશન, હોટલ અને રેસ્ટોરન્ટ જોડેની કારકિર્દી અંગે સૂચવી શકે છે.

મંગળ : આ ગ્રહ માનસિક અને શારીરિક બંને સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. આમ જોઇએ તો યોગ્ય કારકિર્દી કોઇપણ પ્રકારની સાહસ અને આદેશિક સ્થિતિથી સંબંધિત છે. વ્યકિતને બહાદુર બનાવે છે અને તેઓને સૈન્ય, પોલીસ, વ્યાવસાયિક, રમતગમત વગેરેમાં જોડાવા માટે પ્રેરિત કરે છે.

બુધ : બુધ કોમ્યુનિકેશન સ્કીલ્સથી સંબંધિત કારકિર્દીનું પ્રતિનિધિત્વ કરે છે. પછી તે મૌખિક, લેખિત અથવા ઇન્ટરનેટ કોમ્યુનિકેશન હોય, પ્રકાશન અને પત્રકારત્વ, લેખન, શિક્ષણ, વેબ ડિઝાઇનિંગ, સંપાદકો વગેરે જેવી યોગ્ય કારકિર્દી ઉપર આ ગ્રહ શાસન કરે છે. બુધ વ્યકિતને 'નેગોસિએશન' માટે કુશળતા આપે છે.

બૃહસ્પતિ - ગુરૂ : બૃહસ્પતિ આદરતા અને જ્ઞાનનો ગ્રહ હોવાથી નાણાકીય સલાહકાર, બેન્કરો, બ્યુરો ક્રેટસ, વકીલ વગેરે જેવા વ્યવસાયો આ માટે સૌથી યોગ્ય છે.

શુક્ર : શુક્ર એ સુંદરતા અને મનોરંજનનું પ્રતીક છે. શુક્ર વૈભવી, કલા, સુંદરતા, હોટલ, અભિનયથી સંબંધિત કારકિર્દીનું પ્રતિનિધિત્વ કરે છે. ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેકચર, ઇન્ટીરીયર ડિઝાઇનીંગ, મોડેલિંગ અને ફેશન જેવા વ્યવસાયો પણ આ ગ્રહ સાથે સંબંધિત છે.

શનિ : જ્યોતિષવિદ્યામાં શનિને કર્મનો ગ્રહ કહેવામાં આવે છે. કૃષિ એટલે કે ખેતી, શ્રમ અથવા શારીરિક કાર્યથી સંબંધિત કોઇ પણ કારકિર્દી, મજદુરી, કન્સ્ટ્રકશન, ખાણને લગતા કામ વગેરે શનિના પ્રભાવ હેઠળ આવે છે.

રાહુ : રાહુ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૌથી રહસ્યમય ગ્રહ હોવા છતાં ખૂબ જ ભૌતિકવાદી ગ્રહ છે. તે ચંદ્રનો દક્ષિણ નોડ એટલે કે પડછાયો છે. આ ગ્રહની ઉર્જા વ્યકિતમાં જુદી જુદી રીતે વિચારવાની અથવા કંઇક અલગ કરવા માટેની વૃત્તિ છે. રાહુલ ચિકિત્સકો, દવા અથવા દવાઓના સંશોધકો, વેસ્ટ પદાર્થ સંબંધિત વેપારીઓ વગેરેની કારકિર્દીનું પણ પ્રતિનિધિત્વ કરે છે.

કેતુ : જ્યોતિષ શાસ્ત્રમાં આ ગ્રહ આધ્યાત્મિકતાને સૂચવે છે અને આ કારણ જ તે જાદુગરો, પાદરી અથવા પંડિત, અનુવાદક, ધાર્મિક મોવડી સાથે સંબંધિત કારકિર્દીથી સંબંધ રાખે છે.

આમ સર્વાંગી રીતે જોઇએ તો દરેક વ્યકિતની કુંડળીમાં તમામ ગ્રહો, ગ્રહોની સ્થિત, ગ્રહો સાથે સંકળાયેલા અન્ય ગ્રહો, દશાઓ, મહાદશાઓ વગેરે પરિસ્થિતિઓ ભાગ ભજવતી હોય છે. તમામ વિગતો જ્યોતિષશાસ્ત્ર અને વિદ્યાને આધારિત છે. આથી પ્રશ્નો ઉદ્ભવે તો સલાહ માટે યોગ્ય અને નિષ્ણાંત એસ્ટ્રોલોજરની સલાહ અનિવાર્ય છે.

:: આલેખન ::

રઘુરાજ રૂપારેલીયા

રાજકોટ

મો. ૭૫૭૫૮ ૭૯૭૭૯

(મળવા માટે સમય લેવો)

(4:07 pm IST)