Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લીકેટ માલ વેચવાના ગુનામાં આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧૩ :. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઘી, શેમ્પુ, તમાકુ, ડીટરજન્ટ પાવડર સહિતનો બનાવટી માલ-સામાન વેચતા લોહાણા બંધુઓને જામીન પર છોડવા કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામની ટૂંકમાં હકીકત એવી છે કે, શહેરના યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઘી, શેમ્પુ, ડીટરજન્ટ પાવડર અને તમાકુનો ધીકતો ધંધો ચાલતો હોવાની માહિતીના આધારે યુનિવર્સિટી રોડ પોલીસ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાએ દરોડા પાડી અમુલ-ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ ઘી તેમજ ડવ શેમ્પુ, મીરાજ-બાગબાન તમાકુ અને સર્ફ એકસેલ પાવડર અને સાબુનો દોઢ લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૨૭૨, ૪૮૨, ૪૮૩, ૪૮૬, ૧૨૦-બી, ૩૪ તથા ખોરાકમાં ભેળસેળ અટકાવવાનો અધિનીયમ કલમ ૧૬(૧)(એ), ૧૬(૧)(એ)(આઈ), ૧૬(૧)(આઈઆઈ) તથા ટ્રેડમાર્ક એકટ-૧૦૨(૨)(એ), ૧૦૨(૨)(બી), ૧૦૩, ૧૦૪ તથા કોપીરાઈટ એકટ કલમ-૫૧, ૬૩ મુજબનો ગુનો નોંધાયેલ છે.

જેમાં આરોપી તરીકે કુલ ૮ વ્યકિતઓ સામે ગુનો નોંધેલ હોય. જેમાંથી ૭ વ્યકિતઓની અટક કરેલ છે. જેમાં લોહાણા બંધુઓ દેવભાઈ ઉમેશભાઈ ગણાત્રા, ઉમેશભાઈ ચંદ્રકાંતભાઈ ગણાત્રા, નિલેશભાઈ ચંદ્રકાન્તભાઈ ગણાત્રા, દિપકભાઈ ચંદ્રકાન્તભાઈ ગણાત્રાની પણ અટક કરેલ ત્યાર બાદ કોર્ટ સમક્ષ આરોપી દિપકભાઈ ચંદ્રકાન્તભાઈ ગણાત્રાની ૭ દિવસ માટે રીમાન્ડ કોર્ટ સમક્ષ માંગતા આ કામના લોહાણા બંધુઓ વતી વકીલ તરીકે ચેતનભાઈ પજવાણી તથા રાકેશભાઈ દોશી દ્વારા રીમાન્ડ અંગેની દલીલો કરતા જે કોર્ટે બચાવપક્ષના એડવોકેટની દલીલો ધ્યાને લઈ પોલીસ દ્વારા આપવામાં આવેલ રીમાન્ડ અરજી રદ કરવામાં આવેલ અને આરોપીઓ દ્વારા જામીન પર છુટવા અરજી કરેલ હતી.

ત્યાર બાદ પબ્લીક પ્રોસીકયુટર દ્વારા જામીન અરજીનો વિરોધ કરેલ તેમજ બન્ને પક્ષોને સાંભળી કોર્ટે એડવોકેટની દલીલોને ધ્યાને રાખી આ કામના આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ.

આ કામના આરોપીઓ દેવભાઈ ઉમેશભાઈ ગણાત્રા, ઉમેશભાઈ ચંદ્રકાન્તભાઈ ગણાત્રા, નિલેશભાઈ ચંદ્રકાન્તભાઈ ગણાત્રા, દિપકભાઈ ચંદ્રકાન્તભાઈ ગણાત્રા વતી રાજકોટના વકીલ ચેતનભાઈ પજવાણી, રાકેશભાઈ દોશી, ગૌતમ ગાંધી તથા વૈભવ કુંડલીયા રોકાયેલ હતા.

(4:09 pm IST)