Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જમીન પચાવી પાડવાના કાયદા સામે હાઈકોર્ટમાં યાચિકા દાખલ ૧૮મીએ સુનાવણી

કમલેશ દવેના એડવોકેટ વિરાટ પોપટ દ્વારા યાચિકા દાખલ કરાઈ

રાજકોટઃ ગુજરાત જમીન પચાવી પાડવા પાર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦ કાયદો જે ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ તે કાયદાને પડકારતી પ્રથમ યાચિકા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ છે. આ યાચિકા જે સાબરકાંઠાના રહેવાસી કમલેશ જીવણલાલ દવે દ્વારા તેમના વકીલ વિરાટ પોપટ મારફતે દાખલ કરવામાં આવેલ છે.

આ યાચિકામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦ કાયદાને ગેર બંધારણીય ઠરાવવા માટે દાદ માંગવામાં આવેલ છે. આ કાયદાના ઘણા પ્રબંધો તથા ખાસ કોર્ટને આ કાયદા નીચે આપવામાં આવેલ સત્તાને પણ પડકારવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાયદા નીચે સરકારી અથવા તો ખાનગી જમીનના જુના કેસો પણ ખાસ અદાલત દ્વારા ખોલી શકાય અને જમીન માલિકી અંગે નિર્ણય કરી શકાય, જે નિર્ણય તમામને બંધન કરતા રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. આ અંગે અરજદારના વકીલશ્રી વિરાટ પોપટ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ છે કે આવા પ્રકારની જોગવાઈઓ બંધારણની વિરૂધ્ધ તથા કાયદાને એક પરિપેક્ષમાં રાખી અને બનાવેલ છે.

આ જોગવાઈઓના કારણે જુના દસ્તાવેજો તથા સક્ષમ કોર્ટો દ્વારા કરવામાં આવેલ જુના હુકમો પર પણ અસર પડે જેથી આ જોગવાઈઓ રદ કરવાની તાતી જરૂરિયાત છે. આ સિવાય ખાનગી જમીનમાં આ કાયદો લાગુ કરવાથી તેનો દુરૂપયોગ થવાની સંપૂર્ણ સંભાવના છે અને અન્ય રાજયોમાં તથા ગુજરાતમાં કરવામાં આવેલ જોગવાઈમાં ખાસો તફાવત છે. નામદાર કોર્ટ દ્વારા આ સંબંધે તા.૧૮ /૨/ ૨૦૨૧ના રોજ સુનાવણી રાખવામાં આવેલ છે.

(2:54 pm IST)