Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

નવું બસપોર્ટ બન્યા પછી બે પાર્કિંગ છીનવાયા, માથે જતાં ટ્રાફિકના રોજેરોજ મેમોઃ રિક્ષાચાલકોના ચક્કાજામ

મુસાફરો ઉતારવા આવીએ તો પણ મેમો આપી દેવાય છેઃ શાસ્ત્રી મેદાનનું બસ સ્ટેશન પણ બંધ થતાં વર્ષોથી બસ સ્ટેશને ઉભા રહેતાં ૪૦ જેટલા રિક્ષાચાલકોની હાલત કફોડીઃ એસોસિએશન પ્રમુખે ટ્રાફિક બ્રાંચમાં રજૂઆત કરી

રાજકોટ તા. ૧૩: શહેરમાં એક તરફ નવા બસપોર્ટની સુવિધા મળી છે તો બીજી તરફ અહિ જુનુ એસટી બસ સ્ટેશન હતું ત્યારે પેટીયુ રળવા બે રિક્ષા સ્ટેન્ડમાં ઉભા રહેતાં લગભગ ૪૦ જેટલા રિક્ષાચાલકોનો રોટલો છીનવાઇ ગયો છે. નવુ બસપોર્ટ બન્યા પછી બંને જુના રિક્ષા સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવતાં અહિ ધંધો કરવા આવતાં રિક્ષાચાલકોને ઉભવા જ દેવામાં આવતાં ન હોઇ અને કોઇ મુસાફરોને ઉતારવા કે લેવા માટે આવે તો તેને પણ ટ્રાફિક પોલીસ મેમો આપી દેતી હોવાની ફરિયાદ સાથે આજે ૪૦ જેટલા રિક્ષાચાલકોએ ચક્કાજામ કરી દીધા હતાં.

રિક્ષાચાલકોએ રોષ સાથે જણાવ્યું હતું કે અત્યાર સુધી શાસ્ત્રી મેદાનનું બસ સ્ટેશન ચાલુ હતું ત્યાં અમે ધંધો કરી લેતાં હતાં. હવે આ બસ સ્ટેશન બંધ થઇ જતાં અમે અગાઉના અમારા જુના સ્ટેન્ડ એટલે કે નવા બસપોર્ટ બહારના બે સ્ટેન્ડ પર ઉભા રહેતાં હોઇ અહિ અમને ઉભા રહેવા દેવામાં આવતાં નથી. જુના બંને રિક્ષા સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. અમે અહિ મુસાફર લેવા મુકવા આવીએ તો પણ હાજર દંડ અથવા તો આરટીઓના કે હેડ કવાર્ટરના મેમો આપી દેવામાં આવે છે. કોરોનામાં સતત ધંધો બંધ રહ્યો હતો ત્યાં હવે આ મુશ્કેલી ઉભી થઇ છે. અમારી માંગણી છે કે અહિ અમને કાયમી સ્ટેન્ડ આપવા જોઇઅ. તેમજ દંડ મેમો ફટકારવાનું બંધ થવું જોઇએ. રિક્ષાચાલકો વતી એઝાઝભાઇએ કહ્યું હતું કે અમે આ અંગે રાજકોટ રિક્ષાચાલક એસો.ના પ્રમુખ હુશેનભાઇ સૈયદને રજૂઆત કરી છે અને અમારી રિક્ષાઓ શાસ્ત્રી મેદાનમાં ઉભી રાખી દીધી છે. હુશેનભાઇએ પોતે ટ્રાફિકના અધિકારીઓને આ મામલે રજૂઆત કરી ઘટતું કરવા યોગ્ય કરશે તેવી ખાત્રી આપી છે. જો સત્વરે અમારો પ્રશ્ન હલ નહિ થાય તો અમારે રોજીરોટી રળવી મુશ્કેલ બની જશે. અમારી હાલાકી સામે તંત્રવાહકો ધ્યાન આપે તેવી અમારી વિનંતી છે. ચૂંટણીના કામમાં બધા તંત્રો વ્યસ્ત છે ત્યારે અમે કોઇપણ શાંતિ જોખમાય તેવા કાર્ય કરશું નહિ. અમારી શાંતિપુર્વક વિનંતી છે કે અમારો પ્રશ્ન હલ થાય અને કારણ વગરના મેમો આપીને થતી કનડગત દૂર કરવામાં આવે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:55 pm IST)