Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

દારૂના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર અભય ઉર્ફે મોન્ટુને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

અગાઉ હત્યા, હથિયાર, મારામારી, દારૂ સહિત ૧૫ ગુનામાં પકડાયો હતો

રાજકોટ તા.૧૩ : શહેરના અલગ અલગ વિસ્તારમાં હત્યા, હથિયાર, મારામારી અને દારૂના ૧૫ જેટલા ગુનામાં સામેલ અને બી ડીવીઝન પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર શખ્સને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરમાં જૂદા જૂદા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ જયેશભાઇ અને રાજદિપસિંહને મળેલ બાતમીના આધારે કોઠારીયા કોલોની કવાર્ટર નં.૧૧૧માંથી અભય ઉર્ફે મોન્ટુ હર્ષદભાઇ વ્યાસ (ઉ.૩૪) (રહે કોઠારીયા કોલોની કવાર્ટર નં.૧૧૧) ને પકડી લીધો હતો. અભય ઉર્ફે મોન્ટુ બી ડીવીઝન પોલીસ મથકમાં દારૂના ગુનામાં દસ વર્ષથી ફરાર હતો. અભય અગાઉ હત્યા, હથિયાર, મારામારી, દારૂ સહિત ૧૫ જેટલા ગુનામાં પકડાય ચુકયો છે. તે અગાઉ પાસામાં પણ જઇ ચુકયો છે.

બે ગુનામાં નાસતો ફરતો કેતન પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ.વી.સાખરા, હેડ કોન્સ ધીરેનભાઇ માલકીયા, કોન્સ મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, દિપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા તથા કિરતસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ઉમેશભાઇ, મહેશભાઇ, ભગીરથસિંહ અને સંજયભાઇને મળેલી બાતમીના આધારે કેતન નીતીનભાઇ સાગઠીયા (ઉ.૨૬) (રહે. મવડીગામ જૂના વણકરવાસ શેરીનં.૩) ને પકડી લીધો હતો. કેતન સાગઠીયા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ  આપઘાત કરવા માટે મજબૂર કરવાના ગુનામાં અને જૂનાગઢ બી ડીવીઝન પોલીસ મથકના અપહરણના ગુનામાં ફરાર હતો.

હદ પાર કરાયેલા બે શખ્સો ઝડપાયા

બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, હેડ કોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ સહિતે હદપારી મનોજ પોપટભાઇ મકવાણા (ઉ.૪૯) (રહે. ભગવતીપરા શેરીનં.૭)ને અને ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામલીયા, એએસઆઇ ફીરોજભાઇ, રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, ભાવેશભાઇ સહિતે હદપારી સોહિલ ઉર્ફે સાયલો ઓસમાણભાઇ દેથા (ઉ.૨૦) (રહે.જંગલેશ્વર મેઇન રોડ)ને પકડી લીધો હતો.

(2:56 pm IST)