Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટ અપના બજારના ચેરમેનપદે પંકજ દેસાઈ અને વાઈસ ચેરમેન પદે મહેશભાઈ કોટક

રાજકોટ, તા. ૧૩ :. અત્રે અપના બજારની બોર્ડ ઓફ ડાયરેકટરર્સની મીટીંગમાં સર્વાનુમતે તાજેતરમાં સને ૨૦૨૦-૨૧ના વર્ષ માટે શ્રી રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર લી. ભૂપેન્દ્ર રોડ, રાજકોટ (અપના બજાર-રાજકોટ)ના ચેરમેન તરીકે પી.આર. દેસાઈ, એડવોકેટ અને વાઈસ ચેરમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ કોટકની સર્વાનુમતે વરણી થયેલ છે.

ચેરમેન પી.આર. દેસાઈનો સંપર્ક કરતા જણાવે છે કે, અપના બજારની સ્થાપના સને ૧૯૬૩માં સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણીયાર (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી) સ્વર્ગસ્થ ચીમનભાઈ શુકલ (કાકા), સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ (ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી) હાલના કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, સ્વર્ગસ્થ વજુભાઈ કોટક જ્યોતિ મશીનવાળા), નટુભાઈ ચાવડા અને અનેક કાર્યકર્તાનો અભૂતપૂર્વ પ્રયત્નો અને બલીદાનના કારણે અપના બજાર હાલ પ્રગતિના પંથે છે.

ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦માં તમામ ખર્ચાઓ બાદ કરી સંસ્થાનો કુલ નફો રૂ. ૨૭,૫૪,૧૬૭ થયેલ છે. સંસ્થાના આશરે ૧૧ હજાર શેર હોલ્ડરો છે. જેમને માત્ર ૧૦ રૂપિયાના શેર પર દર ૩ વર્ષે આ સંસ્થા સારી એવી ગીફટ આપે છે અને ૧૫ ટકા ડિવીડન્ડ પણ ડીકલેર કરે છે. સંસ્થા હાલમાં ભૂપેન્દ્ર રોડ, રાજકોટ અને આનંદનગર, કોઠારીયા રોડ પાસે, બે મેડીકલ સ્ટોર્સ ચલાવે છે. જેમાં ડાયાબીટીસ, હૃદયરોગ, બ્લડપ્રેશર, પક્ષઘાત, થાઈરોડ જેવી અનેક બીમારીઓની સારવાર માટે લેવાતી કાયમી દવા ખૂબ જ સસ્તા ભાવે વેચવામાં આવે છે. ભવિષ્યમાં પણ સીઝન મુજબ શેર હોલ્ડર અને સામાન્ય પ્રજાજનોને ઘઉં, અન્ય આઈટમો તથા વિદ્યાર્થીઓને નોટસ બુકસ સસ્તા ભાવે મળી રહે તે માટે સંસ્થાના તમામ ડાયરેકટર્સ, સ્ટાફ મેમ્બર્સ, અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. શેર હોલ્ડરોને સંસ્થાની માહિતી રેગ્યુલર મળી રહે તે માટે ટૂંક સમયમાં સંસ્થા પોતાનું મુખપત્ર, વોટસઅપ ઉપર શેર હોલ્ડરોને મળી રહે તે માટેના પ્રયત્નો કરી રહેલ છે.

(2:57 pm IST)