Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પત્નિ-પુત્રને ભરણપોષણની રકમ નહિ ચુકવતા પતિને સજા ફટકારતી કોર્ટ

જૂનાગઢ તા.૧૩ : રાજકોટના રહીશ પતિદેવ દિલીપ લાલચંદ છાબરીયાએ જૂનાગઢની રીસામણે આવેલ તેઓની પત્ની તથા પુત્રને ચડત ભરણપોષણની રકમ ન ચુકવતા ફોજદારી પર અરજી નં.૫૮૬-૧૯ તથા ૬૨૩-૧૮માં ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ એન.કે.પરીખે બે વર્ષ એક માસ અને પંદર દિવસની સાદી કેદની સજા તથા ૫૮૬-૧૯ માં એક વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે.

જૂનાગઢના રહીશ સ્ત્રીના લગ્ન રાજકોટ મુકામે દિલીપકુમાર લાલચંદ છાબરીયા રહે. જુલેલાલ નગર જંકશનપ્લોટ, ગુરૂકૃપા મુ.રાજકોટ વાળા સાથે લગ્ન થયેલા. લગ્નજીવનમાં એક પુત્રનો જન્મ થયેલ બાદમાં રાજકોટ મુકામે તેના પતિ દિલીપકુમાર અને કુટુંબીજનોના ત્રાસથી તેણી તેના પિયરે જૂનાગઢ મુકામે રહેતા હતા અને આ અંગે ફોજદારી પરચુરણ અરજી નં. ૪૩૬-૧૬ ફેમેલી કોર્ટ જૂનાગઢ ખાતે ભરણપોષણની અરજી દાખલ કરતા અરજદાર સ્ત્રી તથા અરજદારના પુત્રને ભરણપોષણનો હુકમ ફેમેલી કોર્ટે કરી દર માસે કુલ ૪૫૦૦ રૂ. અરજીની તારીખથી ચુકવવાનો હુકમ કરેલ.

પતિદેવ દિલીપકુમાર લાલચંદ છાબરીયા ભરણ પોષણની રકમ ન ચુકવતા ફો.પ.અ.નં. ૬૨૩-૧૮ થી અરજી જૂનાગઢની રિસામણે આવેલ સ્ત્રીએ ફેમેલી કોર્ટ જૂનાગઢમાં દાખલ કરતા સદરહું અરજી દરમિયાન સામાવાળા દિલીપકુમાર નામદાર અદાલતે હાજર ન રહેતા સમન્સ વોરંટ વગેરે કાયદાકીય પ્રક્રિયા નામ. અદાલતે કરેલ. બાદમાં તા.૬-૨-૨૦૨૧ના રોજ અદાલતે ફો.પ.અ.નં.૬૨૩-૧૮ના કામે ચડતભરણપોષણની રકમ રૂ.૧,૦૬,૭૫૦ પતિદેવ દિલીપકુમાર ન ચુકવતા અને કોર્ટમાં સતત ગેરહાજર રહેતા અદાલત સમક્ષ સીનીયર એડવોકેટ અજય વી.જોબનપુત્રાની દલીલો ગ્રાહય રાખી પ્રિન્સીપાલ ફેમેલી કોર્ટના જજશ્રી એન.કે.પરીખે દિલીપકુમાર લાલચંદ છાબરીયાને ૨૩ માસ ૧૫ દિવસ કુલ ૭૦૫ દિવસ સાદી કેદની સજા ફરમાવેલ છે. તેજ રીતે ચડત ભરણપોષણની ફો.પ.અ. નં. ૫૮૬-૧૯ના ચડત ભરણપોષણના ૫૪૦૦૦ ન ભરવા બદલ બાર માસ સાદી કેદની સજા રાજકોટના રહીશ દિલીપકુમાર લાલચંદ છાબરીયાને ફરમાવેલ છે. આ કામમાં એડવોકેટ અજય જોબનપુત્રા રોકાયેલ હતા.

(2:57 pm IST)