Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કીસી કી મુશ્કુરાહટો પે હો નિશાર કીસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર, કીસી કે વાસતે હો તેરે દીલ મેં પ્યાર...

કાલે વેલેન્ટાઇન ડે : પ્રેમ રસમાં ઓળઘોળ બનવાનો અવસર

રાજકોટ તા. ૧૩ : પ્રેમ એ એવી વસ્તુ છે કે તેને જેમ વહેંચો તેમ વધતો રહે. કોઇને પ્રેમ આપો તો તમને મળે. એવુ કઇક ગણિત પ્રેમનું છે. આવો પ્રેમ વરસાવવાનો અને તેમાં ભીંજાવવાનો અવસર એટલે વેલેન્ટાઇન ડે! કાલે તા. ૧૪ ફેબ્રુઆરીના વિશ્વભરમાં વેલેન્ટાઇન ડે ની પ્રેમમય ઉજવણી કરાશે.

વસંતના ખીલેલા વૈભવ વચ્ચે સંત વેલેન્ટાઇનની સ્મૃતિઓના સમન્વયથી કાલે ચોમેર આહલાદકતાની અનુભુતિ પ્રસરતી જોવા મળશે.

પ્રેમ અભિવ્યકત કરવાનો આ ખાસ દિવસ છે. પ્રેમી હૈયાઓને પ્રોત્સાહન પુરૂ પાડનાર સંત વેલેન્ટાઇનની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજે પ્રેમ અભિવ્યકત કરવા કરતા મોંઘી મોંઘી ભેટ સોગાદોની આપલે કરવાનું વળગળ વધી ગયેલું જોવા મળે છે. ગમતીલી વ્યકિતનું દિલ જીતવા ગીફટ આપવાનું પણ એક ચલણ ચાલ્યુ હોય બજારોમાં ગીફટ કાર્ડ, શો પીસ જેવી વસ્તુઓનું ધુમ વેચાણ થશે.

 જો કે દિલની વાતમાં આવી વસ્તુઓ તુચ્છ માનવી રહે. દિલ જીતવા માટે દિલ આપવું પડે છે. એક ફિલ્મ ગીતની પંકિત 'દિલ દેકે દેખો દિલ દેકે દેખો દિલ દેકે દેખો જી, દિલ લેને વાલે દિલ દેના શીખોજી..' એ વાતની પુષ્ટિ કરી જાય છે.

પ્રેમ તો એક પવિત્ર વસ્તુ છે. તેને કોઇ સીમાડા નડતા નથી. ન જાત ન પાત! કે ન ઉમર! ગમે તેને ગમે તેની સાથે પ્રેમ થઇ શકે છે. પણ હાં મર્યાદા અને સંસ્કૃતિ પુરતા સીમીત રહીને પ્રેમની પરાકાષ્ટા સર્જવામાં આવે તો જ સાચી સફળતા માનવી રહે. નહીતર બધુ છીછરાપણામાં ખપે છે.

અંધ સાથે કે અપંગ સાથે બધી રીતે સામાન્ય વ્યકિતએ લગ્ન જીવનને સફળ બજાવી જાણ્યા હોય  તેવા અનેક કિસ્સાઓ આપણને જોવા મળતા હોય છે.વળી અહીં એ વાત પણ વિચારનીય છે કે વેલેન્ટાઇન ડે માત્ર યુવા હૈયાઓ માટેનો દિવસ નથી. ભાઇ બહેન, માતા પિતા કે પછી દુનિયાનું કોઇપણ પ્રિતી પાત્ર હોય તેની સમક્ષ પ્રેમનો એકરાર કરવાનો દિવસ છે. જીવ માત્રને પ્રેમ કરી જાણો એજ ખરો પ્રેમ છે.આવો અમર પ્રેમ કાલેે વેલેન્ટાઇન દિવસરૂપે જીવંત બનશે. ચોમેર દિલ ખોલીને ઉજવણી કરાશે.

(2:58 pm IST)