Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાષ્ટ્રીય શાળાની શતાબ્દી ઉજવણી

રાજકોટ : સને ૧૯૨૧માં પૂજય ગાંધીજીએ ઉભી કરેલ રાષ્ટ્રીય શાળાને ૨૦૨૧માં ૧૦૦ વર્ષ પૂરા થયા છે. તેના અનુસંધાને આ વર્ષે ગાંધી વિચારધારાને અનુરૂપ કાર્યક્રમો યોજાનાર છે. સૌ પ્રથમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જીતુભાઈ ભટ્ટ તથા જાણીતા આર્કિટેકટ શ્રી પ્રદિપભાઈ ત્રિવેદીએ દિપ પ્રાગટ્ય કરીને સંસ્થાની ૧૦૦ વર્ષની પ્રવૃતિઓ તથા તે દરમિયાન આવેલ ચઢાવ - ઉતાર વિશે સવિસ્તાર ઉદ્દબોધન કરેલ. આ એ જ રાષ્ટ્રીય શાળા છે કે જેના પટાંગણમાં આવેલ એક રૂમમાં સને ૧૯૩૯માં પૂ.બાપુએ ત્રણ દિવસના ઉપવાસ કરેલ. જેને કારણે દેશ - વિદેશમાંથી અનેક પર્યટકો અત્રેની મુલાકાત લેવા આવે છે. તેમજ પ્રખર વિદ્વાન સંત શ્રી મોરારીબાપુ પણ દર રેંટીયાબારસે પૂ.ગાંધીબાપુની પ્રતિભાને સૂતરની આંટી પહેરાવીને વંદના કરવા અચૂક  આવે છે. તેમજ સંગીત કલાકારો તથા સેલીબ્રીટીઓ સંસ્થાની મુલાકાત લઈ ચૂકયા છે. તેના ભાગરૂપે રાષ્ટ્રીય શાળા સંચાલિત સંગીત વિદ્યાલયના વિદ્યાર્થી - શિક્ષકો દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં સર્વપ્રથમ ગણેશ વંદનાની સ્તુતિથી ચાલુ કરીને ગાંધીજીને પ્રિય ભજનો રાષ્ટ્રીય શાળા સંગીત શાળાના શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલ.આ તબક્કે સંગીત શાળાના વિદ્યાર્થીઓ, આર્કીટેકટ પ્રદિપભાઈ ત્રિવેદી, નંદલાલ જોષી, સુનિલભાઈ ત્રિવેદી, જગદેવસિંહ જાડેજા, રહીમભાઈ સાડેકી, અર્જુનભાઈ, દેવેન્દ્રભાઈ ધામી, સુરેશભાઈ પરમાર, અનિલભાઈ જોષી, સાજીદભાઈ મીર, ભાર્ગવભાઈ, ગોપીબેન, મેહુલભાઈ વાઘેલા, યુકતાબેન વગેરેએ હાજરી આપેલ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટની રાહબરી હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા સૌએ જહેમત ઉઠાવી હતી.

(2:59 pm IST)