Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટ કોર્પોરેશન ચૂંટણી જંગમાં વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવારોનો પ્રચાર માટે નવો કિમીયોઃ કાર્ટુન કેરેક્‍ટર સાથે નવુ આકર્ષણ જમાવ્‍યુ

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દીવસો બાકી છે, દરેક ઉમેદવાર મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. અલગ અલગ પ્રકારે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જોકે, રંગીલા રાજકોટના ચૂંટણી પ્રચારમાં અનેક રંગો જોવા મળી રહ્યાં છે. ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે અલગ અલગ કીમિયા અપનાવી રહ્યાં છે.

રાજકોટ વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવારો શેરીએ શેરી પદયાત્રા કરીને મતદારો સુધી પહોંચી રહ્યાં છે. ઉમેદવારો પોતાની સાથે તેમના સમર્થકોને લઇને ઘર ઘર સુધી પહોંચીને મત માટે અપીલ કરી રહ્યાં છે. બીજી તરફ આ ઉમેદવારોએ પોતાના પ્રચારમાં કાર્ટુન કેરેક્ટર્સને સામેલ કર્યાં છે. કાર્ટૂનના વેશમાં અનોખો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે. વોર્ડ નંબર 7 માં કિસાનપરા વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોએ તેમના કાર્યકર્તાઓને કાર્ટૂનનો વેષ ધારણ કરાવ્યો હતો. આ કાર્ટુન કેરેક્ટર ગલીઓમાં મનોરંજન કરીને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યાં છે. હાલ વોર્ડ નંબર 7 કાર્ટુન આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મનપાની ચૂંટણીનું મતદાન થવાનું છે અને 23 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી થવાની છે. ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચારને જ્યારે 6 દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો કોઈ કચાશ છોડવા માંગતા નથી. ત્યારે જોવું એ રહ્યું કે રંગીલા રાજકોટમાં કોનો રંગ પાકે છે.

(4:33 pm IST)