Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

કારખાનુ શરૂ કરવા સામાન ફેરવતી વખતે શ્રીરામ પાર્કના મોહિલ સોરઠિયાનું હૃદય બેસી જતા મોત

મવડી પ્‍લોટમાં કૌટુંબીક બનેવીના મોટાબાપુના કારખાનામાં બનાવ : આઠ દિવસ બાદ આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં કારખાનુ શરૂ કરવાનુ હતું : સામાન ફેરવતી વખતે પિતા કિશોરભાઇ પણ હાજર હતા : બે ફેરા કર્યા બાદ યુવાન અચાનક ઢળી પડયો : એકના એક પુત્રના મૃત્‍યુથી સોરઠીયા પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૩ : રાજકોટમાં હાર્ટએટેકથી મોત થવાનો સિલસિલો હજુ યથાવત રહેવા પામ્‍યો છે. આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં કારખાનુ શરૂ કરવા માટે યુવાન મવડી પ્‍લોટમાં કૌટુંબિક બનેવીના મોટાબાપુના કારખાનામાંથી સામાન ફેરવતી વખતે અચાનક ઢળી પડતા તેનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મવડી બાલાજી હોલ પાસે આવેલી શ્રીરામ પાર્ક સોસાયટી શેરી નં. ૧૨માં રહેતો મોહિલ કિશોરભાઇ સોરઠીયા (ઉ.વ.૨૪) રાત્રે અગીયારેક વાગ્‍યે પિતા સાથે મવડી પ્‍લોટ શેરી નં. ૨/૧૦ના ખૂણે કૌટુંબીક બનેવીના મોટાબાપુ વિજયભાઇના ઘનશ્‍યામ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાંથી સામાન ફેરવતા હતા ત્‍યારે મોહિલ અચાનક ઢળી પડતા બેભાન થઇ જતા પિતા તથા બનેવી સહિતના લોકો તુરંત જ દોડી આવ્‍યા હતા અને યુવાનને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તપાસનિશ તબીબે યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જાહેર કર્યું હતું. બનાવની જાણ થતાં પરિવાર સહિતના લોકો સિવિલ હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતા. 

આ બનાવની જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ. કે.યુ.વાળા સહિતે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક મોહિલના કાકા દિનેશભાઇના જણાવ્‍યા મુજબ મોહિલના પિતા કિશોરભાઇ રીવેરા ગ્રુપમાં એસ્‍ટેટ બ્રોકર છે. માતાનું નામ હિનાબેન છે. તે એક ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તે બનેવીના મોટાબાપુ વિજયભાઇ સાથે ભાગીદારીમાં ઝીંકનું કારખાનુ શરૂ કરવું હોઇ તેથી એક અઠવાડિયાથી બનેવીના મોટાબાપુનું મવડી પ્‍લોટ શેરી નં. ૨/૧૦ના ખૂણે આવેલા ઘનશ્‍યામ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં કામ શીખતો હતો અને આઠ દિવસ બાદ આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં કારખાનુ ચાલુ કરવાનું હોઇ તેથી રાત્રે મોહિલ તેના પિતા સહિતના લોકો બનેવીના મોટાબાપુના કારખાનામાંથી સામાન ફેરવતા હતા. સામાનના બે ફેરા કર્યા બાદ ત્રીજો ફેરો કરે તે પહેલા મોહિલ અચાનક ઢળી પડયો હતો. ત્‍યાં તુરંત જ પિતા સહિતના લોકો દોડી આવ્‍યા હતા અને મોહિલને પોતાના વાહનમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. એકના એક પુત્રના મૃત્‍યુથી સોરઠીયા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(4:04 pm IST)