Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

રાજકોટમાં બે કોમ્‍પલેક્ષમાં ધસી જઇ બે તરૂણીની છેડતી કરનારા અજાણ્‍યા શખ્‍સની શોધખોળ

બંને તરૂણીના પરિવારજનોએ જાણ કરતા તાલુકા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી

રાજકોટ, તા., ૧૩: એસી ફુટ રોડ પર બે કોમ્‍પલેક્ષમાં ધસી જઇ અજાણ્‍યા શખ્‍સે બે તરૂણીની છેડતી કરતા કોમ્‍પલેક્ષના રહેવાસીઓએ તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ એસી ફુટ રોડ પર રહેતી ૧૪ વર્ષની તરૂણી તા.૯ના રોજ રાત્રે પોતાના ૧૦ વર્ષના ભાઇ અને અન્‍ય બાળકો સાથે કોમ્‍પલેક્ષના ગ્રાઉન્‍ડ ફલોરમાં રમી રહી હતી. ત્‍યારે ત્‍યાં ધસી આવેલા અજાણ્‍યા શખ્‍સે તરૂણીનું ગળુ પકડી ચેનચાળા કર્યા બાદ તેને પછાડી દઇ દોડીને ભાગી ગયો હતો. આ બનાવ બનતા તરૂણી ગભરાઇ ગઇ હતી. તે વખતે તેના માતા-પિતા બહાર ગયા હતા. જાણ થતા ઘરે દોડી આવ્‍યા હતા. તે વખતે પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. તેની પુત્રીએ રડતા-રડતા આપવીતી જણાવી હતી. જેથી વિસ્‍તારના રહેવાસીઓ સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્‍ય શખ્‍સ છેડતી કરતા જોવા મળ્‍યો હતો. જેથી તરૂણીના વાલીઓ તાલુકા પોલીસ મથકે પહોંચ્‍યા હતા. તે વખતે જાણવા મળ્‍યું હતુ કે ૮૦ ફુટ રોડ પર જ આવેલા અન્‍ય એક એપાર્ટમેન્‍ટમાં પણ ગત તા.૧૧ના રોજ અજાણ્‍યા શખ્‍સે ૧૧ વર્ષની તરૂણીની છેડતી કરી હતી. આ શખ્‍સે તે તરૂણીનો હાથ પકડી લીધા બાદ તેને ઇશારાથી સેલરમાં આવવાનું કહયું હતું. સદનશીબે પાડોશીઓ આવી જતા તે શખ્‍સ ભાગી ગયો હતો. આ કોમ્‍પલેક્ષના સીસીટીવી ચેક કરતા ગત તા. ૯ના રોજ તરૂણીની છેડતી કરનાર શખ્‍સ જ હોવાનું સ્‍પષ્‍ટ થતા તેના વિરૂધ્‍ધ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે છેડતી અને પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ વી.આર.પટેલ સહીતે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(4:21 pm IST)