Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વિશ્વ નર્સિંગ દિવસે સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રશ્ને નર્સિંગ સ્ટાફનો કાળી પટ્ટી બાંધી વિરોધ

ઉચ્ચતર પગાર, સમાન ભથ્થા, બાકી કેસનો સત્વરે નિકાલ, કાયમી નિમણુંક, બઢતી-બદલી સહિતના પ્રશ્નો ઉકેલવા માંગણીઃ ઉકેલ નહિ આવે તો ૧૮મીએ એક દિવસની પ્રતિક હડતાલ

રાજકોટઃ આજે વિશ્વ નર્સિંગ દિવસની વિશ્વભરમાં ઉજવણી થઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ નર્સિંગ સ્ટાફે આ દિવસ ઉજવ્યો હતો. સાથો સાથ નર્સિંગ સ્ટાફે વિવિધ પડતર પ્રશ્નોનો લાંબા સમયથી વહિવટી તંત્ર ઉકેલ લાવતું ન હોઇ તેનો વિરોધ દર્શાવી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી અને સુત્રોચ્ચાર કરી આવેદન પાઠવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું હતું કે ગ્રેડ પે ૪૨૦૦ અને ખાસ ભથ્થાઓ ૯૬૦૦ મહિને ચુકવાય, બહારની ભરતી બંધ થાય, ૩૫૦૦૦ પગાર થાય, ડિપ્લોમા દરમિયાન ૧૫૦૦૦ માસ સ્ટાઇપેન્ડ અપાય, શિક્ષકોની માફક ઉચ્ચતર પગાર અપાય, નર્સિસ સ્ટાફને એક વર્ષથી ન મળેલી રજાઓનું વળતર ચુકવાય, સ્થાપિત થયેલા હોદ્દા અને પગારમાં કાયમી નિમણુંક થાય, અટકેલી બઢતી મળે, કાયમી ભરતી થાય, માસ્ટર ડીગ્રી અને લાયકાત મુજબ વર્ગ-૨ની ખાલી જગ્યાઓ પર ભરતી થાય. પીએચસી ફરજો બજાવતાં નર્સિસ સ્ટાફનું શોષણ બંધ થાય. એ સહિતના પ્રશ્નો ઉકેલવા માંગણી કરવામાં આવી છે. તેમજ જો હજુ આ પ્રશ્નો ઉકેલવા યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ૧૮/૫ના રોજ રાજ્યની સમગ્ર હોસ્પિટલો-આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતાં નર્સિસ સ્ટાફ એક દિવસની પ્રતિક હડતાલ પાડી ફરજોનો બહિષ્કાર કરશે. તેમ એસોિએશનના પ્રમુખ દિપકમલ વ્યાસ અને સેક્રેટરી દેવીબેન દાફડાએ જણાવ્યું હતું.

(3:03 pm IST)