Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોરોનામાં મૃત્યુ પામેલા રેલ્વેના કર્મચારીઓના પરિવારોને ૨૫ લાખ આપો, તેમના બાળકોને નોકરી આપો

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વેમેનના ડો. એમ. રાઘવૈયાજી દ્વારા રેલ્વેમંત્રીને રજુઆત

રાજકોટઃ કોરોનાથી મૃત્યુ પામતા રેલ કર્મચારીને દુર્ઘટના રાશી રૂ. રપ લાખ ઉપલબ્ધ કરાવવા માટે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વેમેનના મહામંત્રી ડૉ. એમ રાઘવૈયાજી દ્વારા  રેલ્વે મંત્રીજી સમક્ષ  માંગ કરવામાં આવી છે.

રજુઆતમાં કહેવાયું  છે કે કોવીડ-૧૯ ની મહામારીમાં દેશ ખૂબ જ વિકટ પરિસ્થિતીમાંથી ગુજરી રહ્યો છે. જ્યાં આખા દેશમાં લોકડાઉન લાગેલ છે ત્યાં રેલ કર્મચારીઓ આ મહામારીમાં પણ ટ્રેન ચલાવવા પ્રતિબદ્ધ છે આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે રેલ કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. દવાઓ , ઓકસીજન, કરિયાણું વગરે વસ્તુઓ પહોચાડવા માટે જીવની પરવાહ કર્યા વિના કામ કરી રહ્યા છે.

શ્રી શરીફખાન પઠાણ પ્રમુખ તથા શ્રી હિરેન મહેતા (ડિવિજનલ સેક્રેટરી, વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ) એ જણાવ્યુ કે ઘણી મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ફરજ બજાવતા સમય સંક્રમિત થઈ ચૂક્યા છે અને ઘણા કર્મચારીઓ આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. નેશનલ  ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વેમેનના મહામંત્રી ડૉ એમ રાઘવૈયાએ રેલ્વેમંત્રી શ્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી.

તેમને રેલ્વે મંત્રીશ્રી ને જણાવ્યુ કે રેલ્વે કર્મચારી ફ્રન્ટ લાઈન સ્ટાફ હોવાથી મહામારીના સમયમાં પોતાના જીવની પરવાહ કર્યા વગર કામ કરી રહ્યા છે. આવશ્યક વસ્તુઓ તથા સેવાઓને જરૂરિયાતમંદો સુધી પહોચાડતા સમયે સંક્રમિત થઈ રહ્યા છે.

ડો. એમ રાઘવૈયાએ માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખી તથા રેલ્વે મંત્રિશ્રીને મળી માંગણી કરી કે જે રીતે કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય અને નિયમાનુસાર તેના પરિવારને રૂ૧ ૨૫  લાખ રાશી આપવામાં આવે છે તેમ કોરોના કાળમાં પણ કર્મચારી ડ્યૂટિ પણ સંકર્મિત થાય છે અને જેના કારણે મૃત્યુ પામે છે તેમના પરિવારને પણ યોગ્ય રાશી આપવામાં આવે અને તેમના બાળકોનેને તુરંત રેલ્વેમાં નોકરી પણ આપવામાં આવે.

આ મહામારીમાં દેશની સેવામાં ગાડી ચલાવતા આશરે ર૦૦૦ રેલ કર્મચારીઓએ કોરોનાના સંક્રમણમાં આવીને પોતાનો જીવ ગુમાવ્યો છે.

 રેલ્વે મંત્રીશ્રી એ ડૉ. એમ રાઘવૈયાજીને આશ્વાસન આપ્યું કે તુરંત આ વિષય પર ચર્ચા - વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમ વેર્સ્ટન રેલ્વે મઝદુર સંઘના ડીવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાની યાદીમાં જણાવાયું છે.

(3:06 pm IST)