Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

યુવાઓને રજીસ્ટ્રેશનનો બીજો મેસેજ ન આવે ત્યાં સુધી દરરોજ પ્રયત્ન કરવા પડશે

૧૮ થી ૪૪ વય જૂથનાં વેકસીનેશનના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જાહેર કરતું તંત્ર : પહેલો મેસેજ માત્ર રજીસ્ટ્રેશનનો છે : વેકસીન લેવા માટે સેશન સાઇટ ફાળવવાનો મેસેજ ન મળે તો ફરીથી પ્રયત્ન કરવાનો રહેશે

રાજકોટ,તા. ૧૨: વેકસીનેશનનાં રજીસ્ટ્રેશન બાબતે લોકોમાં દેકારો બોલી ગયો છે. ત્યારે મ.ન.પા.એ ૧૮ થી ૪૪ વર્ષના વય જુથના લોકો વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વિગતો જાહેર કરી છે.

જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ ચુકેલા લોકો માટે બીજો ડોઝ કયારે લેવાનો થશે તેની જાણકારી આપવામાં આવી છે જેમાં કોવીશીલ્ડ વેકસીનેશનનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી જ લેવાનો છે જયારે કોવેકસીન વેકસીનનો બીજો ડોઝ ૨૮ દિવસ પછી લેવાનો છે.

આ ઉપરાંત ઉંમર ૧૮ થી ૪૪ વર્ષના લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ મેળવવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવી છે જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર વ્યકિતને મોબાઈલમાં બે મેસેજ આવશે. જે પૈકી પ્રથમ મેસેજ રજીસ્ટ્રેશનનો હોય છે અને બીજા મેસેજમાં વેકસીનેશન માટેના સ્થળ અને સમય દર્શાવેલ હોય છે. આ બીજો મેસેજ આવ્યા પછી જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ પછી નિયત થયેલા સમયે જ વેકસીન લેવા માટે જવાનું રહેશે.

રજીસ્ટ્રેશન (ઉંમર ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે)

સ્ટેપ – ૧

 કોવીડ પોર્ટલમાં રજીસ્ટ્રેશન

 રજીસ્ટ્રેશન પુર્ણ થયા બાદ મોબાઈલમાં એક એસએમએસ આવશે. આ એસએમએસ માત્ર રજીસ્ટ્રેશનનો છે.

સ્ટેપ – ૨

 રજીસ્ટ્રેશનનો મેસેજ આવ્યા બાદ ઓનલાઈન સેશન સાઈટ તથા ટાઈમ સ્લોટ માટે નોંધણી કરાવવી..

 નોંધણી કરાવવા માટે રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે સેશન સાઈટ ઓપન કરવામાં આવે છે.

 નોંધણી સફળતાપૂર્વક પુર્ણ થયા બાદ બીજો એસએમએસ આવશે. જેમાં આપને વેકસીનેશન માટેનું સ્થળ અને સમય દર્શાવેલ હોય છે.

 આ બીજો એસએમએસ મળ્યા બાદ આપ રજીસ્ટ્રેશન કરેલ સેશન સાઈટ ખાતેથી વેકસીન લઈ શકો છો.

બીજો ડોઝ

. કોવીશીલ્ડ વેકસીનેશનનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી જ લેવાનો છે.

. કોવેકસીન વેકસીનનો બીજો ડોઝ ૨૮ દિવસ પછી લેવાનો છે.

(3:47 pm IST)